પવઈ-સાકીવિહાર રોડ પર એક ગુજરાતીની દુકાનમાં તપાસ કરવાના નામે આવેલા આરોપીનો ભાંડો ફૂટી ગયો. દુકાનદારે આરોપીને કર્યો પોલીસને હવાલે
કિરણભાઈનો ન્યુ કમલ જનરલ સ્ટોર્સ.
મુંબઈમાં સરકારી બાબુઓના લાંચ લેવાના કિસ્સા સતત વધી રહ્યા છે ત્યારે નકલી સરકારી બાબુઓ બનીને તોડ કરતા ગઠિયાઓનો પણ રાફડો ફાટી નીકળ્યો છે. પવઈ-સાકીવિહાર રોડ પર ન્યુ કમલ જનરલ સ્ટોર્સ ધરાવતા કિરણ પટેલની દુકાને શનિવારે સાંજે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના અધિકારી તરીકે ખોટી ઓળખ આપનાર વર્ધન સાળુંખેની પવઈ પોલીસે ધરપકડ કરી હતી. કિરણભાઈની દુકાને FDAનો અધિકારી હોવાનો દાવો કરી આવેલા વર્ધને પોતાનું આઇડેન્ટિટી કાર્ડ બતાવીને દુકાનની તપાસ શરૂ કરી હતી એટલું જ નહીં, ફાયર લાઇસન્સ અને FDAના દસ્તાવેજો પણ તપાસ્યાં હતાં. જોકે વર્ધનના હાવભાવ પરથી શંકા આવતાં કિરણભાઈએ તેની ઑફિસ અને બેઠક વિશે પૂછપરછ કરતાં વર્ધન હાંફળો-ફાંફળો થવા માંડતાં તેની ચોરી પકડાઈ ગઈ હતી. અંતે બીજા લોકોની મદદથી પકડીને તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે તેણે આ પહેલાં કેટલા દુકાનદારો સાથે આવી રીતે છેતરપિંડી કરી છે એની તપાસ શરૂ કરી છે.
FDAનું આઇડેન્ટિટી કાર્ડ બતાવી પોતાનું નામ અક્ષય પાટીલ કહીને તે દુકાનમાં પ્રવેશ્યો હતો એમ જણાવતાં કિરણ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ અક્ષય ઉર્ફે વર્ધન મારી દુકાને આવ્યો હતો. તેણે આવીને તરત જ FDAનું આઇડેન્ટિટી કાર્ડ બતાવ્યું હતું અને દુકાનની તપાસ કરવા આવ્યો છું એમ કહીને અંદર આવ્યો હતો. ત્યાર બાદ તેણે મારી પાસે ફાયર લાઇસન્સ અને FDAનું લાઇસન્સ માગ્યાં હતાં. મેં તરત જ તેને બન્ને લાઇસન્સ બતાવ્યાં હતાં. એ સમયે મારી દુકાનમાં ગ્રાહક હોવાથી હું તેની સાથે વાત કરી રહ્યો હતો. આવેલો યુવાન તોડ કરવાના ઇરાદે આવ્યો હોવાની મને પ્રાથમિક શંકા ગઈ હતી એટલે મેં તેને તેની ઑફિસ ક્યાં છે અને તે ક્યાં બેસે છે એની માહિતી પૂછી હતી. એ સમયે તે થોડો હાંફળો-ફાંફળો થયો હોવાનું મેં જોયું હતું. એટલામાં પાછળ બે ક્લીન-અપ માર્શલ મારી દુકાનમાં આવ્યા હતા જેમની મદદથી મેં તે યુવકની પૂછપરછ કરી ત્યારે તે બોગસ હોવાનું સામે આવતાં અમે તેને પવઈ પોલીસ-સ્ટેશનને સોંપ્યો હતો.પોલીસે મારી ફરિયાદ નોંધી છે.’

