Mumbai Rain: હવામાન વિભાગની આગાહી અનુસાર સાઉથ બોમ્બે, દાદર, સાયન અને અંધેરી સહીતના કેટલાંક ભાગમાં મધ્યમ વરસાદ થઇ શકે છે.
ફાઇલ તસવીર
મુંબઈમાં આજે કેવું વાતાવરણ રહેશે તે અંગે વાત કરીએ તો મોટેભાગે શહેરમાં આજે વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે. આ સાથે જ મધ્યમ વરસાદ પણ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સાઉથ બોમ્બે, દાદર, સાયન અને અંધેરી સહીતના કેટલાંક ભાગમાં મધ્યમ વરસાદ થઇ શકે છે.
લેટેસ્ટ રિપોર્ટ અનુસાર આજે શહેરમાં હવામાન મોટેભાગે ગરમ અને ભેજવાળું રહેશે. મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24થી 26 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે. આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80થી 90 ટકા સુધી જઈ શકે છે. કોલાબા, મરીન ડ્રાઇવ અને ગેટવે ઓફ ઇન્ડિયા જેવા વિસ્તારો સહિત સાઉથ બોમ્બેમાં આજે હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ થાય તેવી સંભાવના છે. અંધેરી, બાંદ્રા અને જોગેશ્વરી જેવા પશ્ચિમી ઉપનગરોમાં હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ પડી શકે છે. ખાસ કરીને બપોર અને સાંજના સમયે વરસાદ જોવા મળશે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ શક્યતા છે. પાલિકાએ આજે લોકોને દરિયાકિનારે જવાની પણ ના પાડી છે કારણકે ઊંચા મોજાં ઉછળી શકે છે. કુર્લા, ઘાટકોપર અને ચેમ્બુર સહિતના પૂર્વીય ઉપનગરોમાં પણ આકાશ વાદળછાયું રહે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
મુંબઈની આસપાસના વિસ્તારની વાત કરીએ તો ખાસ કરીને નવી મુંબઈ અને થાણેમાં દિવસના ઉત્તરાર્ધમાં વરસાદ થઇ શકે છે. જેમાં તાપમાન 24થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. આજે શહેર અને પરાંવિસ્તારમાં છૂટાછવાયા વરસાદને કારણે જાહેર પરિવહન સેવાઓમાં થોડો વિક્ષેપ થાય તો તેમાં કોઈ નવાઈ નથી. પાલઘરમાં આજે અન્ય ભાગોની તુલનામાં વરસાદનું જોર વધારે નહીં હોય. જોકે એ બાબતે કોઈ ચોક્કસ માહિતી હવામાન ખાતાએ આપી નથી.
કોંકણ વિસ્તારમાં ભારે વરસાદથી રાહત
રત્નાગીરી, સિંધુદુર્ગ અને રાયગઢના દરિયાકાંઠાના જિલ્લાઓ, જે આ અઠવાડિયાની શરૂઆતમાં ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ હેઠળ હતા, ત્યાં હવે મેઘરાજાએ પોરો ખાધો હોય એવું લાગી રહ્યું છે. હા, આકાશ વાદળછાયું હોવા છતાં, વરસાદનું જોર ઘટ્યું છે. માત્ર ક્યારેક ઝરમર વરસાદની અપેક્ષા છે. જોકે, આ દરિયાકાંઠાના પટ્ટામાં ભેજવાળી સ્થિતિ રહે છે, જે અગવડતામાં વધારો કરે છે. હાલમાં આ કોંકણ જિલ્લાઓ માટે કોઈ નવી ચેતવણી જારી કરવામાં આવી નથી.
શી સાવચેતી રાખશો?
૧. જો જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવું.
૨. નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ જવાની શક્યતા વધારે રહે છે તે સ્થળોએ જવાનું ટાળો.
૩. હવામાનખાતાની સૂચનાઓનું પાલન કરો.
૪. પાણીના નિકાલ માટે સ્થાનિક વહીવટીતંત્રનો સંપર્ક કરો.
૫. જાહેર પરિવહનનો વિકલ્પ પસંદ કરતાં હોવ તો માસ્કનો ઉપયોગ કરો.

