Mumbai Road Accident: મહિલાના મૃતદેહને વધુ તપાસ માટે જેજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે કેસ નોંધ્યો છે અને અકસ્માતના સંજોગો અંગે તપાસ શરૂ કરી છે.
અકસ્માતગ્રસ્ત બેસ્ટની બસ
મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં આજે સવારે એક રોડ અકસ્માત (Mumbai Road Accident) થયો હતો. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. રસ્તાની એક તરફ પાર્ક કરેલી કારને બેસ્ટની ઇલેક્ટ્રિક બસે ટક્કર મારી હતી. આ ટક્કર બાદ બન્ને વાહનોની વચ્ચે આવી જવાથી એક મહિલાનું મોત થયું હતું. આ અકસ્માત આજે સવારે મુંબઈમાં સહ્યાદ્રી સ્ટેટ ગેસ્ટ હાઉસની સામે થયો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર એક સીનીયર સીટીઝન મહિલા મોર્નિંગ વોક માટે નીકળી હતી. નીતા શાહ નામની મહિલા કાર અને બેસ્ટની ઇલેક્ટ્રિક ટક્કર થઇ હતી ત્યારે વચ્ચે આવી ગઈ હતી. જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે (Mumbai Road Accident) જ તેનું મોત થયું હતું. આ મહિલા પ્રકાશ 1 બિલ્ડિંગમાં જે કે રિજ રોડ પર આવેલી છે ત્યાં રહેતી હતી. આ મહિલાના મૃતદેહને વધુ તપાસ માટે જેજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે કેસ નોંધ્યો છે અને અકસ્માતના સંજોગો અંગે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
આ આખી બીના કઈ રીતે બની તેને સમજવાનો પ્રયાસ કરીએ
સાઉથ બોમ્બેમાં સહ્યાદ્રી સ્ટેટ ગેસ્ટ હાઉસની સામેથી એક બેસ્ટની ઇલેક્ટ્રિક બસ આવી રહી હતી. આ બસના ડ્રાઈવરે અચાનકથી વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસ લગભગ 9.10 વાગ્યે વિજય વલ્લભ ચોકથી કમલા નહેરુ પાર્ક તરફ જઈ રહી હતી ત્યારે આ બીના બની. જેવી બસ ડ્રાઈવરના કન્ટ્રોલની બહાર ગઈ કે તરત તે રસ્તાની બાજુમાં પાર્ક કરેલી એક કાર સાથે અથડાઈ હતી. ડ્રાઈવરને અચાનક કોઈની ચીસ સંભળાઈ હતી. કશુંક અજુગતું લાગતાં તે બસમાંથી બહાર આવ્યો અને જોયું કે તો એક મહિલા બસની ડાબી બાજુના પાછળના ટાયરમાં આવી ગઈ હતી. તેને માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી. આમ, કમનસીબે મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલા તે વખતે કારની પાછળ જ હતી. જેને કારણે તે કાર અને બસ વચ્ચે જ ચગદાઈ ગઈ હતી. (Mumbai Road Accident) ખાસ કરીને મહિલાનું અડધું અંગ ગંભીર રીતે કચડાયું હતું. જેથી ઘટનાસ્થળે જ મહિલાએ દમ તોડી નાખ્યો હતો. મહિલાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ ત્યાં સુધીમાં તો તે કાળનો કોળિયો બની ગઈ હતી. પોલીસે આ ઘટના અંગે તપાસ શરુ કરી છે. આ બનાવ કઈ રીતે બન્યો તે માટે વિસ્તારના સીસીટીવી ફૂટેજની પણ મદદ લેવામાં આવી રહી છે.
પૂણેના આ અકસ્માતે પણ ખળભળાટ ફેલાવ્યો
મુંબઈની આ ઘટના (Mumbai Road Accident) ઉપરાંત પૂણે જિલ્લામાં સોમવારે મુસાફરોથી ભરેલી પિક-અપ વેનને અકસ્માત નડ્યો હતો. આ વેન ડુંગરીયાળ ઢોળાવ પરથી નીચે ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટના બાદ મંદિર જઈ રહેલ દસ મહિલાઓનું મોત થયું હતું અને અન્ય ત્રીસ જેટલા લોકો ઘાયલ થયા હતા.

