આર્મી, નેવી અને ઍર ફોર્સના ઑફિસરો માટેની કોલાબામાં આવેલી ૯૭ વર્ષ જૂની ધ યુનાઇટેડ સર્વિસિસ ક્લબમાં ૭૭.૫૨ કરોડ રૂપિયાનો આર્થિક ગોટાળો થયો હોવાની ફરિયાદ થઈ છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કનો ૧૨૨ કરોડ રૂપિયાના કૌભાંડનો કેસ હાલ ગાજી રહ્યો છે ત્યારે આર્મી, નેવી અને ઍર ફોર્સના ઑફિસરો માટેની કોલાબામાં આવેલી ૯૭ વર્ષ જૂની ધ યુનાઇટેડ સર્વિસિસ ક્લબમાં ૭૭.૫૨ કરોડ રૂપિયાનો આર્થિક ગોટાળો થયો હોવાની ફરિયાદ થઈ છે. પહેલાં આ સંદર્ભે કફ પરેડ પોલીસ-સ્ટેશનમાં નેવીના કૅપ્ટન દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને રકમ વધારે હોવાથી હવે એની તપાસ ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)ને સોંપવામાં આવી છે.
ડિફેન્સના પ્રવક્તા દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ-રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ‘કેટલાક મહિનાઓ પહેલાં ક્લબના સેક્રેટરીએ જ્યારે હિસાબ તપાસ્યા ત્યારે એમાં ગોટાળો હોવાનું જણાયું હતું. ત્યાર બાદ ક્લબ મૅનેજમેન્ટના કહેવાથી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ફર્મને સ્પેશ્યલ ઑડિટનો કૉન્ટ્રૅક્ટ આપી હિસાબની ઝીણવટભરી તપાસ કરાવવામાં આવી હતી. એ ઑડિટ દરમ્યાન હિસાબમાં અનેક વિસંગતિઓ જણાઈ આવી હતી. પોલીસમાં ફરિયાદ કરવામાં આવતાં કફ પરેડ પોલીસે ફર્સ્ટ ઇન્ફર્મેશ રિપોર્ટ (FIR) નોંધી તપાસ શરૂ કરી છે. એટલું જ નહીં, હવે એ હિસાબની અન્ય ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ દ્વારા પણ સ્વતંત્ર તપાસ કરાવવામાં આવશે.’

