સ્કૂલ-કૉલેજોમાં રજા : આજ પછી પણ ત્રણ દિવસ સુધી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદનો વરતારો : પવનની ગતિ આવતા ૪ દિવસ સુધી ૪૪થી ૪૫ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આગાહી
કુર્લામાં જળબંબાકાર રસ્તા પરથી પસાર થતી ઍમ્બ્યુલન્સ
મુંબઈમાં ગઈ કાલે અતિભારે વરસાદને કારણે બપોર પછી સ્કૂલ-કૉલેજોમાં રજા આપી દેવામાં આવી હતી. હવામાન ખાતાએ આજે પણ મુંબઇમાં રેડ અલર્ટ જાહેર કરી છે, એને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મુંબઈની સરકારી અને ખાનગી તમામ સ્કૂલ, કૉલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. મુંબઈ ઉપરાંત થાણે, કલ્યાણ-ડોમ્બિવલી, નવી મુંબઈ, પાલઘર, મીરા-ભાઈંદર, પનવેલ કૉર્પોરેશને પણ રેડ અલર્ટને પગલે સ્કૂલ-કૉલેજોમાં રજા જાહેર કરી છે. રેડ અલર્ટ એટલે કે અમુક ઠેકાણે ભારેથી અતિભારે વરસાદ પડશે તેમ જ છૂટાછવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે.
બાળકોનો બચાવ
ADVERTISEMENT
સવારે સ્કૂલમાં પહોંચી ગયેલા વિદ્યાર્થીઓના છૂટવાના સમયે મોટા ભાગના રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. કલવામાં ઘૂંટણ સુધીનાં પાણી ભરાઈ જતાં સ્કૂલથી નીકળેલાં નાનાં બાળકોને ઘરે પહોંચાડવા માટે બોટની મદદ લેવામાં આવી હતી.
ગઈ કાલે કિંગ્સ સર્કલમાં ફસાયેલી સ્કૂલબસમાંથી બાળકોને ઉગારતી પોલીસ.
તસવીર : રાજેન્દ્ર બી. અકલેકર

