ગોરેગામના હાઇરાઇઝ ટાવર ઑબરૉય ઈ-સ્ક્વેરમાં રહેતો અનંત દ્વિવેદી જર્મનીમાં ફાઇનલ યરમાં સ્ટડી કરતો હતો. થોડા સમય પહેલાં જ તે મુંબઈ આવ્યો હતો.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ગોરેગામમાં રહેતો અનંત દ્વિવેદી નામનો વિદ્યાર્થી જર્મનીમાં એન્જિનિયરિંગ ભણતો હતો. થોડો સમય પરિવાર સાથે રહેવા માટે તે મુંબઈ આવ્યો હતો અને ઇન્ટર્નશિપ માટે ટૂંક સમયમાં જ પાછો જવાનો હતો. એ પહેલાં જ તેણે બિલ્ડિંગના ૪૫મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. હજી સુધી કોઈ સુસાઇડ-નોટ મળી ન હોવાથી આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી.
ગોરેગામ પોલીસે જણાવ્યું હતું કે ‘ગોરેગામના હાઇરાઇઝ ટાવર ઑબરૉય ઈ-સ્ક્વેરમાં રહેતો અનંત દ્વિવેદી જર્મનીમાં ફાઇનલ યરમાં સ્ટડી કરતો હતો. થોડા સમય પહેલાં જ તે મુંબઈ આવ્યો હતો. એમ તો તેનો પરિવાર અંધેરીમાં રહે છે. ક્યારેક તેઓ ગોરેગામના બિલ્ડિંગમાં આવેલા ફ્લૅટનો ઉપયોગ કરે છે. મંગળવારે અનંત રિક્ષામાં બેસીને ઑબરૉય ઈ-સ્ક્વેર બિલ્ડિંગ પાસે પહોંચ્યો હતો. તેણે રિક્ષાડ્રાઇવરને કહ્યું કે મારે રિક્ષા માટે પપ્પા પાસેથી પૈસા લેવા પડશે, હું થોડી જ વારમાં પૈસા લઈને આવું છું. ત્યાર બાદ તે યુવક બિલ્ડિંગમાં ગયો હતો. લાંબા સમય સુધી તે પાછો ન આવતાં રિક્ષાડ્રાઇવરે બિલ્ડિંગના વૉચમૅન સાથે પૂછપરછ કરી હતી. એના થોડા જ સમયમાં અનંતે બિલ્ડિંગના ૪૫મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.’
ADVERTISEMENT
આરે પોલીસે આકસ્મિક મૃત્યુની ફરિયાદ નોંધીને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસવાનું અને પૂછપરછ કરવાનું શરૂ કર્યું છે. અનંત પાસેથી ગૂગલ પિક્સલ ફોન મળી આવ્યો હતો, પરંતુ કોઈ સુસાઇડ-નોટ મળી નથી. પરિવારજનોની પાસે પણ અનંતે આવું પગલું કેમ ભર્યું એ બાબતે કોઈ જ જવાબ નથી.

