મુખ્ય આરોપીના બીજા એક સાથીના મકાન પર પણ પડ્યો હથોડો : આરોપીઓના પરિવારજનો ઘર છોડીને જતા રહ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી : બપોર બાદ કોર્ટે તોડકામ પર સ્ટે આપ્યો, પણ એ પહેલાં મોટા ભાગનું સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું હતું
નાગપુરમાં તાજેતરના રમખાણના માસ્ટરમાઇન્ડ ફહીમ ખાનના ગેરકાયદે ઘરને ગઈ કાલે તોડી પાડવામાં આવ્યું હતું.
નાગપુરમાં ૧૭ માર્ચે રમખાણ ફેલાવવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા માસ્ટરમાઇન્ડ આરોપી ફહીમ ખાન અને યુસુફ શેખના નાગપુરમાં આવેલા ઘર પર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની પૅટર્નની જેમ ગઈ કાલે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
નાગપુરના રમખાણના માસ્ટરમાઇન્ડ આરોપી અને માઇનૉરિટી ડેમોક્રેટિક પાર્ટીના નેતા ફહીમ ખાન સામે દેશદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો છે. યશોધારા નગરમાં સંજયબાગ કૉલોનીમાં આવેલું ફહીમનું ઘર ગેરકાયદે હોવાનું જણાતાં નાગપુર મહાનગરપાલિકાએ તેને નોટિસ મોકલીને તોડી પાડવાનું કહ્યું હતું. જોકે આરોપીએ નોટિસને ગણકારી નહોતી અને હવે તેની રમખાણ ફેલાવવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે ત્યારે ગઈ કાલે સવારે ૧૦.૩૦ વાગ્યે મહાનગરપાલિકાની ટીમે ભારે પોલીસ-બંદોબસ્ત વચ્ચે ફહીમના ઘરનું ડિમોલિશન કર્યું હતું. રમખાણના બીજા આરોપી યુસુફ શેખનું નાગપુરના મહાલ વિસ્તારમાં ગેરકાયદે બાંધવામાં આવેલા ઘરનું ડિમોલિશન પણ ગઈ કાલે હાથ ધરવામાં આવ્યું હતું. ફહીમ ખાન અને યુસુફ શેખ અત્યારે પોલીસ-કસ્ટડીમાં છે. બન્ને આરોપીના પરિવારજનો ૨૩ માર્ચે ઘર છોડીને બીજે જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ADVERTISEMENT
બુલડોઝરની કાર્યવાહી સામે બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠમાં ફહીમ ખાનની મમ્મીએ અરજી દાખલ કરી હતી. ગઈ કાલે કોર્ટમાં આ સંબંધે સુનાવણી થઈ હતી એમાં કોર્ટે બુલડોઝરની કાર્યવાહીને સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. જોકે કોર્ટનો આદેશ આવ્યો એ પહેલાં મહાનગરપાલિકાના અધિકારીઓએ મોટા ભાગનું સ્ટ્રક્ચર તોડી પાડ્યું હતું.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી કે નાગપુરમાં રમખાણ કરનારા કોઈને પણ છોડવામાં નહીં આવે અને કબરમાંથી પણ તેમને બહાર કાઢવામાં આવશે. આરોપીઓની મિલકત વેચીને નુકસાનની ભરપાઈ કરવાની વાત પણ મુખ્ય પ્રધાને કરી હતી.
શું કર્યું હતું ફહીમે?
આરોપી ફહીમ ખાને ૧૭ માર્ચે બપોરે મુસ્લિમ સમાજના લોકોને નાગપુરના શિવાજી ચોકમાં ભેગા થવાનો મેસેજ મોકલ્યા બાદ મોટી સંખ્યામાં મુસ્લિમો ભેગા થયા હતા અને પોલીસ સહિત સ્થાનિક રહેવાસીઓ પર પથ્થરમારો કરવાની સાથે અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થવાની સાથે પાંચ જણને ઈજા થઈ હતી. એ દરમ્યાન થયેલા પથ્થરમારામાં ૩૩ પોલીસોને ઈજા થઈ હતી. આ મુદ્દે અત્યાર સુધી ૧૦૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એ સિવાય સાઇબર પોલીસ અસંખ્ય સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ તપાસ્યા બાદ હવે નવા ત્રણ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) રજિસ્ટર કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે.

