નાલાસાપોરા પોલીસે કહ્યું હતું કે ગુડિયા લાંબા સમયથી મોનુ વિશ્વકર્મા સાથે રિલેશનશિપમાં હતી. ઘટનાની રાતે વિજય ગુડિયાને આગોતરી જાણ કર્યા વગર વહેલો ઘરે આવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
નાલાસોપારામાં પતિ વિજય ચૌહાણની હત્યા કરીને તેને ઘરમાં જ દાટી દેવાના ચકચારભાર્યા કેસમાં પકડાયેલી ગુડિયા ઉર્ફે ચમને હવે કબૂલ્યું છે કે તેણે જ વિજયની હત્યા કરી હતી અને એ પછી દાટી દેવા માટે પ્રેમી મોનુ વિશ્વકર્માની મદદ લીધી હતી.
નાલાસાપોરા પોલીસે કહ્યું હતું કે ‘ગુડિયા લાંબા સમયથી મોનુ વિશ્વકર્મા સાથે રિલેશનશિપમાં હતી. ઘટનાની રાતે વિજય ગુડિયાને આગોતરી જાણ કર્યા વગર વહેલો ઘરે આવ્યો હતો. એ વખતે તેણે મોનુ અને ગુડિયા બન્નેને કઢંગી હાલતમાં પકડી પાડ્યાં હતાં. એ પછી તેણે ગુડિયા સાથે જોરદાર ઝઘડો કર્યો હતો અને ગુસ્સે ભરાઈને તેને માર પણ માર્યો હતો. એ પછી તે જ્યારે સૂઈ ગયો ત્યારે ગુડિયાએ વિચાર્યું કે જો મારા અને મોનુના સંબંધ જાહેર થઈ જશે તો બદનામી થશે અને જો એમ થશે તો એનાં પરિણામ ખરાબ આવશે. એ પછી વિજયને પતાવી નાખવાનો નિર્ણય લઈને ઊંઘી ગયેલા વિજયનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી.’
ADVERTISEMENT
નાલાસોપારા પોલીસે કહ્યું હતું કે ‘ગુડિયાએ ત્યાર બાદ મોનુ સાથે મળીને ગુનો છાવરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે બન્નેએ ભેગાં મળીને વિજયના મૃતદેહને પહેલાં બેડ પર સુવડાવ્યો અને પછી ચાદરમાં વીંટાળીને બરોબર ગોઠવી દીધો હતો. કારણ કે ઘરમાં વિજય અને ગુડિયાનો પાંચ વર્ષનો દીકરો પણ હતો. એ પછી બીજા દિવસે તેમણે મજૂરોને બોલાવીને પાણીની ટાંકી બેસાડવી છે કહીને ઘરમાં ૬ ફુટ લાંબો અને ચાર ફુટ પહોળો ખાડો ખોદાવ્યો હતો. ત્યાર બાદ તેમણે વિજયના મૃતદેહને એમાં દાટી દીધો હતો.’
વિજયના પરિવારજનોનો ફોન તે ઉપાડતો નહોતો એટલે તેમને શંકા ગઈ હતી. ત્યાર બાદ ગુડિયાને ફોન કરતાં તેણે અસ્પષ્ટ જવાબ આપ્યા હતા. એ પછી વિજય કામ કરતો હતો ત્યાં તપાસ કરતાં તે ત્યાં પણ નહોતો મળ્યો. એ પછી વિજય મિસિંગ હોવાની ફરિયાદ નોંધાવી હતી. એ દરમ્યાન ગુડિયા અને મોનુ નાસી છૂ્ટ્યાં હતાં. જોકે મોનુએ વૉટ્સઍપ ચેક કરવા માટે મોબાઇલ ઓપન કર્યો અને તેનું લોકેશન મળી ગયું હતું. એ પછી પોલીસે તેમને પુણે જઈને ઝડપી લીધાં હતાં.

