કેમિકલ્સને લીધે વિકરાળ બનેલી આગ આઠ કલાકે કાબૂમાં આવી, સદ્ભાગ્યે કોઈ જાનહાનિ નહીં
કેમિકલ એક્સપ્લોઝનને લીધે આગની જ્વાળાઓ ખૂબ ઊંચી ગઈ હતી. આગ બુઝાવવાનું કામ અઘરું બનતાં ચાર ફાયર-બ્રિગેડની ટીમ તહેનાત કરવામાં આવી હતી.
રબાળેમાં એક ફાર્માસ્યુટિકલ ફૅક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ફૅક્ટરીના કેમિકલ્સને લીધે આગ વિકરાળ બની ગઈ હતી. ગુરુવારે મધરાતે બે વાગ્યે લાગેલી આગ શુક્રવારે સવારે ૧૦ વાગ્યે કાબૂમાં આવી હતી. ત્યાર બાદ કૂલિંગના પ્રયાસોમાં પણ લાંબો સમય લાગ્યો હતો. જોકે આગમાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.
રબાળે R-952 MIDC વિસ્તારમાં જેલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં કેમિકલને કારણે ધડાકા થતા રહેતા હતા. એને કારણે ગ્રાઉન્ડ અને પહેલા માળે આવેલી આખી ફૅક્ટરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગની જ્વાળાઓ ખૂબ ઊંચી જતાં ફાયર-બ્રિગેડનું આગ બુઝાવવાનું કામ મુશ્કેલ બન્યું હતું. એના માટે ખાસ ફાયર-એન્જિનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આગના ધુમાડા કિલોમીટરો દૂર સુધી ફેલાયા હતા. નવી મુંબઈ, વાશી, કોપરખૈરણે અને ઐરોલી ફાયર-સ્ટેશનની ટીમ દ્વારા આ અઘરું મિશન પાર પડ્યું હતું.

