News in Shorts: થાણેમાં ઇન્દિરાનગર અને આસપાસના વિસ્તારોમાં ૨૪ કલાક પાણીકાપ અને વધુ સમાચાર
ભિવંડીમાં લાગેલી ભીષણ આગ
ભિવંડીના કાલ્હેરના બાંગરનગરમાં આવેલી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ગઈ કાલે સાંજે ૬.૩૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. એમાં પાવરલૂમની ૩ ફૅક્ટરીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ત્રણેય ફૅક્ટરીમાં કપડાંનો બહુ મોટો જથ્થો સ્ટોર કરાયો હોવાથી આગે ટૂંક સમયમાં વિકરાળ સ્વરૂપ પકડી લીધું હતું. નસીબજોગે આગમાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી, પણ લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો.
થાણેમાં ઇન્દિરાનગર અને આસપાસના વિસ્તારોમાં ૨૪ કલાક પાણીકાપ
ADVERTISEMENT
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશને ઇન્દિરાનગર, વાગળે એસ્ટેટ, લોકમાન્યનગર, સાવરકરનગરમાં અને આસપાસના વિસ્તારોમાં ૨૪ કલાક પાણીપુરવઠો બંધ રાખવાની જાહેરાત કરી છે. ઇન્દિરાનગર પાણીની ટાંકી અને એની આસપાસના વિસ્તારોમાં પાણીની પાઇપલાઇનનાં કામો માટે બુધવારે સવારે ૯ વાગ્યાથી ગુરુવારે સવારે ૯ વાગ્યા સુધી ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે.
અજિત પવારના કાફલાની ફાયર-બ્રિગેડની ગાડીએ કરેલા અકસ્માતમાં ઘાયલ મહિલાનો જીવ ગયો, પતિ અને બાળકીઓ હજી પણ ગંભીર
રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવાર શનિવારે બીડ જિલ્લાના તળેગાવથી લાતુર જિલ્લાના ધરુર જઈ રહ્યા હતા ત્યારે તેમના કાફલાની ફાયર-બ્રિગેડની ગાડીએ બાઇકને અડફેટે લીધી હતી. એ અકસ્માતમાં પતિ-પત્ની અને તેમની બે દીકરીઓ ઘાયલ થયાં હતાં. તેમને બધાને ધરુરની ગ્રામીણ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. એ પછી તેમની ઈજાઓ ગંભીર જણાતાં તેમને સારવાર માટે લાતુરની સહ્યાદ્રિ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. એમાંથી પત્નીનું સારવાર દરમ્યાન મોત થયું હતું, જ્યારે તેના પતિ અને બાળકીઓની સારવાર ચાલુ છે. ધરુર પોલીસે ફાયર-બ્રિગેડના ડ્રાઇવર સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.


