સૌરભના પરિવારે માગણી કરી છે કે આ બાળક કોનું છે એ જાણવા DNA ટેસ્ટ થવી જોઈએ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
પોતાના પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને પતિ સૌરભ રાજપૂતની હત્યા કરીને મૃતદેહને બ્લુ ડ્રમમાં ભરીને સિમેન્ટથી સીલ કરી દેનારી મેરઠની મુસ્કાન રસ્તોગીએ સોમવારે તેના દિવંગત પતિ સૌરભ રાજપૂતના જન્મદિવસે એક પુત્રીને જન્મ આપ્યો છે. સૌરભના પરિવારે માગણી કરી છે કે આ બાળક કોનું છે એ જાણવા DNA ટેસ્ટ થવી જોઈએ.
સૌરભ રાજપૂતની હત્યાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. મુસ્કાને સાહિલ શુક્લા સાથે મળીને ૨૦૨૫ની ૩ માર્ચે તેના પતિ સૌરભની હત્યા કરી હતી. સૌરભ અને મુસ્કાનનાં પ્રેમલગ્ન હતાં. સૌરભ રાજપૂત પોતાના બાળકનો જન્મદિવસ ઊજવવા માટે વિદેશથી ભારત આવ્યો હતો ત્યારે મુસ્કાન રસ્તોગીએ એ રાત્રે તેની હત્યા કરી હતી.
ADVERTISEMENT
પતિની હત્યાના કેસમાં પકડાઈ ગયા બાદ એપ્રિલ ૨૦૨૫માં મેડિકલ તપાસ દરમ્યાન મુસ્કાન ગર્ભવતી હોવાની પુષ્ટિ થઈ હતી. પતિ સૌરભની હત્યાના આરોપમાં તે છેલ્લા ૯ મહિનાથી જેલમાં છે. મુસ્કાનની તબિયત બગડતાં તેને જેલમાંથી મેરઠની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણે એક પુત્રીને જન્મ આપ્યો છે.


