Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એનએસઈએલ ઇન્વેસ્ટર્સ ફોરમે ૧૯૫૦ કરોડ રૂપિયાની સેટલમેન્ટ સ્કીમ સંબંધે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનની મદદ માગી

એનએસઈએલ ઇન્વેસ્ટર્સ ફોરમે ૧૯૫૦ કરોડ રૂપિયાની સેટલમેન્ટ સ્કીમ સંબંધે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનની મદદ માગી

Published : 30 June, 2025 09:23 AM | Modified : 01 July, 2025 06:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્કીમ ઝડપથી પાર પડે એ દૃષ્ટિએ ફોરમે રાજ્ય સરકારના વલણ બાબતે એનસીએલટી સમક્ષ રજૂઆત કરવાની અને કાનૂની માર્ગદર્શન આપવા કંપની કાયદામાં નિપુણતા ધરાવતા

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


સ્કીમ ઝડપથી પાર પડે એ દૃષ્ટિએ ફોરમે રાજ્ય સરકારના વલણ બાબતે એનસીએલટી સમક્ષ રજૂઆત કરવાની અને કાનૂની માર્ગદર્શન આપવા કંપની કાયદામાં નિપુણતા ધરાવતા વરિષ્ઠ કાયદાકીય નિષ્ણાતની નિમણૂક કરવાની રાજ્ય સરકારને વિનંતી કરી : લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે એ સેટલમેન્ટ સ્કીમની મદદથી હજારો ટ્રેડર્સને મોટી રાહત થશે


એનએસઈએલ ઇન્વેસ્ટર્સ ફોરમે નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ) અને ટ્રેડર્સ વચ્ચેની ૧૯૫૦ કરોડ રૂપિયાની પ્રસ્તાવિત વન-ટાઇમ સેટલમેન્ટ સ્કીમ પાર પાડવામાં સહયોગ આપવા માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને વિનંતી કરી છે.



આ સેટલમેન્ટ સ્કીમનો અમલ થાય એની ઘણા લાંબા સમયથી પ્રતીક્ષા થઈ રહી છે, કારણ કે જુલાઈ ૨૦૧૩માં સર્જાયેલી એનએસઈએલ પેમેન્ટ કટોકટીમાં જેમનાં નાણાં સલવાઈ ગયાં હતાં એવા હજારો ટ્રેડર્સને એનાથી રાહત થઈ જશે.


રાજ્ય સરકાર સેટલમેન્ટની આ પ્રક્રિયામાં અવરોધ આવે એવું કોઈ પગલું ભરે નહીં એવો અનુરોધ મુખ્ય પ્રધાનને સંબોધીને લખાયેલા ૧૯ જૂનના પત્રમાં કરવામાં આવ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની કૉમ્પિટન્ટ ઑથોરિટી અથવા મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા જો નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી) સમક્ષ કોઈ નકારાત્મક પ્રતિભાવ આપશે તો એને પગલે સેટલમેન્ટની પ્રક્રિયા ખોરંભે ચડી જવાનું જોખમ ઊભું થશે.

રાજ્ય સરકારે આ સેટલમેન્ટ અમલી બને એ માટે પોતાના વલણ બાબતે એનસીએલટી સમક્ષ રજૂઆત કરવા અને કાનૂની માર્ગદર્શન આપવા કંપની કાયદામાં નિપુણતા ધરાવતા વરિષ્ઠ કાયદાકીય નિષ્ણાતની નિમણૂક કરવી એવી વિનંતી પત્રમાં કરવામાં આવી છે.


ફોરમે મુખ્ય પ્રધાનને નમ્રપણે અનુરોધ કર્યો છે કે તેઓ આ સેટલમેન્ટ ગેરવલ્લે ચડી ન જાય અથવા વિલંબમાં મુકાઈ ન જાય એ દૃષ્ટિએ સંબંધિત ઑથોરિટીઝને અને સરકારી ખાતાંઓને આવશ્યક નિર્દેશો આપે.

ફોરમનું એવું પણ કહેવું છે કે રિકવરી માટેના વિવિધ ઉપાયો અજમાવવામાં લગભગ ૧૨ વર્ષ નીકળી ગયા બાદ હવે એનએસઈએલ અને એના ટ્રેડર્સ વચ્ચે સર્વાનુમતી સાધી શકાઈ છે. આ પ્રસ્તાવિત સેટલમેન્ટ સ્કીમ ઔપચારિક રીતે કંપનીઝ ઍક્ટ હેઠળ એનસીએલટી, મુંબઈ સમક્ષ રજૂ કરવામાં આવી છે. સ્કીમ અમલી બનશે તો અસરગ્રસ્ત ટ્રેડર્સના હિતમાં આ કેસનો નિવેડો આવી જશે.

સેટલમેન્ટ પ્લાન મુજબ ૧૯૫૦ કરોડ રૂપિયાની રકમ ૫૬૮૨ ટ્રેડર્સને ૨૦૨૪ની ૩૧ જુલાઈની એમની લેણી રકમના પ્રમાણના આધારે ચૂકવવામાં આવશે. એનસીએલટીએ સ્કીમ સંબંધેની કંપનીની અરજીનો સ્વીકાર કરી લીધો છે અને એની આખરી સુનાવણી આગામી ૧૧ જુલાઈએ થવાની છે.

એનએસઈએલે પોતાની પેરન્ટ કંપની 63 મૂન્સ ટેક્નૉલૉજીઝના સહયોગથી એનસીએલટી સમક્ષ સ્કીમ ઑફ સેટલમેન્ટ રજૂ કરી છે, જેના હેઠળ અસરગ્રસ્ત ટ્રેડર્સના હિતમાં આ કેસનું વન-ટાઇમ અને મૈત્રીપૂર્ણ રીતે ફુલ ઍન્ડ ફાઇનલ સેટલમેન્ટ થઈ જશે.

નોંધનીય છે કે સ્કીમનો પ્રસ્તાવ એનએસઈએલ ઇન્વેસ્ટર્સ ફોરમે મૂક્યો હતો. આ સંગઠન અસરગ્રસ્ત ટ્રેડર્સનું પ્રતિનિધિત્વ કરે છે. વળી, એનએસઈએલ અને 63 મૂન્સે અગાઉ પણ ટ્રેડર્સને રાહત મળે એવાં પગલાં ભર્યાં છે. ઑગસ્ટ ૨૦૧૩માં એમણે ૭૦૫૩ નાના ટ્રેડર્સને ૧૭૯ કરોડ રૂપિયાની ચુકવણી કરીને રાહત આપી હતી. આ ટ્રેડર્સમાંથી દરેકની લેણી રકમ ૧૦ લાખ રૂપિયાથી ઓછી હતી.

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK