Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બધા ૬ જશે કે પછી બે પાછા ફરશે? નવું જૂથ રચશે કે શિંદેસેનામાં ભળી જશે?

બધા ૬ જશે કે પછી બે પાછા ફરશે? નવું જૂથ રચશે કે શિંદેસેનામાં ભળી જશે?

Published : 18 June, 2026 07:21 AM | Modified : 18 June, 2026 07:51 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિવસેના (UBT)ના સંસદસભ્યોને ફોડવાના આ‍ૅપરેશન ટાઇગરનો દિલ્હીમાં દિવસભર જબરો ધમધમાટ ચાલ્યો, એ પછીયે ચિત્ર અસ્પષ્ટ

ગઈ કાલે દિલ્હીમાં પ્રેસ-કૉન્ફરન્સને સંબોધન કરતા શિવસેના (UBT)ના (ડાબેથી) રાજાભાઉ વાજે, અનિલ દેસાઈ, સંજય રાઉત અને અરવિંદ સાવંત.

ગઈ કાલે દિલ્હીમાં પ્રેસ-કૉન્ફરન્સને સંબોધન કરતા શિવસેના (UBT)ના (ડાબેથી) રાજાભાઉ વાજે, અનિલ દેસાઈ, સંજય રાઉત અને અરવિંદ સાવંત.


શિવસેના (UBT)ના સંસદસભ્યોને પોતાના તરફ લાવવાનું એકનાથ શિંદેનું ‘ઑપરેશન ટાઇગર’ લગભગ પૂરું થઈ ગયું હોવાનું દૃશ્ય બુધવારે જોવા મળ્યું હતું. જોકે આ સાથે જ શું થશે, શું નહીં થાય, સંસદસભ્યોએ રાજીનામાં આપવાં પડશે કે નહીં, અમુક સંસદસભ્યો ફરી પાછા ઉદ્ધવ ઠાકરેના જૂથમાં જઈ શકે એવી બધી જ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે અને રાજકીય વર્તુળોમાં પણ વિવિધ અટકળો શરૂ થઈ છે તથા દાવાઓ અને આરોપોનો દોર ચાલ્યો હતો. કોઈએ હજી ઉદ્ધવ ઠાકરે સાથે જ હોવાનો દાવો કર્યો હતો તો કોઈએ દિલ્હી ગયા ન હોવાનો દાવો કર્યો હતો. એટલે કે બુધવારે આ મુદ્દે પૂરો પૉલિટિકલ ડ્રામા ચાલ્યો હતો. જોકે ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે આ મામલે વધુ ન બોલતાં ‘વેઇટ ઍન્ડ વૉચ’ કરવાની ટિપ્પણી કરી હતી.

અહેવાલો મુજબ​ શિવસેના (UBT)ના ૬ સંસદસભ્યો બુધવારે દિલ્હીમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને મળ્યા હતા અને તેમને અલગ જૂથ સ્થાપવાની પરવાનગી આપવા માટે અરજી આપી હતી. એવામાં શિવસેના (UBT)ના સંજય રાઉત સહિતના નેતાઓ પણ દિલ્હી ભેગા થયા હતા અને ઓમ બિરલાને મળીને સંસદસભ્યોને શિવસેના (UBT)થી છૂટા પડવાની પરવાનગી ન આપીને બંધારણના નિયમો મુજબ નિર્ણય લેવાની વિનંતી કરી હતી. ટૂંકમાં બુધવારે શિવસેના (UBT)ના સંસદસભ્યો અલગ પક્ષ સ્થાપીને મહાયુતિને ટેકો આપશે કે પછી શિવસેનામાં જ વિલીન થઈ જશે એ બધા મુદ્દે દિલ્હીમાં વિદ્રોહી સંસદસભ્યોની તથા શિવસેના (UBT)ના નેતાઓની દોડધામ જોવા મળી હતી. જોકે એમાં પણ અરજી પર ઓમરાજે નિમ્બાળકર અને સંજય દીના પાટીલ આ બે સંસદસભ્યોની સહી ન હોવાથી તેઓ ફરી પાછા ઉદ્ધવ ઠાકરે તરફ વળે એવી શક્યતા પણ વર્તાવાઈ હતી.



માના, પત્નીના, દીકરાના સમ ખાનારાનું આવી બનશે : સંજય રાઉત બોલ્યા ગંદી ગાળો


સંજય રાઉત સહિતના નેતા ઓમ બિરલાને જઈને મળ્યા હતા અને પક્ષ છોડવા તૈયાર થયેલા સંસદસભ્યોને નવો પક્ષ સ્થાપવા ન દેવાની ​અને બંધારણ અને નિયમો મુજબ નિર્ણય લેવાની વિનંતી કરી હતી. જોકે ત્યાર બાદ તેમણે મીડિયા સામે જ વિદ્રોહી સંસદસભ્યોને ગંદી ગાળો આપીને કહ્યું હતું કે ‘તેમને ગાળો ન આપું તો શું ફૂલ વરસાવું? આઇ તુળજાભવાનીના, સાંઈબાબાના, માના, બાપના, દીકરાના કોના-કોના સમ ખાધા હતા? દગો કરનારાને અમે છોડીશું નહીં.’ તેમના સંસદસભ્ય અરવિંદ સાવંતે ઓમ બિરલાને પત્ર લખીને વિદ્રોહી સંસદસભ્યોને કોઈ વિશેષ અધિકાર કે હોદ્દો કે પક્ષ બનાવવાની પરવાનગી ન આપવા જણાવ્યું હતું. 

સંજય દીના પાટીલના ઘરની બહાર પહેરો, ઓમરાજે નિમ્બાળકર પુરાયા ઍરપોર્ટમાં
વિદ્રોહી સંસદસભ્યોમાંના સંજય દીના પાટીલના કુટુંબની સુરક્ષા માટે મુંબઈના ઘરની બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તો બીજી બાજુ ઓમરાજે નિમ્બાળકર દિલ્હીથી પાછા આવ્યા બાદ પુણે ઍરપોર્ટ પર ૩ કલાક સુધી રોકાયા હતા. અહેવાલો મુજબ તેમના પર હુમલાના ડરે તે ઍરપોર્ટ પર જ રહ્યા હતા. 


સંજય દેશમુખને બાળીને મારી નાખવાની ધમકી
વાશિમના શિવસેનાના નેતા વિજય શેંડગેએ વિદ્રોહી સંસદસભ્ય સંજય દેશમુખને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમની ગાડીની સાથે જ તેમને આગના હવાલે કરી દઈશું એવી ધમકી તેમણે આપી હતી. 

ઉદ્ધવ ઠાકરેએ વ્હિપ ઇશ્યુ કર્યો, આજે બોલાવ્યા બધા સંસદસભ્યોને
ઉદ્ધવ ઠાકરેએ બધા જ સંસદસભ્યોને દિલ્હીમાં આજે ૧૮ જૂને હાજર રહેવા માટે વ્હિપ ઇશ્યુ કર્યો હતો. સંસદની કાયદાકીય ભાષામાં વ્હિપનો અર્થ પક્ષના સુપ્રીમો દ્વારા એના સંસદસભ્યોને આપવામાં આવતો આદેશ થાય. આ દરમ્યાન હાજર ન રહેનારા સંસદસભ્યોને પક્ષમાંથી કાઢી મૂકવાની કાર્યવાહી પણ કરવામાં આવી શકે એમ કહેવાય છે. 

Whatsapp-channel Whatsapp-channel

18 June, 2026 07:51 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK