Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાજ્યભરના ૧૪,૦૦૦ વીફરેલા મૂર્તિકારો ભેગા થયા મુંબઈમાં

રાજ્યભરના ૧૪,૦૦૦ વીફરેલા મૂર્તિકારો ભેગા થયા મુંબઈમાં

Published : 12 March, 2025 07:48 AM | Modified : 12 March, 2025 09:41 AM | IST | Mumbai
Prakash Bambhroliya | prakash.bambhroliya@mid-day.com

પરેલના સંમેલનમાં નિર્ણય લેવાયો PoPની મૂર્તિ પરના પ્રતિબંધને હાઈ કોર્ટમાં પડકારવાનો: PoP પર્યાવરણ માટે ખરેખર કેટલું નુકસાનકારક છે એનો રિપોર્ટ બનાવશે એક્સપર્ટ કમિટી

ગઈ કાલે પરેલના નરે પાર્કના ભિવાજીરાવ ગ્રાઉન્ડમાં રાજ્યભરમાંથી ઊમટેલા મૂર્તિકારોને કૅબિનેટ પ્રધાન આશિષ શેલારે સંબોધિત કર્યા હતા.

ગઈ કાલે પરેલના નરે પાર્કના ભિવાજીરાવ ગ્રાઉન્ડમાં રાજ્યભરમાંથી ઊમટેલા મૂર્તિકારોને કૅબિનેટ પ્રધાન આશિષ શેલારે સંબોધિત કર્યા હતા.


રાજ્યભરમાંથી આવેલા મૂર્તિકારોએ ગઈ કાલે મુંબઈમાં સંમેલન કર્યું ત્યારે તેમણે નરે પાર્ક ગ્રાઉન્ડમાં ગયા વર્ષે PoPમાંથી બનાવવામાં આવેલી ગણપતિની મોટી મૂર્તિ પણ મૂકી હતી. આ મૂર્તિ મુંબઈના એક સાર્વજનિક ગણેશોત્સવ મંડળમાં રાખવામાં આવી હતી જેને સંમેલનના સ્થળે લાવવામાં આવી હતી.


પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની મૂર્તિ પર્યાવરણ માટે નુકસાનકારક હોવાથી આવી મૂર્તિ બનાવીને એની સ્થાપના કરવા અને એને સમુદ્રમાં વિસજર્ન કરવા પર સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)એ પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધની કડક અમલબજાવણી કરવા માટે બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈ સહિત ચાર મહાનગરપાલિકાને આદેશ આપ્યો હતો. આ પ્રતિબંધ અને આદેશને પગલે ગણપતિ સહિતનાં દેવી-દેવતાની PoPની મૂર્તિઓ બનાવવાનું દોઢ મહિનાથી બંધ છે. કામકાજ બંધ રહેવાને લીધે મૂર્તિકારો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે એનો ખ્યાલ રાજ્ય સરકારને આવે એ માટે ગઈ કાલે મુંબઈ, નવી મુંબઈ અને થાણે સહિત રાજ્યભરમાંથી ૧૪ હજાર જેટલા મૂર્તિકારો મુંબઈ પહોંચ્યા હતા. પરેલમાં આવેલા નરે પાર્ક ખાતેના ભિવાજીરાવ નરે ગ્રાઉન્ડમાં મૂર્તિકારોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ૨૦ માર્ચે બૉમ્બે હાઈ કોર્ટમાં CPCBએ મૂકેલા પ્રતિબંધને પડકારતી અરજી દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.



શ્રી ગણેશ મૂર્તિકાર કામગાર સંઘટનાના અધ્યક્ષ પ્રશાંત દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘PoPની મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદથી મૂર્તિ બનાવવાનાં તમામ કારખાનાં બંધ છે. રાજ્ય સરકાર દ્વારા આ સંબંધે કોઈ નિર્ણય ન લેવાતાં રાજ્યભરના મૂર્તિકારોનું મુંબઈમાં સંમેલન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના ઇન્ફર્મેશન ઍન્ડ ટેક્નૉલૉજી અને સાંસ્કૃતિક પ્રધાન આશિષ શેલાર તેમ જ મહિલા અને બાળવિકાસ ખાતાનાં પ્રધાન અદિતિ તટકરેને આમંત્રિત કર્યાં હતાં. અમે આ પ્રધાનો સમક્ષ અમારી સમસ્યા રજૂ કરી હતી. સમયસર PoPની મૂર્તિનો નિર્ણય નહીં લેવામાં આવે તો આ વર્ષે ગણેશોત્સવ માટે મૂર્તિઓ બનાવવાનું અશક્ય બની જશે અને હજારો મૂર્તિકાર મુશ્કેલીમાં મુકાઈ જશે. PoP બાબતે પર્યાવરણપ્રેમીઓને ગેરસમજ થઈ છે એ દૂર કરવા માટે અમે બૉમ્બે હાઈ કોર્ટમાં પ્રતિબંધને પડકારતી અરજી ૨૦ માર્ચે દાખલ કરીશું. PoP મોટા પાયે બાંધકામ ઉપરાંત ઘર અને ઑફિસના ઇન્ટીરિયરમાં વાપરવામાં આવે છે. ગણેશોત્સવમાં મૂર્તિઓમાં જેટલું PoP વાપરવામાં આવે છે એનાથી PoPનો અનેકગણો ઉપયોગ બાંધકામ અને ઇન્ટીરિયરના કામમાં થાય છે.’


એક્સપર્ટ કમિટી પણ પોતાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે

મૂર્તિકારોના સંમેલનમાં આશિષ શેલારે કહ્યું હતું કે ‘સરકાર મૂર્તિકારો સાથે છે. PoPની મૂર્તિ પર્યાવરણ માટે કેટલી જોખમી છે એનો અભ્યાસ કરવા માટે રાજીવ ગાંધી સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી કમિશનની અધ્યક્ષતામાં એક એક્સપર્ટ કમિટી બનાવીને સ્ટડી કરવામાં આવશે. ૨૦ માર્ચે પ્રતિબંધને પડકારતી અરજી મૂર્તિકારો વતી બૉમ્બે હાઈ કોર્ટમાં કરવામાં આવશે. એમાં સ્ટડીનો રિપોર્ટ હાઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગણેશોત્સવ, નવરાત્રિ અને દહીહંડી ઉત્સવની પરંપરા પ્રતિબંધને કારણે જોખમમાં મુકાઈ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી હિન્દુઓના તહેવારના વિરોધમાં એક કાવતરું કરવામાં આવ્યું છે. આ કાવતરાને ખતમ કરવા માટે સરકારથી બનતા તમામ પ્રયાસ કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2025 09:41 AM IST | Mumbai | Prakash Bambhroliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK