ગૅન્ગે એક કંપનીના કર્મચારી પાસેથી ૩૦ લાખ રૂપિયાની કૅશ ધરાવતી બૅગ ઝૂંટવી લીધી હતી. થાણે પોલીસે એ ગૅન્ગના પાંચ સભ્યોને કેરલાથી ઝડપી લીધા હતા.
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં ૨૧ ફેબ્રુઆરીએ રેલવે-સ્ટેશન પાસે પહેલેથી જ વૉચ રાખીને બેસેલી લૂંટારાઓની ગૅન્ગે એક કંપનીના કર્મચારી પાસેથી ૩૦ લાખ રૂપિયાની કૅશ ધરાવતી બૅગ ઝૂંટવી લીધી હતી. થાણે પોલીસે એ ગૅન્ગના પાંચ સભ્યોને કેરલાથી ઝડપી લીધા હતા.
થાણેના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અમરસિંહ જાધવે લૂંટના આ કેસની માહિતી આપતાં કહ્યું હતું કે ‘આરોપીઓની આ ગૅન્ગમાં મુંબઈની એક કંપનીમાં કામ કરતો કર્મચારી પણ સામેલ હતો. તેઓ ઘટનાના દિવસે થાણેના પાર્કિંગ-લૉટમાં પહેલેથી જ વૉચ રાખીને બેઠા હતા. જેવો ફરિયાદી આવ્યો એટલે તેમણે તેની ૩૦ લાખની રોકડ ધરાવતી બૅગ ઝૂંટવી લીધી હતી અને નાસી ગયા હતા. ફરિયાદીએ અમને ફરિયાદ કરતાં અમે ગુનો નોંધીને તપાસ ચાલુ કરી હતી. ઘણાબધા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કરવામાં આવ્યાં હતાં. એ પછી ટેક્નિકલ માહિતી મેળવવામાં આવી હતી અને આખરે આરોપીઓ કેરલામાં હોવાનું જણાઈ આવતાં ત્યાં જઈને પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી ૭.૫ લાખ રૂપિયાની રોકડ અને એ ચોરીની રકમમાંથી ખરીદવામાં આવેલા ૩ લાખ રૂપિયાના બે મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. તેમની સામે લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેમને આજ સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી.’

