ભેખડનો ટુકડો કારની સનરૂફ પર પડ્યો અને એ તોડીને ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેસેલાં સ્નેહલ ગુજરાતી માટે જીવલેણ બન્યો
					 
					
અકસ્માતમાં જીવ ગુમાવનાર સ્નેહલ ગુજરાતી. ભેખડનો ટુકડો સનરૂફ તોડીને કારમાં પડ્યો.
મોત ક્યારે અને કેવી રીતે ત્રાટકશે એનું કંઈ નક્કી નથી હોતું. એવી જ એક ઓચિંતી ઘટનામાં પુણેનાં ૪૨ વર્ષનાં મહિલા સ્નેહલ ગુજરાતીનું બુધવારે મોત થયું હતું. તામ્હિણી ઘાટમાં ૩ દિવસથી પડી રહેલા વરસાદને કારણે છૂટી પડી ગયેલી ભેખડનો ટુકડો તેમની દોડતી કારની સનરૂફ પર પડ્યો હતો. કાચની સનરૂફ એને કારણ તૂટી ગઈ હતી અને ભેખડનો એ ટુકડો સ્નેહલ ગુજરાતીના માથા પર પટકાતાં તેમનું મોત થયું હતું.
પુણેના પિંપરી-ચિંચવડમાં રહેતા ગોવિંદદાસ ગુજરાતી તેમનાં ૪૨ વર્ષનાં પત્ની સ્નેહલ અને માતા સાથે માણગાવમાં આવેલા તેમના સંબંધીને ત્યાં સીમંતની વિધિ માટે જઈ રહ્યા હતા ત્યારે પુણે-માણગાવ રોડ પરના તામ્હિણી ઘાટમાંથી પસાર થતી વખતે કોન્ડેથર ગામ પાસે પહાડ પરથી ભેખડનો ટુકડો તેમની દોડતી કારની સનરૂફ તોડીને ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેસેલાં સ્નેહલ ગુજરાતી પર પડ્યો હતો. કાર તેમના પતિ ગોવિંદદાસ જ ચલાવી રહ્યા હતા. પથ્થર માથા પર પટકાતાં તેમને ગંભીર ઈજા થઈ હતી. તેમને તરત જ માણગાવની સબ-ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. ડૉક્ટરે તેમને દાખલ કરતાં પહેલાં તપાસીને મૃત જાહેર કર્યાં હતાં.
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	