આરોપી તેના ગામમાં ગયો હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે પકડવા ૧૩ ટીમ બનાવીને શેરડીનાં ખેતર ખૂંદ્યાં
પુણેના સ્વારગેટ બસ-ડેપોમાં પોલીસ-બંદોબસ્ત.
પુણેના સ્વારગેટ બસ ડેપોમાં ૨૬ વર્ષની યુવતી પર બળાત્કાર કર્યા બાદ ગાયબ થઈ ગયેલા ૩૭ વર્ષના આરોપી દત્તાત્રય ગોડેની માહિતી હાથ લાગી હોવા છતાં પોલીસ ગઈ કાલે રાત સુધી પકડી નહોતી શકી. આરોપી બળાત્કાર કર્યા બાદ તેના પુણે જિલ્લાના શિરુર તાલુકાના ગુનાટ ગામમાં ગયો હોવાની માહિતી મળ્યા બાદ તેને પકડવા પોલીસની ૧૩ ટીમ કામે લાગી હતી. પોલીસની ટીમ બુધવારે રાત્રે ગુનાટ ગામમાં પહોંચી હતી. આરોપી ગામ નજીકના શેરડીના ખેતરમાં છુપાયો હોવાની માહિતી મળ્યા બાદ ગઈ કાલે રાત સુધી પોલીસે શોધખોળ કરી હતી, પરંતુ તે હાથ નહોતો લાગ્યો.
મામલો એક દિવસ કેમ છુપાવી રાખ્યો?
ADVERTISEMENT
મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય પ્રધાન યોગેશ કદમે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં માહિતી આપતાં કહ્યું હતું કે ‘પુણેના બસ ડેપોમાં યુવતી પર બસમાં બળાત્કારની ઘટના મંગળવારે સવારના ૫.૩૦ વાગ્યે બની હતી. ઘટનાના ત્રણ કલાક બાદ પીડિત યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે આ ઘટનાની જાણ કરવાથી આરોપી અલર્ટ થઈ જવાની શક્યતા હતી. આથી બુધવારે બપોરના ઘટનાની માહિતી મીડિયાને આપવામાં આવી હતી. આમ કરવાથી ફરિયાદ નોંધાયાના થોડા સમયમાં જ આરોપીની ઓળખ કરી લેવામાં આવી હતી. આરોપીના મોબાઇલ નંબરને ટ્રૅકિંગ સિસ્ટમમાં મૂકવાથી તેની હિલચાલની જાણ થઈ શકી છે. આરોપી હાથવગો છે એટલે ગમે ત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવશે.
બસ ડેપોનું સિક્યૉરિટી ઑડિટ કરવામાં આવશે
પુણેના કાયમ પ્રવાસીઓથી ધમધમતા સ્વારગેટ બસ ડેપોમાં બસની અંદર યુવતી પર બળાત્કારની ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી જેમાં કહ્યું હતું કે ‘મહારાસ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC)ના રાજ્યમાં આવેલા તમામ બસ ડેપોનું સિક્યૉરિટી ઑડિટ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. તમામ ડેપોની અંદર પાર્ક કરવામાં આવેલી બસ અને બીજી બંધ પડેલી બસોનો આ વર્ષના ૧૫ એપ્રિલ સુધીમાં નિકાલ કરવામાં આવશે. બસ ડેપોની સિક્યૉરિટી માટે ૨૭૦૦ ગાર્ડ તહેનાત છે, એમાં વધારો કરવામાં આવશે. મહિલા ગાર્ડની સંખ્યા અત્યારે નગણ્ય છે એટલે ૧૫થી ૨૦ ટકા મહિલા ગાર્ડની ભરતી કરવામાં આવશે. MSRTCમાં ૧૫,૦૦૦થી વધુ બસ છે એમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા પણ ફરજિયાત કરવામાં આવશે.’
સ્વારગેટ ડેપોમાં પ્રાઇવેટ એજન્ટ, વ્યંડળ અને રિક્ષાવાળાઓનો ત્રાસ
પુણેના સૌથી બિઝી સ્વારગેટ બસ-ડેપોમાં પ્રાઇવેટ એજન્ટ, વ્યંડળ અને ઑટો રિક્ષાવાળાઓનો ભારે ત્રાસ હોવા બાબતના બે પત્ર ડેપોના સંચાલકોએ સ્વારગેટ પોલીસમાં થોડા દિવસ પહેલાં લખ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. આમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી એવામાં મંગળવારે ડેપોમાં ઊભેલી બસમાં યુવતી પર બળાત્કાર થવાની ઘટના બની છે. આથી સ્થાનિક પોલીસ સ્વારગેટ બસ-ડેપોમાં પ્રવાસીઓને પરેશાન કરનારાઓ સામે આંખ આડા કાન કરી રહી હોવાનો આરોપ થઈ રહ્યો છે.
બળાત્કારના આરોપીનું રાજકીય કનેક્શન?
પુણેના ડેપોમાં બસમાં યુવતી પર બળાત્કાર કરવાના આરોપી દત્તાત્રય ગાડેનો મોબાઇલ નંબર પોલીસને હાથ લાગ્યો છે. આ મોબાઇલ નંબરને આધારે પોલીસ આરોપીને શોધી રહી હતી. પોલીસે આરોપીની વૉટ્સઍપ ચૅટ ચેક કરી છે જેના ડિસ્પ્લે પિક્ચર (DP)માં અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના શિરુર હવેલી બેઠકના વિધાનસભ્ય જ્ઞાનેશ્વર (માઉલી-આબા) કટકેનો ફોટો હોવાનું જણાઈ આવ્યું છે. એટલું જ નહીં, આ જ ક્ષેત્રના ભૂતપૂર્વ વિધાનસભ્ય અશોક પવારનું બૅનર ગામમાં લગાવવામાં આવ્યું છે એમાં પણ આરોપીનો ફોટો છે. આથી આરોપીનું રાજકીય કનેક્શન હોવાનું પોલીસની તપાસમાં જણાયું છે. ગયા વર્ષે યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં આરોપી દત્તાત્રય ગાડે જ્ઞાનેશ્વર કટકે સાથે ફરતો જોવા મળ્યો હોવાનું ગામવાસીઓએ પોલીસને જાણવા મળ્યું છે. જોકે જ્ઞાનેશ્વર કટકેએ સ્પષ્ટતા કરી હતી કે ‘જનપ્રતિનિધિ હોવાને નાતે ઘણા લોકો મને મળતા હોય છે અને મારી સાથે ફોટો પડાવતા હોય છે, પણ તે દરેક વ્યક્તિને હું ઓળખતો હોઉં એ જરૂરી નથી. આરોપીનો મારી સાથેનો ફોટો છે એ વાત સાચી, પણ હું તેને ઓળખતો નથી. આવું કૃત્ય કરનારાને ફાંસીની સજા થવી જોઈએ.’
પુણેના બળાત્કારીની માહિતી આપનારને એક લાખ રૂપિયાનું ઇનામ
પુણેના સ્વારગેટ બસ-ડેપોમાં એક બસમાં યુવતી પર બળાત્કાર કરીને નાસી ગયેલા ૩૭ વર્ષના દત્તાત્રય ગાડેને શોધવા માટે પોલીસની ૧૩ ટીમ દિવસરાત તપાસ કરી રહી હોવા છતાં તેનો ક્યાંય પત્તો નથી મળતો એટલે પુણેના સ્વારગેટ પોલીસે ગઈ કાલે આરોપીની માહિતી આપનાર વ્યક્તિને ૧ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી.
યુવતી પર એક નહીં, બે વખત બળાત્કાર કરવામાં આવ્યો હતો
પુણે બળાત્કાર મામલામાં પીડિતાના મેડિકલ રિપોર્ટમાં થઈ સ્પષ્ટતા
પુણેના સ્વારગેટ બસ-ડેપોમાં ઊભેલી બસમાં ૨૬ વર્ષની યુવતી પર બળાત્કાર થવાની ઘટનામાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાવ્યા બાદ યુવતીની પુણેની સસૂન હૉસ્પિટલમાં બુધવારે મેડિકલ ટેસ્ટ કરવામાં આવી હતી. આરોપીએ બસમાં યુવતી પર એક નહીં પણ બે વખત બળાત્કાર કર્યો હોવાનું મેડિકલ રિપોર્ટમાં જણાઈ આવ્યું છે.
પોલીસની તપાસમાં બસ-ડેપોમાં ઊભી રહેલી બસમાં આરોપી દત્તાત્રય ગાડેએ યુવતી પર બળાત્કાર કર્યો હતો ત્યારે બસની આસપાસ પંદર જેટલા લોકો હતા. યુવતીએ પ્રતિકાર નહોતો કર્યો એટલે લોકોને બસમાં એક નરાધમ યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી રહ્યો હોવાની જાણ નહોતી થઈ. મેડિકલ રિપોર્ટમાં યુવતી પર ઉપરાઉપરી બે વખત બળાત્કાર કરવામાં આવ્યો હોવાનું જણાયું છે ત્યારે નરાધમ અને યુવતી બસમાં અમુક મિનિટ નહીં પણ વધુ સમય સુધી હોવાની શક્યતા છે.
બસને ફૉરેન્સિક લૅબમાં મોકલવામાં આવી
જે શિવશાહી બસમાં યુવતી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો એની તપાસ કરવા માટે પોલીસે બુધવારે રાતે બસને ઘટનાસ્થળેથી ફૉરેન્સિક લૅબોરેટરીમાં મોકલી હતી. બસની અંદરના પુરાવા અને આરોપી તેમ જ પીડિતાના હાથની આંગળીનાં નિશાન લેવામાં આવશે.
પુણેના સ્વારગેટ ડેપોની બસમાં બળાત્કાર કરનારો આરોપી દત્તાત્રય રામદાસ ગાડે કોણ છે?
પુણેના સ્વારગેટ બસ ડેપોમાં રાજ્ય સરકારના પરિવહન વિભાગની શિવશાહી બસમાં ૨૬ વર્ષની યુવતી પર બળાત્કાર કરીને પલાયન થનારા ૩૭ વર્ષના આરોપી દત્તાત્રય રામદાસ ગાડે સામે લૂંટફાટ, ચેઇન આંચકવી અને લિફ્ટ આપીને મહિલાને કારમાં બેસાડ્યા બાદ એકાંત સ્થળે લૂંટી લેવા સહિતના ૭ ગુના પોલીસમાં નોંધાયેલા હોવાનું તેમ જ તેણે ગામની સ્થાનિક ચૂંટણી પણ લડી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, આરોપી પુણે જિલ્લાના શિરુર તાલુકામાં આવેલા ગુનાટ ગામમાં માતા-પિતા, પત્ની અને સંતાન સાથે રહેતો હોવાનું પોલીસની અત્યાર સુધીની તપાસમાં જણાઈ આવ્યું છે.
ઝટપટ શ્રીમંત બનવાનો ચસકો
પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીનું ગુનાટ ગામમાં અડધું પાકું અને અડધું પતરાંનું મકાન છે. આરોપીના પરિવારને નામે ત્રણ એકર જમીન છે જેમાં તેનાં માતા-પિતા ખેતી કરે છે. દત્તાત્રય વગર મહેનતે પૈસાદાર થવામાં માને છે. ઝટપટ રૂપિયા મેળવવા માટે ચોરી, લૂંટફાટ કરવાની સાથે આરોપીએ છેલ્લાં છ વર્ષથી મહિલા અને વૃદ્ધા પાસેથી રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું.
મહિલાઓને કારમાં લિફ્ટ આપીને લૂંટી
ગુનાટ ગામના રહેવાસીઓના જણાવ્યા મુજબ આરોપી દત્તાત્રય ગાડેએ ૨૦૧૯માં લોન લઈને એક કાર ખરીદી હતી. પુણેથી અહિલ્યાનગર વચ્ચે આરોપી પ્રવાસીઓના ફેરા લગાવતો હતો. રસ્તામાં કોઈ મહિલાએ વધુ દાગીના પહેર્યા હોય એવું જણાય તો આરોપી કાર ઊભી રાખીને આવી મહિલાને લિફ્ટ આપતો. બાદમાં કાર એકાંત સ્થળે લઈ જતો અને મહિલાને ચાકૂની ધાક બતાવીને લૂંટી લેતો. એક મહિલાએ પોલીસમાં દત્તાત્રય ગાડે સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપી સામે શિક્રાપુરમાં બે, અહિલ્યાનગર જિલ્લાના સુપા, કેડગાવ અને કોતવાલી પોલીસ-સ્ટેશનોમાં ચોરી અને લૂંટ સહિતની ફરિયાદ નોંધાયા બાદ ધરપકડ કરવામાં આવી હતી, પણ ત્યાર બાદ તે જામીન પર છૂટ્યો હતો.
ચૂંટણી લડ્યો
આરોપી દત્તાત્રય ગાડેએ ગામની સ્થાનિક ચૂંટણી લડી હતી જેમાં તેનો પરાજય થયો હતો. બાદમાં તેણે એક નેતા માટે ચૂંટણીનું કામકાજ પણ જોયું હોવાનું કહેવાય છે.
દીપડાની દહેશત વચ્ચે પોલીસની શોધખોળ શરૂ
સ્વારગેટ ડેપોમાં બસમાં યુવતી પર બળાત્કાર કરનારો દત્તાત્રય ગાડે તેના ગામ ગુનાટથી બે કિલોમીટર દૂર આવેલા શેરડીના ખેતરમાં છુપાયો હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે ગઈ કાલે સવારથી આ ખેતરમાં ડ્રોન કૅમેરા અને ડૉગ-સ્ક્વૉડની મદદથી સઘન તપાસ હાથ ધરી હતી. ચારે બાજુ નાકાબંધી કરીને ૧૦૦થી વધુ પોલીસ શેરડીનાં ખેતરોમાં તેને શોધી રહી હતી ત્યારે ગામવાસીઓએ કહ્યું હતું કે શેરડીનાં ખેતરોમાં દીપડા અવારનવાર જોવા મળે છે એટલે એનાથી સાવચેત રહેજો.
ગુનાટ ગામ અને આસપાસનાં ખેતરોમાં શેરડીનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે અને અત્યારે શેરડી ૬થી ૭ ફુટ ઊંચી થઈ ગઈ છે એટલે ખેતરમાં શેરડીનું ગાઢ જંગલ બની ગયું છે. આથી અંદર કોઈ હોય તો ખ્યાલ નથી આવતો. આરોપી દત્તાત્રયને શોધતી વખતે દીપડાનો સામનો થવાની શક્યતા જોતાં પોલીસની મૂંઝવણ વધી હોવાનું જાણવા મળ્યું છે.
બુધવારે રાતે દત્તાત્રય ગાડે શેરડીના ખેતરની નજીક આવેલા આદર્શ ઍગ્રોમાં પાણી પીવા ગયો હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.

