રાજ અને ઉદ્ધવ ઠાકરે હવે એક જ દિવસે, એકસાથે હિન્દીવિરોધી મોરચો કાઢશે
ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે
મહારાષ્ટ્ર સરકારની થ્રી-લૅન્ગ્વેજ પૉલિસીને કારણે હિન્દી આડકતરી રીતે ફરજિયાત થઈ જશે એવો દાવો કરીને એના વિરોધમાં અલગ-અલગ દિવસે મોરચો કાઢવાની જાહેરાત કરનારા રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે હવે એક જ દિવસે એકસાથે રસ્તા પર ઊતરશે. અગાઉ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ પાંચ જુલાઈએ ગિરગામથી આઝાદ મેદાન સુધીનો મોરચો કાઢવાની જાહેરાત કરી હતી અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)એ ૭ જુલાઈએ હુતાત્મા ચોકથી આઝાદ મેદાન સુધીનો મોરચો કાઢવાની જાહેરાત કરી હતી. હવે જોકે આ કઝિન ભાઈઓ પાંચ જુલાઈએ એકસાથે મળીને ગિરગામથી આઝાદ મેદાન સુધી મોરચો કાઢશે.
શિવસેના (UBT)ના નેતા અને સંસદસભ્ય સંજય રાઉતે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી જેમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ગૃહપ્રધાન અમિત શાહને ટૅગ કરીને બન્ને પક્ષો દ્વારા એક જ રૅલી કાઢવામાં આવશે એમ જણાવતાં છેલ્લે લખ્યું હતું કે ‘ઠાકરે ઇઝ અ બ્રૅન્ડ!’ સંજય રાઉતે જણાવ્યું હતું કે રાજ ઠાકરેએ એક જ મોરચો કાઢવાની વાત રજૂ કરી એના સમર્થનમાં ઉદ્ધવ ઠાકરેએ તરત જ તેમના નિર્ણયની સાથે હોવાનું જણાવ્યું હતું. જોકે રાજ ઠાકરેએ સ્પષ્ટતા કરી હતી કે આ મોરચા પાછળ કોઈ પ્રકારનો પૉલિટિકલ એજન્ડા નથી, માત્ર મરાઠી ભાષા માટે થઈને આ મોરચામાં બધા જોડાશે.
ADVERTISEMENT
શરદ પવાર ઠાકરે બંધુ સાથે
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (NCP-SP)ના અધ્યક્ષ શરદ પવારે હિન્દી ભાષા વિરુદ્ધ ઠાકરે બંધુઓએ લીધેલા સ્ટૅન્ડની સરાહના કરી હતી. તેમણે કહ્યું હતું કે જો તેઓ ઇચ્છે કે બધા જ પક્ષો આ રૅલીમાં જોડાય તો અમારું પણ સમર્થન છે. એને પગલે વિરોધ પક્ષો સાથે મળીને મોરચામાં જોડાય એવી શક્યતા છે. શરદ પવારે ત્રણ ભાષાના મુદ્દે પોતાનો મત જણાવતાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં ૬૦ ટકા લોકો હિન્દી બોલી શકે છે. મરાઠીઓ ઍન્ટિ-હિન્દી નથી, પરંતુ પ્રાઇમરીમાં ભણતાં નાના બાળકોને માતૃભાષામાં જ ભણાવવું જરૂરી છે.’
ત્રણ ભાષા લાગુ કરવાની તૈયારી ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા ત્યારથી જ થઈ હતી : આશિષ શેલાર
ઠાકરે બંધુઓ ભેગા થવાની વાત પર પ્રતિક્રિયા આપતાં BJPના નેતા અને મહારાષ્ટ્રના કૅબિનેટ મિનિસ્ટર આશિષ શેલારે જણાવ્યું હતું કે ‘કોઈ પણ સાથે આવી શકે છે. આ તેમનો અધિકાર છે. મરાઠી ભાષા માટે અમારી ભૂમિકા સ્પષ્ટ છે. મરાઠી ફરજિયાત છે અને હિન્દી વૈકલ્પિક ભાષા છે.’
ઉદ્ધવ ઠાકરે ત્રણ ભાષાની નીતિનો વિરોધ કરી રહ્યા છે એ બાબતે આશિષ શેલારે કહ્યું હતું કે ‘નૅશનલ એજ્યુકેશન પૉલિસી અંતર્ગત ત્રણ ભાષા લાગુ કરવાની પ્રક્રિયા ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા ત્યારથી જ શરૂ થઈ હતી. હિન્દી ભાષાને લગતા નિષ્ણાતોના રિપોર્ટ પણ એ જ સમયગાળામાં આવ્યા હતા. ત્યારે કૉન્ગ્રેસ અને શરદ પવારે પણ સમર્થન આપ્યું હતું. આજે જે વિરોધ પક્ષો આ નીતિનો વિરોધ કરે છે તેમના જ કાર્યકાળમાં ત્રણ ભાષાની પૉલિસી લાગુ થઈ ગઈ હતી.’

