Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સંવત્સરીના પાવન પ્રસંગે ઘાટકોપરમાં ૧૧,૦૦૦ ભાવિકો કરશે સામૂહિક સંવત્સરી પ્રતિક્રમણ

સંવત્સરીના પાવન પ્રસંગે ઘાટકોપરમાં ૧૧,૦૦૦ ભાવિકો કરશે સામૂહિક સંવત્સરી પ્રતિક્રમણ

Published : 13 September, 2026 01:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના પાવન સાંનિધ્યમાં સંવત્સરીના પાવન પ્રસંગે ઘાટકોપરમાં ૧૧,૦૦૦ ભાવિકો કરશે સામૂહિક સંવત્સરી પ્રતિક્રમણ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બપોરે યોજાશે ‘બંધ આંખે અંતરની આલોચના’નો વિશેષ કાર્યક્રમ, સવારે પરમ ગુરુદેવ ક્ષમાપનાના ગહન આધ્યાત્મિક ભાવ પર આપશે વિશેષ પ્રવચન

પર્યુષણ મહાપર્વ એટલે આત્મશુદ્ધિ, આત્મનિરીક્ષણ અને ક્ષમાભાવનાની સાધનાનું પાવન પર્વ. આ જ ભાવનાને કેન્દ્રમાં રાખીને મંગળવારે ૧૫ સપ્ટેમ્બરે ઘાટકોપરમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યમાં અને ઘાટકોપરમાં બિરાજિત સર્વ સંત-સતીજીઓના આશીર્વાદથી અનેક આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.



આ પાવન અવસરે સવારે ૮.૩૦ વાગ્યે પરમ ગુરુદેવ ‘ફરગિવનેસ’ એટલે કે ક્ષમાપના વિષય પર વિશેષ પ્રવચન દ્વારા બોધ આપશે. ક્ષમા એટલે માત્ર ‘માફ કરી દેવું’ નહીં પરંતુ અંતરમાં સંઘરાયેલાં રાગ, દ્વેષ, અહંકાર અને કડવાશને ઓગાળીને સંબંધોમાં પ્રેમ અને હૃદયમાં નિર્મળતા પ્રગટાવવાનો આધ્યાત્મિક માર્ગનો બોધપાઠ કેન્દ્રમાં હશે.


આ પ્રસંગે બપોરે ૩ વાગ્યાથી પાંચ વાગ્યા દરમ્યાન ‘બંધ આંખે અંતરની આલોચના’નો એક વિશેષ કાર્યક્રમ યોજાશે. એમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રીમુખેથી પોતાના અનંત ભવોની આલોચના કરી, દેશ-વિદેશમાં લાખો ભાવિકો શ્રાવક દીક્ષા અંગીકાર કરીને આ દુર્લભ માનવભવને સાર્થક કરશે.

ત્યાર બાદ સાંજે ૬.૩૦ વાગ્યે ભવ્ય સામૂહિક સંવત્સરી પ્રતિક્રમણ યોજાશે. એમાં ૧૧,૦૦૦ શ્રાવકો-શ્રાવિકાઓ અને ભાવિકો એકસાથે પ્રતિક્રમણ કરીને પોતાના અપરાધો અને ભૂલો માટે ક્ષમાયાચના કરશે તથા પરસ્પર ક્ષમાભાવ કેળવશે. આ અવસરે ૧૧,૦૦૦ ભાવિકોના હૃદયમાંથી એકસાથે ગુંજતું ‘મિચ્છા મિ દુક્કડં’ ક્ષમા અને આત્મશુદ્ધિની સામૂહિક ભાવનાનું દિવ્ય વાતાવરણ સર્જશે.


સમસ્ત ઘાટકોપર સ્થાનકવાસી જૈન સંઘ, જૈન જાગૃતિ સેન્ટર, કાઠિયાવાડી સમાજ એવમ્ ઝાલાવાડ સમાજના સહયોગથી યોજાનારો આ કાર્યક્રમ સંવત્સરીના મૂળ સંદેશ ‘પોતાની ભૂલનો સ્વીકાર, સૌની ક્ષમાયાચના અને સૌને હૃદયપૂર્વક ક્ષમા’ને જીવંત કરતો એક વિશિષ્ટ આધ્યાત્મિક પ્રસંગ બની રહેશે. 

Whatsapp-channel Whatsapp-channel

13 September, 2026 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK