એક યુવકને મારતાં-મારતાં પોલીસ-સ્ટેશનમાં આવ્યા, પછી વચ્ચે પડેલા ત્રણ પોલીસને ધોલધપાટ કરીને આરોપીઓ પલાયન થઈ ગયા
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં ગુરુવારે ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક યુવકને મારતાં-મારતાં પોલીસ-સ્ટેશનમાં ઘૂસી ગયેલા છ યુવકો પોલીસની પણ મારપીટ કરીને પલાયન થઈ ગયા હતા. સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા મુજબ ગુરુવારે સાંજે પોલીસ-સ્ટેશનની બહાર પાર્કિંગ કરવા બાબતે ૨૬ વર્ષના રિક્ષાચાલક રિઝવાન શેખની આશિષ શર્મા અને તેના પાંચ સાથીઓએ મારપીટ કરી હતી. મારપીટથી બચવા માટે રિઝવાન શેખ પોલીસ-સ્ટેશનની અંદર દોડી ગયો હતો. આથી આશિષ શર્મા અને તેના સાથીઓ પોલીસ-સ્ટેશનની અંદર દોડી આવ્યા હતા. અચાનક લોકોને દોડી આવેલા જોઈને ઇન્સ્પેક્ટર ભૂષણ જાધવ, સાંઈનાથ પંતમવાડ સહિતની પોલીસે મારપીટ કરતા લોકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આશિષ શર્મા અને તેના સાથીઓ વચ્ચે પડેલા પોલીસને પણ મારવા લાગ્યા હતા. જોકે બાદમાં આશિષ શર્મા અને તેની સાથેના યુવકો પલાયન થઈ ગયા હતા. આથી તમામ સામે ફરિયાદ નોંધીને તેમને શોધવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

