ટૉરોન્ટોમાં રહેતો સલિલ નવઘરે ડિસેમ્બરમાં ઘરે આવેલો ત્યારે પોતાના બિલ્ડિંગના પાર્કિંગ-લૉટમાં મળેલા આ શ્વાન સાથે તેને ધીરે-ધીરે માયા બંધાઈ ગઈ હતી : ત્યાર પછી સલિલે અઢી મહિનાની જહેમત અને ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરીને રાનીને કૅનેડા બોલાવી
ટૉરોન્ટોમાં સલિલના ઘરે મજા કરતી રાની.
માણસના શ્રેષ્ઠ મિત્ર તરીકે ઓળખાતા શ્વાન વફાદાર જીવ છે અને એટલે જ લાખો લોકો એને પાળીને ઘરમાં રાખે છે. તેઓ ફક્ત આપણા ઘરની રક્ષા જ નથી કરતા, ખુશીઓ પણ ફેલાવે છે. મોટા ભાગના લોકો પેટ શૉપ પર જઈને ફૅન્સી અને વિદેશી નસલના ડૉગી લઈ આવતા હોય છે ત્યારે કૅનેડાના ટૉરોન્ટો શહેરમાં રહેતા સલિલ નવઘરેએ મુંબઈના પ્રવાસ દરમ્યાન થાણેના વર્તકનગરની એક સ્ટ્રીટ-ડૉગીને કૅનેડામાં પોતાની સાથે રાખવા ભારે જહેમત ઉઠાવી હતી. ફાઇનલી શુક્રવારે વહેલી સવારે સતત અઢી મહિનાના પ્રયાસ બાદ વર્તકનગરની રાની નામની ડૉગી કૅનેડાના ટૉરોન્ટો શહેરના ઍરપોર્ટ પર પહોંચી હતી. એ સમયે સલિલ સાથે તેના આખા પરિવાર દ્વારા રાની પર ફૂલ વરસાવીને એનું સરસમજાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને એને ચાંલ્લો કરીને વધાવી લેવામાં આવી હતી.
મુંબઈના પ્રવાસ દરમ્યાન પાર્કિંગ લૉટમાં રાની ડરેલી હાલતમાં જોવા મળી હતી
થાણેમાં રહેતો અને હાલમાં કૅનેડાના ટૉરોન્ટોમાં રહીને વ્યવસાય કરતો સલિલ નવઘરે ૧૧ ડિસેમ્બરે ફૅમિલી-પ્રોગ્રામ માટે ભારત આવ્યો હતો. એ દરમ્યાન તે થાણેના વર્તકનગરમાં આવેલી દોસ્તી વિહાર સોસાયટીમાં પોતાના ફ્લૅટમાં રોકાયો હતો. ૧૨ ડિસેમ્બરે તે પાર્કિંગ-લૉટમાં કાર પાર્ક કરવા આવ્યો ત્યારે તેણે એક ડૉગીને જોઈ હતી જે ખૂબ જ ડરેલી હાલતમાં લાગી રહી હતી. તેણે એની પાસે જઈને ધીરે-ધીરે એના માથા પર હાથ ફેરવ્યો ત્યારે ડૉગીનો ડર હળવો થયો હતો. જોકે એ સમયે ડૉગી ખૂબ જ બીમાર લાગી રહી હોવાથી તેણે જ્યાં સુધી તે મુંબઈ છે ત્યાં સુધી એની સંભાળ રાખવાનું નક્કી કર્યું હતું.
ADVERTISEMENT
નવઘરે ફૅમિલીએ ડૉગીનું નામકરણ કરીને એને સતત ૨૧ દિવસ સાચવી
ડૉગી બે દિવસમાં મારાથી અને મારા પરિવાર સાથે ખૂબ જ હળીમળી ગઈ હતી એમ જણાવતાં સલિલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક-બે દિવસ એને ખોરાક આપ્યા બાદ મને એની સાથે ખૂબ જ માયા બંધાઈ ગઈ હતી. ત્યાર બાદ મારી પત્ની પ્રાચી અને પુત્ર ઈશાનને પણ એની સાથે ખૂબ જ માયા બંધાઈ ગઈ હતી. એને સોસાયટીના બીજા લોકો ખોરાક આપતા, પણ એ ખાતી નહોતી એટલે ખૂબ જ વીક થઈ ગઈ હતી. એ સમયે મારી પત્ની, મેં અને મારા પુત્રએ એનું સતત ધ્યાન રાખીને એને યોગ્ય સમયે યોગ્ય ખાવાનું આપ્યું હતું. ત્યાર બાદ અમે ૧૫ ડિસેમ્બરે એનું નામ રાની પાડ્યું હતું. અમે મુંબઈમાં ચાર અઠવાડિયાં માટે આવ્યાં હતાં જેમાંથી ૨૧ દિવસ રાનીને સાચવી હતી.’
રાનીને પોતાની સાથે કૅનેડા લઈ જવાનો વિચાર કર્યો, પણ એ ખૂબ જ મુશ્કેલ હતું
ભારતના ડૉગીઓને રૅબીઝની બીમારી થતી હોવાથી કૅનેડાના કાયદા પ્રમાણે એમને ત્યાં એન્ટ્રી આપવામાં આવતી નથી એમ જણાવતાં સલિલે કહ્યું હતું કે ‘વિશ્વમાં કેટલાક દેશો એવા છે જ્યાંના ડૉગીઓને રૅબીઝની બીમારી થતી હોય છે. એ જ કારણસર કૅનેડામાં અમુક દેશના ડૉગીઓને એન્ટ્રી આપવામાં આવતી નથી. ભારત એમાંથી એક હોવાથી મેં પેટ ટ્રાન્સપોર્ટ શોધવાના ઘણા પ્રયાસ કર્યા હતા, પણ મને બધી જગ્યાએથી ના જ સાંભળવા મળતી હતી. એથી મેં કૅનેડા જઈ વધુ તપાસ કરીને થાણેની પ્રાણીમિત્ર સંસ્થા પ્લાન્ટ ઍન્ડ ઍનિમલ વેલ્ફેર સોસાયટી (PAWS)નો સંપર્ક કર્યો હતો.’
અમુક શરતો અને વૅક્સિન આપીને પેટ ટ્રાન્સપોર્ટ કંપની કૅનેડા મોકલવા તૈયાર થઈ
થાણેની એક પેટ ટ્રાન્સપોર્ટ કંપનીએ રાનીની માહિતી લીધા બાદ એને આશરે ૯ વૅક્સિન આપી એના પર સતત બે મહિના સુધી ધ્યાન રાખી એનું વજન વધારીને પછી જ એને કૅનેડા મોકલવામાં આવશે એવી માહિતી મને આપી હતી એમ જણાવતાં સલિલે કહ્યું હતું કે ‘હવે હું તો કૅનેડામાં હતો, પણ રાની ભારતમાં હતી એટલે મેં PAWSના અધ્યક્ષ નીલેશ ભળગેનો સંપર્ક કર્યો હતો. તેમણે તાત્કાલિક રાનીને વર્તકનગરમાંથી રેસ્ક્યુ કરીને બદલાપુરના એક પ્રાઇવેટ પ્રાણીઘરમાં રાખી હતી જ્યાં એના પર બે મહિના સુધી સતત ધ્યાન આપીને વિવિધ પ્રકારની વૅક્સિન આપવામાં આવી હતી. એ વૅક્સિન અને યોગ્ય ધ્યાન રાખવાથી દોઢ વર્ષની રાનીનું વજન સારું વધ્યું હતું અને એના લોહીમાં રહેલી કેટલીક નબળાઈઓ પણ દૂર થઈ હતી. ફાઇનલી એ કૅનેડા આવવા માટે તૈયાર થઈ ગઈ હતી એટલે અમે આગળની પ્રોસેસ ચાલુ કરી હતી.’
રાની કોની સાથે કૅનેડા આવશે એ પ્રશ્ન હતો ત્યારે મારો મિત્ર તન્મય કામ આવ્યો
રાનીને કુરિયરથી કૅનેડા લાવી શકાય એમ નહોતી, કારણ એમાં ૧૦ લાખ રૂપિયાથી વધારેનો ખર્ચ હતો એમ જણાવતાં સલિલે કહ્યું હતું કે ‘ઉપરાંત એ કુરિયરના માણસો સાથે કો-ઑપરેટ કરે એવું બિલકુલ દેખાતું નહોતું એટલે એને કોની સાથે કૅનેડા લાવવી એ મારા માટે સૌથી મોટો પ્રશ્ન હતો. એ સમયે મારો એક મિત્ર તન્મય ભારત ગયો હોવાની માહિતી મળતાં મેં તેને ફોન કર્યો હતો. એ સમયે તન્મયે જરા પણ વિચાર્યા વગર તરત હા પાડી દીધી હતી એટલે મને મોટી રાહત મળી હતી, કારણ કે તે પણ પ્રાણીપ્રેમી છે.’
થાણેના પાર્કિંગ લૉટમાં રાની.
પાંચ દિવસનું ક્વૉરન્ટાઇન કરીને મુંબઈ ઍરપોર્ટ પહોંચી
ગુરુવારે સવારે રાનીનો પ્રવાસ નક્કી થયો હતો, પરંતુ એ પ્રવાસ પહેલાં કૅનેડાના નિયમ પ્રમાણે એનું ભારત ગવર્નમેન્ટનું ક્વૉરન્ટાઇન સર્ટિફિકેટ હોવું જરૂરી હતું. એટલે ગયા શનિવારે એને નવી મુંબઈના કોપરખૈરણેમાં આવેલા ક્વૉરન્ટાઇન સેન્ટરમાં મૂકવામાં આવી હતી. ત્યાં એની વિવિધ ટેસ્ટ થઈ હતી જેમાં દરેક ટેસ્ટના રિપોર્ટ યોગ્ય આવતાં એને ગુરુવારે સવારે મુંબઈ ઍરપોર્ટ પર પ્રાણીના પાંજરામાં લાવવામાં આવી હતી.
કૅનેડાના ટૉરોન્ટો ઍરપોર્ટ પર પાંજરામાં બંધ રાની સાથે સલિલનો પરિવાર.
ઍરપોર્ટ પર ચેકિંગમાં એને પાંજરામાંથી બહાર કાઢીને પાછી અંદર મૂકવી ખૂબ જ મુશ્કેલ હતું
ગુરુવારે સવારે રાનીને મુંબઈના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર લાવવામાં આવી. એ સમયે એને ફ્લાઇટમાં લેતાં પહેલાં એનું અને પાંજરાનું ચેકિંગ થવું જરૂરી હોવાથી તન્મયે એને ધીરે-ધીરે સમજાવી પાંજરામાંથી બહાર કાઢી એનું ચેકિંગ કરાવ્યું હતું. ત્યાર બાદ પાંજરાનું ચેકિંગ કરાવ્યું હતું અને પાછી એને સમજાવીને પાંજરામાં બેસાડી હતી. આ મુશ્કેલ એટલા માટે હતું કે માનવ-સ્વભાવ જેવો ડૉગીનો પણ સ્વભાવ હોય છે. એને બાંધી રાખવાથી એ રોષે ભરાઈ હતી. શનિવારથી એને સતત બંધ રાખવામાં આવી હોવાથી કન્ટ્રોલ કરી રાખવી ખૂબ જ મુશ્કેલ હતું.
મુંબઈથી પૅરિસ અને પૅરિસથી કૅનેડાના ટૉરોન્ટો ઍરપોર્ટ સુધીની ૧૬ કલાકની જર્ની કરી રાનીએ
ગુરુવારે સવારે મુંબઈથી પૅરિસ ઍરપોર્ટ પર પહોંચ્યા બાદ પૅરિસ ઍરપોર્ટ પર ૮ કલાકનો હૉલ્ટ હતો એમ જણાવતાં સલિલે કહ્યું હતું કે ‘એ સમયે તન્મયે રાનીને પાછી પાંજરામાંથી બહાર કાઢીને ઍરપોર્ટ પર વૉક કરાવ્યું હતું અને ખોરાક આપ્યો હતો. ત્યાર બાદ ફરી એક વાર ચેકિંગ કરાવીને એને પાંજરામાં બેસાડવામાં આવી હતી. શુક્રવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ રાની ટૉરોન્ટો ઍરપોર્ટ પહોંચી હતી જ્યાં મારો આખો પરિવાર એને રિસીવ કરવા પહોંચ્યો હતો. મારો દીકરો અને પત્ની રાનીને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયાં હતાં. હવે રાની જિંદગીભર અમારી સાથે રહેશે. આ માટેના યોગ્ય દસ્તાવેજો પણ હું ટૂંક સમયમાં કૅનેડિયન ગવર્નમેન્ટ પાસેથી કરાવી લઈશ. રાનીના આ આશરે અઢીથી ત્રણ મહિનાના પ્રવાસ ઉપરાંત એને મુંબઈથી કૅનેડા સુધી લાવવામાં ૩ લાખ રૂપિયાથી વધારે ખર્ચ મને થયો છે.’

