આૅલમોસ્ટ ૨૦ વર્ષ પછી થયેલા આ ઐતિહાસિક પુનર્મિલનમાં ઠાકરે બ્રધર્સની મરાઠી, મુંબઈ અને મહારાષ્ટ્રના મુદ્દે લલકાર
સ્ટેજની બન્ને બાજુથી એન્ટ્રી મારી રાજ અને ઉદ્ધવ ઠાકરેએ. તસવીર : રાણે આશિષ
મરાઠી ભાષા માટેના વિજય મેળાવડામાં ઉદ્ધવ અને રાજ ઠાકરે એક મંચ પર, ઑલમોસ્ટ ૨૦ વર્ષે ભાઈઓ ભેગા થયા : બન્નેને સાથે જોઈને કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઈ
મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા બે મહિનાથી ઠાકરે-બંધુઓ એક થશે કે નહીં એની અટકળો ચાલતી હતી એનો ગઈ કાલે અંત આવી ગયો હતો. સરકારે થ્રી-લૅન્ગ્વજ પૉલિસીનું ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) ભારે વિરોધ થતાં પાછું ખેંચ્યું એને પગલે આ મુદ્દે થયેલી મરાઠીઓની જીતનો જશન મનાવવા ગઈ કાલે બન્ને ભાઈઓ વરલીની નૅશનલ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ઑફ ઇન્ડિયા (NSCI)ના ડોમમાં આયોજિત કરાયેલા વિજય મેળાવડામાં એક મંચ પર ઑલમોસ્ટ ૨૦ વર્ષ બાદ સાથે બેઠેલા જોવા મળ્યા હતા. બન્નેના સમર્થકો બહુ મોટી સંખ્યામાં હાજર હતા અને તેમને સાથે જોઈને કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.
ADVERTISEMENT
સ્ટેજ પર રાજ અને ઉદ્ધવ ઠાકરે તેમના પરિવારના સભ્યો સાથે.
બન્ને ભાઈઓની એન્ટ્રી પહેલાં રાજ્ય ગીત વગાડવામાં આવ્યું અને એ પછી સ્ટેજ પર અને ઑડિયન્સમાં બધે બ્લૅકઆઉટ કરી દેવામાં આવ્યો હતો. બન્નેના સમર્થકોએ મોબાઇલમાં ટૉર્ચ ઑન કરીને તેમની એન્ટ્રીને વધાવી લીધી હતી. એ પછી બે સ્પૉટલાઇટના શેરડામાં બન્નેએ સામસામી બાજુએથી એન્ટ્રી લીધી હતી અને ધીમે-ધીમે મંચની વચ્ચે આવ્યા હતા. એ વખતે બૅકગ્રાઉન્ડમાં ‘કોણ આલા રે કોણ આલા, મહારાષ્ટ્રાચા વાઘ આલા’ ગીત વગાડવામાં આવ્યું હતું. એ પછી ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરેને ભેટ્યા હતા અને ત્યાર બાદ તેમણે બન્નેએ એકસાથે હાથ ઊંચા કરી લોકો સામે હાથ જોડીને અભિવાદન કર્યું હતું અને એ પછી મંચ પરની છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને સાથે હાર પહેરાવી નમન કર્યું હતું. એ પછી ત્યાં મુકાયેલી અન્ય મહાનુભાવોની છબિઓને નમન કરીને મંચ પર રખાયેલી માત્ર બે ખુરસીઓ પર બન્ને બિરાજમાન થયા હતા. આમ ટોટલ ફિલ્મી સ્ટાઇલમાં બન્નેએ એન્ટ્રી કરી હતી. બૅકગ્રાઉન્ડમાં મહારાષ્ટ્રનો નકશો રાખવામાં આવ્યો હતો અને એના પર બહુ સૂચક રીતે ‘આવાજ મરાઠીચા!’ લખાયું હતું.
ડોમમાં ભેગા થયેલા લોકોનું અભિવાદન કરતા ઉદ્ધવ અને રાજ ઠાકરે તથા તેમના પુત્રો આદિત્ય અને અમિત ઠાકરે.
બન્નેએ એકમેકને પોતાના ભાષણની શરૂઆતમાં માનથી સંબોધ્યા હતા. રાજ ઠાકરેએ સન્માનનીય ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું અને ઉદ્ધવ ઠાકરેએ પણ તેમને સન્માનનીય રાજ ઠાકરે કહીને સંબોધ્યા હતા.
મંચની નીચે પ્રેક્ષકોમાં આગલી હરોળમાં આદિત્ય ઠાકરે, તેજસ ઠાકરે, રશ્મિ ઠાકરે, સુભાષ દેસાઈ, રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરે સાથે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીનાં સુપ્રિયા સુળે અને જિતેન્દ્ર આવ્હાડ બેઠાં હતાં.
આખો ડોમ ભરાઈ ગયો હતો, એક પણ સીટ ખાલી નહોતી. અનેક સમર્થકો બાજુમાં ઊભા હતા જ્યારે અનેક લોકો ડોમની બહાર મૂકવામાં આવેલી LED સ્ક્રીન પર કાર્યક્રમ જોતા હતા.
વિજય મેળાવડામાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે શું બોલ્યા?
અમને એકસાથે લાવવાનું બાળાસાહેબને પણ ફાવ્યું નહોતું, જે અનેક લોકોને ન ફાવ્યું એ દેવેન્દ્ર ફડણવીસને ફાવ્યું
મૂળ તો આજે મોરચો નીકળવો જોઈતો હતો. જો નીકળ્યો હોત તો મરાઠી માણૂસ કઈ રીતે એકતા દેખાડી શકે છે એનું એક મોટું ચિત્ર જોવા મળ્યું હોત. પણ ફક્ત મોરચો નીકળશે એની ચર્ચાથી જ પીછેહઠ કરવી પડી. આ મેળાવડો પણ શિવતીર્થ (શિવાજી પાર્ક) પર થવો જોઈતો હતો, તો સારોએવો જનસાગર જોવા મળ્યો હોત.
મુંબઈ સ્વતંત્ર કરતાં પહેલાં તેમણે (BJPએ) ભાષાને ચકાસી જોઈ, એ પછી જો મહારાષ્ટ્ર શાંત રહ્યું તો આગળનું પગલું લેવાનો તેમનો (BJPનો) વિચાર હતો.
મહારાષ્ટ્ર, મરાઠી ભાષા અને મરાઠી માણૂસ એ વિશે કોઈ પરિસ્થિતિમાં તડજોડ નહીં ચલાવી લેવાય.
તમારી પાસે સત્તા હશે તો એ વિધાનભવનમાં, અમારી પાસે જે સત્તા છે એ રસ્તા પર.
અમને એકસાથે લાવવાનું બાળાસાહેબને પણ ફાવ્યું નહોતું. જે અનેક લોકોને ન ફાવ્યું એ દેવેન્દ્ર ફડણવીસને ફાવ્યું.
ગમે ત્યારે કોઈને પણ માર મારવાની જરૂર નથી, પણ અહીં રહીને જો કોઈએ વધારે નાટક કર્યાં તો કાનની નીચે ફટકારજો. યાદ રાખજો કે આવું કાંઈ પણ કરો તો એનો વિડિયો રેકૉર્ડ ન કરતા.
મજા તો એ વાતની છે કે જે હિન્દીભાષી રાજ્યો છે એ આર્થિક રીતે પછાત છે, જે રાજ્યો હિન્દીભાષી નથી એ આર્થિક દૃષ્ટિએ આગળપડતાં છે. એમ છતાં અમારે હિન્દી શીખવાની.
આજે આપણે મરાઠી માટે એકસાથે આવ્યા છીએ. હવે એ બધા જાતપાતનું રાજકારણ શરૂ કરશે.
મહારાષ્ટ્ર જ્યારે ઊકળી ઊઠે છે ત્યારે શું થાય છે એ રાજકર્તાઓને હવે સમજાયું હશે અને એથી જ તેમણે પીછેહઠ કરી.
મારી મરાઠી સામે કે મહારાષ્ટ્ર સામે કોઈએ વાંકી નજરે જોવું નહીં.
તમારી કડવાશ તમારા ભણતરમાંથી નથી આવતી, એ તમારી અંદર હોવી જોઈએ. માનનીય બાળાસાહેબ અંગ્રેજીમાં ભણ્યા હતા, પણ તેમણે ક્યારેય મરાઠી બાબતે તડજોડ નહોતી કરી.
આજે દેશમાં અલગ-અલગ રાજ્યોની રેજિમેન્ટ્સ છે. શત્રુ દેખાય તો સાથે મળીને લડીએ જ છીએને, તો પછી આમાં ભાષાનો મુદ્દો ક્યાં આવે છે?
મરાઠીના મુદ્દે એકતા કાયમ રહેવી જોઈએ. મહારાષ્ટ્રમાં બાળાસાહેબનું સપનું ફરી સાકાર થાય એવી આશા, અપેક્ષા અને ઇચ્છા હું વ્યક્ત કરું છું.
આજે એક થયા છીએ એ એકસાથે રહેવા માટે
આજે એક થયા છીએ એ એકસાથે રહેવા માટે.
આજના મેળાવડામાં બધાનું ધ્યાન અમારા ભાષણ પર છે, પણ વ્યક્તિગત રીતે મને લાગે છે કે આજે અમારા ભાષણ કરતાં અમે સાથે દેખાઈએ એ વધુ મહત્ત્વનું હતું.
જે બધા મરાઠી ભાષા માટે પક્ષભેદ ભૂલીને અહીં મરાઠી માણૂસની વજ્રમૂઠ દેખાડવા આવ્યા છે એ બધાનો આભાર.
અમારા બન્ને વચ્ચેનો અંતરપટ અનાજી પંતે (ફડણવીસે) દૂર કર્યો.
સંયુક્ત મહારાષ્ટ્ર જેવી એકતા હવે દેખાડવી પડશે.
એક ગદ્દાર ગઈ કાલે જય ગુજરાત બોલ્યો, કેટલી હદ સુધી ઝૂકવાનું.
ભાષાને લઈને જ્યારે કોઈ વિષય નીકળે ત્યારે એ ઉપરછલ્લો ન હોય. અમે બન્નેએ BJPનો અનુભવ લીધો છે, વાપરવાનું અને ફેંકી દેવાનું. હવે અમે બન્ને ભેગા મળીને BJPને ફેંકી દઈશું.
BJP અફવાની ફૅક્ટરી છે. ઉદ્ધવ ઠાકરેએ હિન્દુત્વ છોડ્યું એની ટીકા BJPએ કરી, પણ અમે કડવા હિન્દુત્વવાદી છીએ.
દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે ભાષાને લઈને ગુંડાગીરી નહીં ચલાવી લેવાય. જો મહારાષ્ટ્રમાં ન્યાય મેળવવા કોઈ આંદોલન કરતું હોય અને જો તમે એને ગુંડાગીરી કહેશો તો હા અમે ગુંડા છીએ. જો ગુંડાગીરી કર્યા સિવાય ન્યાય ન મળે તો અમે ગુંડાગીરી કરીશું.

