૩૦ લાખ રૂપિયાની કિંમતની બનાવટી નોટો સાથે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ યુવકોની ધરપકડ કરી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
થાણે ક્રાઇમ બ્રાન્ચના ભિવંડી યુનિટે ગુપ્ત બાતમીના આધારે ભિવંડીના અવચિત પાડા વિસ્તારમાં આવેલા કૅફે મખદૂમિયા નજીક સોમવારે રાતે છટકું ગોઠવીને ૩૦ લાખ રૂપિયાની બનાવટી નોટો સાથે ત્રણ યુવકોની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચને પ્રાથમિક માહિતી મળ્યા બાદ ભિવંડીના શાંતિનગર પોલીસ-સ્ટેશનમાં સૂરજ શેંડે, ભરત સાસે, સ્વપ્નિલ પાટીલ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ યુટ્યુબ પર જોઈને ૫૦૦ રૂપિયાની નકલી નોટ છાપી હોવાની ચોંકાવનારી માહિતી મળ્યા પછી તેમણે હમણાં સુધી કેટલી નોટો છાપી છે અને કોને-કોને આપી છે એની તપાસ કરવામાં આવી રહી છે.
આરોપીની મોટી ગૅન્ગ હોવાની અને તેમણે આ પહેલાં પણ અનેક વાર આવી નોટ છાપી હોવાની માહિતી અમને મળી છે એમ જણાવતાં થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-ટૂના સિનિયર ઇન્સ્પેક્ટર જનાર્દન સોનાવણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે અમારી ટીમને ગુપ્ત સૂત્રોના માધ્યમથી માહિતી મળી હતી કે કૅફે મખદૂમિયા નજીક ત્રણ યુવકો ૫૦૦ રૂપિયાની બનાવટી નોટોની ડિલિવરી કરવા આવવાના છે. અમારી ટીમે રાતે ૯ વાગ્યે નોટની ડિલિવરી કરવા આવેલા યુવકોને ઝડપી લીધા હતા અને તેમની બૅગ ચેક કરતાં એમાંથી ૫૦૦ રૂપિયાની નોટનાં ૩૦ લાખ રૂપિયાનાં બંડલ મળી આવ્યાં હતાં. ત્યાર બાદ આરોપીઓને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ ઑફિસ લઈ જવાયા હતા જેમાં તેમણે બનાવટી નોટ છાપી હોવાની કબૂલાત કરી હતી. આ મામલે અમને શંકા છે કે તેમણે યુટ્યુબની મદદથી આ નોટો છાપી હશે. એ ઉપરાંત આ કેસમાં બીજા આરોપીની પણ સંડોવણી હોવાની અમને શંકા છે.’

