ખાડાને કારણે થતા ટ્રાફિક જૅમને લીધે લેવામાં આવ્યો નિર્ણય : પુલનું સમારકામ ૮થી ૧૦ દિવસ માટે મુલતવી
વર્સોવા ખાડીના પુલ પર ખાડાને કારણે થયેલો ટ્રાફિક જૅમ. પુલનું સમારકામ હમણાં મુલતવી રાખવામાં આવ્યું છે.
મુંબઈથી ગુજરાતની દિશાએ જનારાં હેવી વાહનોની અવરજવર પર લાદવામાં આવેલો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. આ સંદર્ભની માહિતી મીરા-ભાઈંદર, વસઈ-પોલીસ કમિશનરેટ દ્વારા આપવામાં આવી છે. એને કારણે હવે મુંબઈથી ગુજરાત જતાં હેવી વાહનોની અવરજવર પહેલાંની જેમ જ ચાલુ રહેશે.
મીરા-ભાઈંદરના વર્સોવા નાકા પાસે આવેલા જૂના ખાડી બ્રિજના રિપેરિંગની કામગીરી હાથ ધરવા માટે આ બ્રિજ પર ભારે વાહનોની અવરજવર રોકવા માટેનો પત્ર આઇઆરબી સુરત-દહિસરે એમબીવીવી પોલીસ કમિશનરેટને સોંપ્યો હતો. આ પત્રની નોંધ લેતાં, મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટે ૨૬થી ૨૮ સપ્ટેમ્બર દરમ્યાનના ત્રણ દિવસ માટે આ બ્રિજ પરથી મુંબઈથી પાલઘર અને ગુજરાત તરફ જતાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.
એ જ સમયે થાણેના મુખ્ય રસ્તાઓ પર મોટા પ્રમાણમાં ખાડાઓને કારણે ભારે ટ્રાફિક જૅમની સમસ્યા થતાં સંબંધિત વિભાગ દ્વારા વર્સોવા બ્રિજના રિપેરિંગની કામગીરી આગળ ધકેલવાની માગણી થાણે ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને આઇઆરબી સુરત-દહિસર દ્વારા ટ્રાફિક જૅમની સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી પુલનું સમારકામ ૮થી ૧૦ દિવસ માટે મુલતવી રાખ્યું છે, જેને કારણે આ પુલ પર ભારે વાહનોની અવરજવર માટે લાદવામાં આવેલલો ત્રણ દિવસનો પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.

