મેળામાં ફરીને પાછા આવતી વખતે રસ્તો ભૂલી ગયા હતા
પ્રતીકાત્મક તસવીર
વિરાર ઈસ્ટના સહકારનગરના ૧૦ વર્ષના બે છોકરાઓ ગુરુવારે સાંજે ગુમ થઈ ગયા હતા. શુક્રવારે સવારે બન્ને છોકરાઓ એક બગીચામાંથી મળી આવ્યા હતા. વિરાર પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ગુરુવારે રાતે જ્યારે બન્ને છોકરાઓ ઘરે પાછા ન ફર્યા ત્યારે તેમના પરિવારોએ એરિયામાં શોધખોળ કરી હતી અને પછી પોલીસને જાણ કરી હતી. છોકરાઓના અપહરણના ડરથી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. વિરાર પોલીસે ત્રણ ટીમો બનાવીને આખી રાત આસપાસના વિસ્તારોમાં શોધખોળ ચલાવી હતી. એ પછી શુક્રવારે સવારે બન્ને છોકરાઓ એક ગાર્ડનમાં સૂતેલા મળી આવ્યા હતા.
પૂછપરછ દરમિયાન છોકરાઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ એક મેળામાં જવા માટે ઘરેથી નીકળ્યા હતા પણ પાછા ફરતી વખતે રસ્તો ભૂલી ગયા હતા. આ ગાર્ડનમાં એક અજાણી વ્યક્તિએ તેમને ખાવાનું અને કોલ્ડ ડ્રિન્ક્સ આપ્યાં હતાં. એ ખાઈપીને બન્ને ગાર્ડનમાં ત્યાં જ સૂઈ ગયા હતા.


