છેલ્લી ઘડીએ કૉન્ગ્રેસ પણ કૅન્ડિડેટ ઊભા ન રાખી શકી, બળવાખોર બનીને અપક્ષ નૉમિનેશન ભરનારા ઉમેદવારોને સપોર્ટ આપવા મજબૂર બની પાર્ટી
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) ઇલેક્શન માટે ઉમેદવારીપત્રો ભરવાનો મંગળવારે છેલ્લો દિવસ હતો. આ ચૂંટણી માટે પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડી (VBA) અને કૉન્ગ્રેસે ગઠબંધન કર્યું હતું. કૉન્ગ્રેસે VBAને ૬૨ બેઠક ઑફર કરી હતી. કૉન્ગ્રેસ ૧૫૦ બેઠકો પર ચૂંટણી લડવાની હતી. જોકે નૉમિનેશન ભરવાના છેલ્લા દિવસે જાણવા મળ્યું હતું કે VBAને ફાળવવામાં આવેલી ૬૨ બેઠકમાંથી માત્ર ૪૬ બેઠક માટે ઉમેદવારીપત્રો ભરાયાં છે અને ૧૬ બેઠક પર ઉમેદવાર ન મળવાને કારણે VBAએ નૉમિનેશન ભર્યું નહોતું. આ સમાચારને લીધે કૉન્ગ્રેસના ગઠબંધનને મોટો ફટકો પહોંચ્યો છે. ઉમેદવાર ન મળવા વિશે VBAએ કૉન્ગ્રેસને છેક છેલ્લી ઘડીએ જાણ કરી હતી. એને કારણે કૉન્ગ્રેસ પણ એના ઉમેદવારોને AB ફૉર્મ આપી શકી નહોતી.
મહત્ત્વની વાત છે કે VBA મુંબઈમાં એટલી તાકાત નથી ધરાવતું અને બાકી રહી ગયેલી ૧૬ બેઠકમાંથી કેટલીક બેઠક પર કૉન્ગ્રેસનો સારો સપોર્ટબેઝ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ બેઠકો પર કૉન્ગ્રેસના અનેક ઉમેદવારોએ ટિકિટ ન મળતાં બળવો કર્યો હતો અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આને કારણે હવે કૉન્ગ્રેસ પાસે પાર્ટીના આ બળવાખોર ઉમેદવારોને સપોર્ટ આપ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી.


