Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સત્ય, તથ્ય અને અસમાનતાઃ નોબેલ વિજેતા વેંકટરામન રામકૃષણન સાથે વિશેષ સંવાદ

સત્ય, તથ્ય અને અસમાનતાઃ નોબેલ વિજેતા વેંકટરામન રામકૃષણન સાથે વિશેષ સંવાદ

Published : 20 November, 2025 03:33 PM | IST | Mumbai
Chirantana Bhatt | chirantana.bhatt@mid-day.com

વેંકીએ “જીન મશીનઃ ધ રેસ ટુ ડિસાઇફર ધી સિક્રેટ્સ ઑફ ધી રાઇબોસોમ” પુસ્તક 2018માં લખ્યું અને તેમણે “વ્હાય વી ડાયઃ ધી ન્યુ સાયન્સ ઑફ એજિંગ એન્ડ ક્વેસ્ટ ફોર ઇમોર્ટાલિટી” નામું પુસ્તક 2024માં પ્રકાશિત કર્યું છે.

વેંકટરામન રામકૃષ્ણને લિટરેચર ફેસ્ટિવલમાં હાજરી આપી - તસવીર સૌજન્ય પીઆર

Exclusive

વેંકટરામન રામકૃષ્ણને લિટરેચર ફેસ્ટિવલમાં હાજરી આપી - તસવીર સૌજન્ય પીઆર


વેંકટરામન રામકૃષ્ણન, 2009માં નોબેલ પારિતોષિક મેળવનારા ભારતીય મૂળના વૈજ્ઞાનિક છે. તે ભૌતિકશાસ્ત્રી અને પરમાણુ જીવવિજ્ઞાની છે અને રાઇબોઝોમ્સ પરના તેમના કામ માટે તેમને નોબેલ પારિકતોષિક એનાયત થયું હતું. તે રોયલ સોસાયટીના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને બાદમાં વિદેશ જઇને તેમણે ઉચ્ચ અભ્યાસ કર્યો. તેમના કામ અંગે અનેક ચર્ચાઓ થઇ છે અને થતી રહી છે. તેમણે “જીન મશીનઃ ધ રેસ ટુ ડિસાઇફર ધી સિક્રેટ્સ ઑફ ધી રાઇબોસોમ” પુસ્તક 2018માં લખ્યું અને આ ઉપરાંત તેમણે “વ્હાય વી ડાયઃ ધી ન્યુ સાયન્સ ઑફ એજિંગ એન્ડ ક્વેસ્ટ ફોર ઇમોર્ટાલિટી” નામું પુસ્તક 2024માં પ્રકાશિત કર્યું છે. તાજેતરમાં તેઓ મુંબઈના લિટરેચર ફેસ્ટિવલ લિટરેચર લાઇવ! ધી મુંબઈ લિટફેસ્ટની સોળમી આવૃત્તિમાં હાજરી આપવા શહેરના મહેમાન બન્યા હતા તે દરમિયાન તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિશેષ વાતચીત કરી. 

લિટફેસ્ટના ઉદ્ઘાટન સમારોહમાં યોજાયેલા પેનલ ડિસ્કશનમાં તેમણે “ટ્રુથ. ટ્રસ્ટ.ટેસ્ટીમની” વિષય પર પોતાની રજુઆત કરી જેમાં તેમણે દરેકનું સત્ય અલગ હોય છે જેવા વિચારમાં પોતે શા માટે નથી માનતા તે વિશે મંતવ્યો રજૂ કર્યા અને સાથે આજે ઇન્ફર્મેશન ઓવરલોડના વખતમાં સત્યને કેવી લડાઈ લડવી પડે છે તેની વાત પણ કરી. વળી તેમણે અન્ય સેશનમાં લાંબી જિંદગી અને અમરત્વને લગતી સંદિગ્ધતાઓ પર પણ પ્રકાશ પાડ્યો.



2009માં જ્યારે નોબેલ પારિતોષિક જાહેર થયું ત્યારે


વેંકીના ટૂંકા નામે જાણીતા આ વૈજ્ઞાનિકની નિસ્બતો કોઈપણ સામાન્ય માણસને વિચારતા કરી દે તેવી છે. તેમના વિચારોની સ્પષ્ટતા સ્વભાવિક રીતે જ કોઈપણ વૈજ્ઞાનિકને છાજે તેવી છે અને કોઈપ વૈજ્ઞાનિક પાસેથી આશા હોય તે જ રીતે તેઓ વાત પણ કરે છે. 2009માં જ્યારે તેમને નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે તેમને વિશે ભારતમાંથી ખાસ કરીને ગુજરાતના વડોદરામાંથી લખનારા ઘણા હતા. એ દિવસોમાં હું એક દૈનિક અખબારમાં કામ કરતી હતી અને એક ગુજરાતી ભાષાના પત્રકાર પાસે જેટલી મદદ હોઈ શકે તેટલી જ મારી પાસે પણ હતી. મેં ક્યાંકથી તેમનું ઇ-મેઈલ આઇડી શોધીને તેમનો ઇન્ટરવ્યુ માટે સંપર્ક કર્યો. મને કોઈ અપેક્ષા નહોતી કે તેઓ જવાબ આપશે પણ મને બરાબર યાદ છે કે તેંત્રીસ મિનીટમાં એમણે વળતો જવાબ લખ્યો હતો. તેમણે એમ લખ્યું હતું કે મોટાભાગના લોકો તેમનો સંપર્ક કર્યા વિના તેમને વિશે લખી રહ્યા છે અને મેં તેમનો સીધો સંપર્ક કર્યો છે એટલે તેઓ ચોક્કસ આ ઇન્ટરવ્યુ મને આપશે. ઈ-મેઇલ પર થોડા દિવસની આપલે પછી જે લખાયું તે નેશનલ સ્ટોરી તરીકે દૈનિકની દેશભરની આવૃત્તિઓમાં છપાયું. તે લેખ તેમણે વાંચ્યો હતો, તેમના બહેન જે ગુજરાતી સમજે છે તેમણે પણ ભાષાને મામલે તેને વખાણ્યો હતો. જો કે ત્યાર બાદ જિંદગી આગળ વધી અને સંપર્ક જીવંત રાખવાનું શક્ય ન બન્યું. મને ખ્યાલ હતો કે તેઓ વર્ષે બે વર્ષે ભારત આવતા જ હોય છે જો કે એક યા બીજા કારણે સંપર્ક ન થઈ શક્યો. આ વર્ષે તેમના પેનલ ડિસ્કશનમાં જવાનું નક્કી કર્યું અને ત્યારે પણ અપેક્ષા નહોતી કે તેમને મળી શકાશે. ફેસ્ટિવલની પબ્લિસિટી સંભાળનારાઓએ ધરપત આપી કે કદાચ તેઓ પેનલ ડિસ્કશન પછી મળશે. આજે 22 વર્ષ સુધી પત્રકારત્વ કર્યા પછી પણ મારે માટે તેમને મળવાની ક્ષણની શક્યતાઓ જેમ જેમ સ્પષ્ટ થતી ગઈ તેમ તેમ મને આનંદ અને ગભરામણની લાગણી એક સાથે અનુભવાઈ રહી હતી. તે જે હોટેલમાં રોકાયા હતા ત્યાં જ મળવા તેમણે સૂચન કર્યું. આટલા મોટા ગજાના વૈજ્ઞાનિકની સરળતા તમારા મોલક્યુલમાં ઉતરી જાય એ ચોક્કસ. હોટેલ લોબીનો ઘોંઘાટ અને આવન જાવન તેમને નડ્યા એટલે તેમણે પોતાના રૂમમાં બેસીને વાત કરવાનુ સૂચન કર્યું. તેમને સોળ વર્ષ પહેલાનો ઇન્ટરવ્યુ ઝાંખો ઝાંખો યાદ આવ્યો અને પછી વડોદરા અમારે બંન્ને માટે ઘરના કહી શકાય તેવા પ્રો. જે. એસ. બંદૂકવાલાની વાતથી એ કડી વધારે જોડાઈ. આલા દરજ્જાના વૈજ્ઞાનિકની વાતોમાં નક્કરતા, ફિલસૂફી અને આશા બધું જ તમને રસાયણશાસ્ત્રના કોઈ પરફેક્ટ ફોર્મ્યુલાની જેમ મળી જાય તેનાથી રૂડી વાત શું હોઈ શકે?તેમની સાથે થયેલી વાતચીત આપણને વિચારતા કરી મૂકે તેવી ચોક્કસ છે. તેમણે ભારતની વર્તમાન સ્થિતિથી માંડીને ઇન્ફર્મેશન ઓવરલોડના યુગમાં વૈજ્ઞાનિક સત્ય સામેના પડકારો વિશે વાત કરી.

સમૃદ્ધ લોકો સત્યથી છેટે અલગ દુનિયામાં વસે છે


તેઓ ભારતની મુલાકાત કેટલી નિયમિત રીતે લે છે ત્યાંથી વાત શરૂ થઈ અને તેમણે કહ્યું, “મોટેભાગે આ પ્રકારના કાર્યક્રમોમાં હાજરી આપવા, ક્યારેક સંગીત મહત્સવ માટે તો ક્યારેક અમુક જ શહેરોની મુલાકાત લેવાની હોય ત્યારે ભારત આવું છું. જો કે વર્ષે એકાદ વખત કે બે વર્ષે એકવાર આવવાનું ચોક્કસ બને છે.” ઓગણીસ વર્ષની વયે તેમણે ભારત છોડ્યો હતો અને આટલા વર્ષોથી સમયાંતરે ભારત આવતા રહે છે ત્યારે તેમણે શું પરિવર્તનો નોંધ્યા? આ સવાલના જવાબમાં તેઓ કહે છે, “ઘણું પરિવર્તન છે અને એમ કહીશ કે અમુક હિસ્સો તો મૂળ ભારતથી જાણે પર થઇ ગયો છે, અલગ થઇ ગયો છે. આઘાત લાગે તેવી વાત છે પણ અહીં મુંબઈ NCPAની નજીક હોય અને ત્યાં સુધી પહોંચવા માટે બે-પાંચ મિનિટ ચાલવાને બદલે લોકો કાર્સ પસંદ કરે છે. એક સમયે જ વડોદરા શહેરમાં રસ્તો પસાર કરતી વખતે શાંતિ લાગતી હતી ત્યાં હવે જોખમ લાગે છે. વાહનો વધ્યા છે તો સાથે ભીડ અને અવ્યવસ્થા પણ વધ્યા છે.” પ્રિવિલેજ્ડ એટલે કે જેઓ સમૃદ્ધ છે તેવા લોકો જાહેર વાહનોનો ઉપયોગ નથી કરતા તે તેમને કઠે છે. વેંકી કહે છે, “લોકોને ફૂટપાથ પર ચાલવાની ટેવ નથી, તેમને બસ કે બીજા કોઈ જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ નથી કરવો. એક સમયે  ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ એસીમાં શ્રીમંતો બેસતા ત્યાં ઉચ્ચ કે ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોની હાજરી નથી હોતી. તેઓ પોતાના કમ્ફર્ટમાં, એક આગવા બબલમાં જીવે છે, જે ચિંતા જનક છે.” તેમનું માનવું છે કે જે લોકો સક્ષમ છે તેઓ ગેટેડ કોમ્યુનિટીઝ, એર કન્ડિશન્ડ કાર્સ અને પોતાની અલગ દુનિયામાં વસે છે, શેરીઓમાં વસતી જિંદગીઓ સાથે તેઓ નથી જોડાતા. સંજોગો બદલાશે નહીં કારણકે તેવું રાજકીય સ્તરે કોઈ ઈચ્છશે નહીં. જે જગ્યાઓ કે સંસાધનોનો ઉપયોગ ધનિકો નથી કરતા તેને ટેકો આપવામાં કોઈને રસ નથી. તેમનું માનવું છે કે આવી આ અસમાનતા અને ઉપેક્ષા એક એવું વમળ છે જેને કારણે આર્થિક સ્તરે સમૃદ્ધ થયેલા ભારતમાં વિશેષ અધિકાર ધરાવતા – પ્રિવિલેજ્ડ લઘુમતી અને સામાન્ય લોકોની મોટી બહુમતી વચ્ચેના અંતરને વધારી દીધું છે.

વિજ્ઞાન શીખવવાની પદ્ધતિ બદલાય તે જરૂરી

તેમનું પેનલ ડિસ્કશન સત્યને ફિલસૂફીની આસપાસ વણાયેલું હતું. આજે અલ્ગોરિધમની દુનિયામાં અને અધધધ માહિતીની દોરમાં સત્ય કેવી રીતે પ્રબળ બની શકે તેવો સવાલ સાંભળી વેંકી કોઈપણ ખચકાટ વિના કહે છે, “આ તો બહુ મુશ્કેલ બાબત છે.” રોયલ સોસાયટી અને નેશનલ એકેડેમી જેવી વૈજ્ઞાનિક સંસ્થાઓ સતત સ્વીકૃત વૈજ્ઞાનિક સર્વસંમતિ અને બાબતોને માનવાના આધારને કઈ રીતે એક બીજા સાથે જોડવા તેનો સંઘર્ષ કરે છે પણ અલ્ગોરિધમ મોટો પડકાર છે. માત્ર માહિતી આપવાને મામલે નહીં પણ ધ્યાન આકર્ષિત કરવાને મામલે પણ. સોશ્યલ મીડિયા અલ્ગોરિધમ્સ અંતે તો લોકોને એ માધ્યમો પર જકડી રાખવા માટે, પૈસા કમાવા અને માર્કેટિંગના હેતુથી જ ડિઝાઇન કરાયેલા હોય છે. આ મુદ્દો મૂકીને તેઓ કહે છે કે, “આ પડકાર સામે ટકવા માટે જરૂરી છે બહેતર શિક્ષણ અને તે પણ વિજ્ઞાનનું શિક્ષણ સુધારવું. માત્ર તથ્યો સમજાવવાની વાત નથી, વિદ્યાર્થીઓને પ્રક્રિયાઓ સમજાવવી જરૂરી છે. વિજ્ઞાન શોધની પ્રક્રિયા તરીકે શીખવાડાય તે જરૂરી છે.” તેઓ ભારતીય વિજ્ઞાન સંસ્થાના ચાલીકેરી, કર્ણાટકના કેમ્પસ દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમની વાત કરે છે જે શાળાઓ અને કૉલેજોમાં ભણાવતા વિજ્ઞાનના શિક્ષકો માટે બન્યો છે. આ કાર્યક્રમ સરળ, મોંઘા ન હોય તેવા પ્રયોગો વિકસાવે છે જે કોઈપણ શાળા અમલમાં મૂકી શકે છે, બાળકોને શીખવે છે કે વિજ્ઞાન "વિચારવાનો અને સંશોધનનો માર્ગ છે." આ કાર્યક્રમની વાત સાથે તેમણે માધ્યમની ભાષાની પણ વાત કરી. તેમણે કહ્યું કે, “અહીં જે શિક્ષકો છે તે અંગ્રેજી માધ્યમના નથી પણ કન્નડ કે અન્ય પ્રાદેશિક ભાષાઓના હતા. બાળકો વૈજ્ઞાનિક પદ્ધતિ સમજીને મોટા થાય ત્યારે તેઓ વધુ નિર્ણયક પ્રશ્નો પૂછવા માટે સજ્જ હોય છે. તેઓ બોગસ દાવાઓ સ્વીકારી નહીં લે.”

જ્યારે તે નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે શું થયું?


2009માં ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે શિક્ષણની પદ્ધતિઓ વિશે ચિંતા વ્યક્ત કરી હતી, તે જ સંદર્ભને આજે સોળ વર્ષે ફરી જોડતા જ્યારે તેમની સાથે વાત થઈ ત્યારે તેમણે જે કહ્યું તે આજે ભાષાકીય વાડાઓને કારણે થતી સમસ્યાઓના મુદ્દા અંગે હતું. તેમણે એ સમય યાદ કર્યો જ્યારે નોબેલ વિજેતાઓનું એક સંમેલન હતું અને તેમની મુલાકાત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે થઈ હતી. વેંકીએ ત્યારે પણ વિદેશી ભાષામાં વિજ્ઞાન શોધવાના નુકસાનની વાત કરી હતી. તેઓ સ્વીકારે છે કે અંગ્રેજી ભાષા વિજ્ઞાનની આંતરરાષ્ટ્રીય ભાષા છે પણ તમે જાપાનીઝ, ચાઇનીઝ, જર્મને કે પૉલિશ હો છો ત્યારે તમે વિજ્ઞાનની શરૂઆતી વિભાવનાઓ અંગ્રેજીમાં નથી શીખતા પણ તમારી પોતાની ભાષામાં શીખો છો. અંગ્રેજી શીખવાની ફરજ પડે એટલે વિદ્યાર્થીઓને માથે બમણો ભાર આવે – ભાષા અને વિજ્ઞાન બંન્ને સાથે સંઘર્ષ કરવો પડે. તેમની વાત તદ્દન વ્યવહારિક છેઃ વૈશ્વિક સ્તરના પાઠ્યપુસ્તકોનો ભારતીય ભાષામાં અનુવાદ કરવો જોઇએ. માત્ર અનુવાદ પૂરતો નથી – ચાલીકેરી જેવા શૈક્ષણિક તાલીમના મોડેલનું વિસ્તરણ બીજા રાજ્યોમાં પણ કરવું જોઇએ.  શૈક્ષણિક પ્રણાલીની વાતે વેંકી બ્રિટીશ મોડેલની પણ ટીકા કરે છે જેમાં સોળ વર્ષની વયે વિદ્યાર્થીઓએ કળા કે વિજ્ઞાન કે અન્ય પ્રવાહોમાંથી શેમાં સ્પેશ્યલાઇઝેશન કરશે તે નક્કી કરવાનું હોય છે. જેમ ભણવાનું આગળ વધે તેમ વિષયો સંકુચિત થતા જાય. વેંકીને લાગે છે કે એશિયન દેશો કે યુ.એસ. પાસે શિક્ષણને મામલે વ્યાપક પ્રણાલીઓ છે. એક સમયે ઇન્ટરડિસિપ્લીનરી શબ્દ શિક્ષણને મામલે ‘બઝવર્ડ’ બન્યો પણ એ લેખે ત્યારે જ લાગે જ્યારે વિદ્યાર્થીને પહેલેથી વ્યાપક વિષયોનું ભણતર મળ્યું હોય. તેમના મતે આમ થાય તો બીજી શાખાના લોકો સાથે સહયોગ પણ સરળ બને છે કારણકે તમે તેમના ક્ષેત્રના થોડાઘણા હિસ્સા સાથે મૂળભૂત સ્તરે સંપર્કમાં આવ્યા હો.

નિવૃત્તિ એટલે નવરાશ નહીં

મને મળ્યા તેના અઠવાડિયા પહેલાં જ નિવૃત્ત થયા હતા અને તે કહે છે કે, “મેં નક્કી નથી કર્યું કે હું હવે શું કરીશ કે મારો સમય કેવી રીતે પસાર કરીશ. અત્યારે હું આન્દ્રેઆ વુલ્ફની ‘મેગ્નિફિસન્ટ રેબેલ્સ’ વાંચી રહ્યો છું જે જર્મન વૈજ્ઞાનિકો, ફિલસૂફો અને વિચારકો મનની ક્રાંતિની દિશામાં શું કે છે તેની વાત છે. હું નિવૃત્ત છું પણ વિજ્ઞાનના ક્ષેત્રે મારું કામ હજી અટક્યું નથી. RNAનો ઉપયોગ કરીને તેના થકી હીલિંગ મૉડાલિટીઝ વિકસાવતી કંપની સાથે મારું કામ ચાલી રહ્યું છે. આ કામ પણ રાઇબોઝોમ્સ સાથે જ જોડાયેલું છે. આવનારા વર્ષોમાં આ કામના નક્કર હકારાત્મક પરિણામો આવશે તેવી મને આશા છે.” કોરોનાકાળ હોય કે કોઈ બીજી બાબત, કોન્સપિરસી થિયરીઝ ક્યારેય અટકતી નથી. જો કે એ થિયરીઝ વિશે વેંકીના ચહેરા પર મજાનું સ્મિત આવે છે. તેઓ કહે છે, “આવી થિયરીઝ અઢળક ચાલતી રહે છે, પણ મને કઈ થિયરીએ ચોંકાવી દીધો એ મને અત્યારે તો યાદ નથી આવતું.” આ ગજાના વૈજ્ઞાનિક માટે વિજ્ઞાનને આધારે, શિક્ષણને આધારે ઘડાતા સત્યને બચાવવાનો સંઘર્ષ વધારે મોટો છે એટલે સાહજિક રીતે જ તેમને માટે કોન્સિપરસી થિયરીઝ કામની નથી.

એક એવી વ્યક્તિ સાથે વાત કરવી જે આજે વૈશ્વિક સ્તરે હોવા છતાં મૂળિયાં સાથે આ હદે જોડાયેલી છે તે એક અલગ લાહવો છે. તેમને મન ભારતમાં થઈ રહેલા વિભાજનો, સામાજિક મશિનરીનું ક્ષીણ થવું મોટી ચિંતા છે તે વર્તાય છે. તેમને માટે આ તમામનું એક જ પ્રિસ્ક્રિપ્શન છે જે છે બહેતર શિક્ષણ જ ગોખણપટ્ટી પર ન ચાલતું હોય પણ ઠોસ પ્રક્રિયા પર ચાલતુ હોય. ફરી ક્યારેય તેમને મળાશે અને ત્યારે બહેતર બનેલા સંજોગોનો આનંદ વહેંચી શકાશે એવી આશા સાથે આ વાતચીત અહીં સમાપ્ત થાય છે.


વેંકટરામન રામકૃષ્ણને રાઇબોઝોમની રચના અને કાર્યના અભ્યાસો માટે થોમસ સ્ટેઇટ્ઝ અને અદા યોનાથ સાથે 2009નું રસાયણશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તેમણે 2015થી 2020 સુધી રોયલ સોસાયટીના પ્રમુખ તરીકે સેવા આપી હતી અને તાજેતરમાં કેમ્બ્રિજમાં MRC લેબોરેટરી ઓફ મોલેક્યુલર બાયોલોજીના ડિરેક્ટર તરીકેથી નિવૃત્ત થયા છે.
 

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2025 03:33 PM IST | Mumbai | Chirantana Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK