મરાઠી ભાષા અને મહારાષ્ટ્ર વિશે ઘસાતું બોલ્યો વિરારનો રિક્ષા-ડ્રાઇવર?
ધોલધપાટ કરીને મરાઠીમાં માફી મગાવી ઉદ્ધવસેનાએ
મીરા રોડના મીઠાઈનો દુકાનદાર મરાઠીમાં ન બોલ્યો એટલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ તેને માર્યો એ ઘટના તાજી છે ત્યારે હવે વિરારમાં શિવસેના (UBT)ના કાર્યકરોએ એક રિક્ષા-ડ્રાઇવરની ધોલધપાટ કરી હોવાનો વિડિયો વાઇરલ થયો છે.
વિરાર સ્ટેશનની બહાર આ ઘટના બની હતી. શિવસેનાના કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા અને રિક્ષા-ડ્રાઇવર રાજુ પટવાને ઘેરીને તેને મરાઠીમાં બોલવા કહ્યું હતું. એવું કહેવાય છે કે રાજુ પટવા પહેલાં મરાઠી ભાષા અને મહારાષ્ટ્ર બદલ ઘસાતું બોલ્યો હતો, જેની માહિતી શિવસેનાના કાર્યકરોને મળતાં તેમણે તેને ઘેરીને તેની પાસે હાથ જોડીને મરાઠીમાં માફી મગાવી હતી અને તેને ધોલધપાટ પણ કરી હતી. તેની પાસે મરાઠીમાં બોલાવડાવ્યું હતું કે ‘મી મરાઠી માણસાંચી માફી માગતો, મહારાષ્ટ્રાંચી માફી માગતો. મી છત્રપતિ શિવાજી મહારાજાંચી માફી માગતો, બાળાસાહેબાંચી માફી માગતો, ઉદ્ધવસાહેબાંચી માફી માગતો, રાજસાહેબાંચી માફી માગતો. છત્રપતિ શિવાજી મહારાજ કી જય.’
ADVERTISEMENT
એટલું જ નહીં, જે મહિલા પૅસેન્જરની સામે તે મરાઠી માણસ માટે ઘસાતું બોલ્યો હતો તેને પગે લાગવા કહ્યું હતું. આ વિડિયો વાઇરલ થયા પછી પણ પોલીસે તેમને કોઈ ફરિયાદ ન મળી હોવાથી ઍક્શન લેવાનું ટાળ્યું છે.

