વેસ્ટર્ન રેલવેનો નવો ઉપક્રમ, વલસાડમાં ટ્રાયલ શરૂ
હવે રેલવે સ્ટેશન પર કૂલી જોઈતો હોય તો ઍડ્વાન્સમાં ઑનલાઇન બુક કરો
હાલમાં જ્યારે મોટા ભાગની કન્ઝ્યુમર સર્વિસિસ ઑનલાઇન મળી રહી છે ત્યારે ટૂંક સમયમાં રેલવે સ્ટેશન પરની કૂલીની સર્વિસ ઑનલાઇન બુક કરીને મેળવી શકાય એ દિવસો દૂર નથી. વેસ્ટર્ન રેલવેએ હાલ વલસાડ સ્ટેશન પર પહેલો પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જે ટૂંક સમયમાં વાપી અને વસઈ પર પણ ચાલુ કરવામાં આવશે.
ચાલુ પ્રવાસે પૅસેન્જર્સને અલગ-અલગ સ્ટેશન પર ત્યાંની હોટેલનું ખાવાનું સર્વ કરવાની સર્વિસ આપતી www.gofoodieinline.com પરથી કૂલી માટેની આ સર્વિસ મેળવી શકાશે અથવા ૭૨૨૯૯ ૩૧૧૧૬ / ૯૧૧૯૨ ૨૨૭૬૨ પર ફોન કરીને પણ આ સર્વિસ મેળવી શકાશે. પરિવાર સાથે સામાન સાથે પ્રવાસ કરનાર પૅસેન્જર્સ અને ખાસ કરીને સિનિયર સિટિઝનને આ સર્વિસથી ખાસ્સો લાભ થશે.
ADVERTISEMENT
કૂલીની આ ઑનલાઇન સર્વિસનો ફાયદો એ થશે કે સ્ટેશન પર ટ્રેન પકડવા પહોંચ્યા પછી કે તમારા ડેસ્ટિનેશનના સ્ટેશન પર ટ્રેનમાંથી ઊતર્યા પછી તમારે કૂલી શોધવો નહીં પડે, તે તમને શોધતો આવશે. બીજું, ભાવતાલની માથાકૂટ નહીં. પહેલાંથી જ ફિક્સ કરેલા રેટ પ્રમાણે પેમેન્ટ કરવાનું રહેશે. પૅસેન્જર તેમના PNR નંબરની ડીટેલ આપી કૂલી ઑનલાઇન બુક કરી શકશે. એ પછી તરત જ કૂલીનું નામ અને કૉન્ટૅક્ટ ડીટેલ્સનો મેસેજ મોકલવામાં આવશે.
કેટલા સામાન માટે કેટલા રૂપિયા ચાર્જ કરાશે?
૭૫ રૂપિયા - ૪૦ કિલો સુધીના વજન માટે
૧૨૦ રૂપિયા - ૧૬૦ કિલો વજન માટે, બે પૈડાં અથવા ચાર પૈડાંની કાર્ટ સાથે
૧૨૦ રૂપિયા - બે કૂલીની સર્વિસ - દરદી વ્યક્તિને સ્ટ્રેચર પર કે સિનિયર સિટિઝનને વ્હીલચૅરમાં લઈ જવા માટે.
૧૮૦ રૂપિયા – ચાર કૂલીની સર્વિસ - દરદીને સ્ટ્રેચર પર કે વ્હીલચૅરમાં ઉપાડવા માટે.
મુંબઈ સેન્ટ્રલ અને બાંદરા ટર્મિનસ પર લાઇસન્સવાળા કૂલીઓ હોવાથી ત્યાં ઑનલાઇન કૂલીની સર્વિસ નહીં મળે.

