Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોલો ઝુબાં કેસરી કહેનારી સેલિબ્રિટીઝ કાયદાની દૃષ્ટિએ ક્યાં વાંકમાં છે એ જાણી લો

બોલો ઝુબાં કેસરી કહેનારી સેલિબ્રિટીઝ કાયદાની દૃષ્ટિએ ક્યાં વાંકમાં છે એ જાણી લો

Published : 03 September, 2026 10:58 AM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

યુટ્યુબ ચૅનલ પર પૉડકાસ્ટર પ્રખર ગુપ્તા સાથેની વાતચીતમાં તુકારામ મુંઢે કહે છે, ‘જે નોટિસ મોકલવામાં આવી છે એ સરોગેટ ઍડ્વર્ટાઇઝિંગ માટે છે

જાહેરાતમાંથી લેવાયેલ તસવીર

કરન્ટ ટૉપિક

જાહેરાતમાંથી લેવાયેલ તસવીર


મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)એ એક પાન મસાલા બ્રૅન્ડની સરોગેટ એટલે કે પરોક્ષ જાહેરાત કરવા બદલ બૉલીવુડના શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને શોકૉઝ નોટિસ મોકલી હતી. આ નોટિસ એ પબ્લિસિટી સ્ટન્ટ છે એવો ઊહાપોહ થતાં તાજેતરમાં એક પૉડકાસ્ટમાં FDAના કમિશનર તુકારામ મુંઢેએ સ્પષ્ટતા કરી છે કે તેમનો હેતુ પબ્લિસિટી કે પ્રચાર મેળવવા માટે આ સેલિબ્રિટીઝને નિશાન બનાવવાનો નથી પરંતુ તેમને જવાબદાર ઠેરવવાનો છે. ઇલાયચીની જાહેરખબર કરતી સેલિબ્રિટીઝ કઈ રીતે ગુનાના કઠેડામાં આવી શકે અને તેમને શું-શું સજા થઈ શકે એ વિશે આજે વાત કરીએ.

કેવી રીતે ગુનેગાર?
યુટ્યુબ ચૅનલ પર પૉડકાસ્ટર પ્રખર ગુપ્તા સાથેની વાતચીતમાં તુકારામ મુંઢે કહે છે, ‘જે નોટિસ મોકલવામાં આવી છે એ સરોગેટ ઍડ્વર્ટાઇઝિંગ માટે છે. ‘ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ (ઍડ્વર્ટાઇઝિંગ ઍન્ડ ક્લેમ્સ) રેગ્યુલેશન્સ, 2018’ અનુસાર જાહેરાત આપનારાની સાથે એનો પ્રચાર કરનારા એના માટે સરખા પ્રમાણમાં જવાબદાર છે. આ નિયમ મેં નથી બનાવ્યો પરંતુ આ ખાદ્ય ક્ષેત્રનો ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) અંતર્ગત આવતો ૨૦૧૮નો નિયમ છે જે ૨૦૧૯થી અમલમાં મુકાયો છે. એના મુજબ જાહેરાતો સત્ય, સ્પષ્ટ અને ગેરમાર્ગે ન દોરનારી હોવી જોઈએ. શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફ વિમલ ઇલાયચીની જાહેરાતમાં જોવા મળે છે; પરંતુ આ જ બ્રૅન્ડ પાનમસાલા પણ બનાવે છે. વિમલ ઇલાયચીની જાહેરાત વાસ્તવમાં વિમલ પાનમસાલાની સરોગેટ જાહેરાત છે. જે પ્રોડક્ટ માટે સરોગેટ જાહેરાત કરવામાં આવી રહી છે એ મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત હોવાથી કંપની એનું ઉત્પાદન રાજ્યની બહાર કરી રહી છે. જોકે એનો અર્થ એ નથી કે તેમને સમગ્ર ભારતમાં મહારાષ્ટ્ર સહિત એનો પ્રચાર કરવાની છૂટ મળી જાય. જે લોકો એની જાહેરાત કરે છે એ બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર પર પણ કાયદાની દૃષ્ટિએ જવાબદારી રહેલી છે એ જોવાની કે તેઓ કોઈ વસ્તુનું સમર્થન કરી રહ્યા હોય તો એ FSSAIના નિયમો અનુસાર છે કે નહીં. બીજી વાત અમે ઉત્પાદક કે વેચનારને છોડી દીધા નથી, તેમની સામે કાર્યવાહી ચાલુ જ છે. સેલિબ્રિટીઝ એ ત્રીજી કડી છે જેમના પર અમે પગલાં લઈ રહ્યા છીએ. તેથી આ કોઈને અંગત રીતે ટાર્ગેટ કરવાનો વિષય નથી. જાહેરાતની આખી સાંકળમાં સામેલ દરેક વ્યક્તિ જવાબદાર છે. જે વેચાણ કરે છે, ઉત્પાદન કરે છે કે એમાં અભિનેતા તરીકે કામ કરે છે, કાયદો તમામ માટે સમાન છે.’



નોટિસમાં શું છે?
FDAએ નોટિસમાં દાવો કર્યો છે કે આ જાહેરાત પ્રથમ નજરે પ્રતિબંધિત પાનમસાલા અને તમાકુસંબંધિત ઉત્પાદનોનો અપ્રત્યક્ષ કે સરોગેટ પ્રચાર કરે છે. ત્રણેય કલાકારોને ૧૫ દિવસમાં જવાબ આપવા કહેવાયું હતું, પરંતુ મુદત પૂરી થયા પછી પણ તેમના તરફથી આવેલા જવાબ વિશે કોઈ અપડેટ‍્સ નથી. અહીં ઉલ્લેખનીય છે કે FDAએ કલાકારોને તેમની પ્રમોશનલ પ્રવૃત્તિઓ તરત જ બંધ કરવા અને તેમનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ, વેબસાઇટ્સ તથા અન્ય ડિજિટલ પ્લૅટફૉર્મ પરથી આવી સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો છે. કલાકારો પાસે તેમના એન્ડૉર્સમેન્ટ ઍગ્રીમેન્ટ, કૅમ્પેન-બ્રીફ, પ્રોડક્ટ માહિતી અને ઍડ્વર્ટાઇઝિંગ એજન્સી તથા બ્રૅન્ડ માલિકની વિગતો રજૂ કરવાની માગણી કરવામાં આવી છે. જોકે બૉમ્બે હાઈ કોર્ટના ઍડ્વોકેટ સંકલ્પ રાજપુરોહિતના જણાવ્યા મુજબ FDA સેલિબ્રિટીઝ પાસેથી સ્પષ્ટતા માગી શકે છે; પરંતુ સોશ્યલ મીડિયા પરથી પોસ્ટ હટાવવાનો સીધો આદેશ આપવાની સત્તા IT Act, 2000ની કલમ 69A અથવા Consumer Protection Actની કલમ 21 (CCPA) પાસે છે, FDA પાસે નહીં.


લીગલી બે દૃષ્ટિકોણ
આ સંદર્ભે સિરિલ અમરચંદ મંગલદાસ નામની અગ્રણી લીગલ ફર્મમાં ૧૦ વર્ષથી કામ કરતી અને કુલ ૧૪ વર્ષની પ્રૅક્ટિસનો અનુભવ ધરાવતી ઍડ્વોકેટ સલોની કાપડિયા કહે છે, ‘સામાન્ય રીતે જે ઍક્ટર્સ છે તેમના વકીલોનો બચાવ એવો જ રહેવાનો કે તેઓ ઇલાયચી, સોડા કે નૉન-આલ્કોહૉલિક ડ્રિન્ક્સ પ્રમોટ કરે છે જે કાયદાકીય દૃષ્ટિએ ગેરકાનૂની નથી. જોકે મહારાષ્ટ્રમાં ૨૦૧૨થી જ ગુટકા, પાનમસાલા અને તમાકુયુક્ત પદાર્થોના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. એમ છતાં કંપનીઓ ‘ઇલાયચી’ના નામે પાનમસાલાની બ્રૅન્ડ્સનું પ્રમોશન કરતી આવી છે. ગાઇડલાઇન્સ ફૉર પ્રિવેન્શન ઑફ મિસલીડિંગ ઍડ્વર્ટાઇઝમેન્ટ્સ, 2022 અનુસાર કોઈ પણ પ્રકારની સરોગેટ કે ગેરમાર્ગે દોરતી જાહેરાત પર સખત પ્રતિબંધ છે. કાયદાકીય ભાષામાં મૂળભૂત સિદ્ધાંત છે કે જે વસ્તુ તમે ડાયરેક્ટ્લી પ્રમોટ નથી કરી શકતા એ જ વસ્તુ તમે ઇનડાયરેક્ટ્લી પણ પ્રમોટ કરી શકો નહીં. સિગારેટ્સ ઍન્ડ અધર ટબૅકો પ્રોડક્ટ્સ ઍક્ટ (COTPA)ના નિયમો તમાકુની બ્રૅન્ડનેમનો ઉપયોગ અન્ય વસ્તુઓ માટે કરવા પર મનાઈ ફરમાવે છે. જોકે તાજેતરમાં જ દિલ્હી હાઈ કોર્ટના ચુકાદામાં વિમલ ઇલાયચીના સંદર્ભમાં કોર્ટે કહ્યું હતું એક જ બ્રૅન્ડનેમનો ઉપયોગ કરવામાત્રથી આપોઆપ કાયદાનો ભંગ થયો છે એમ સાબિત થતું નથી. બ્રૅન્ડ-એક્સ્ટેન્શન એ સરોગેટ જાહેરાત છે કે નહીં એ સંપૂર્ણપણે પુરાવાનો વિષય છે. અદાલતે જોવું પડે કે જાહેરાતનો મુખ્ય આશય વાસ્તવિક પ્રોડક્ટ વેચવાનો છે કે તમાકુ બ્રૅન્ડની છબિ મજબૂત કરવાનો.’

કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ રૂલ્સ, 1994 જેન્યુઇન બ્રૅન્ડ-એક્સ્ટેન્શનને માન્યતા આપે છે. કોઈ બ્રૅન્ડ પોતાની પ્રોડક્ટ-રેન્જ વધારે એને બ્રૅન્ડ-એક્સ્ટેન્શન કહેવાય છે, પરંતુ જ્યારે એનો હેતુ પ્રતિબંધિત વસ્તુ વેચવાનો હોય ત્યારે એ સરોગેટ બની જાય છે. કેટલાક કેસોમાં અદાલતોએ ઠેરવ્યું છે કે કોર્ટ માત્ર પેપર પર લખેલી પ્રોડક્ટ નથી જોતી; એની વાસ્તવિક બજારસ્થિતિ, રજૂઆત અને ગ્રાહકો પર પડતી એકંદર અસર તપાસે છે. આ વાતને સરળ રીતે સમજાવતાં ઍડ્વોકેટ સલોની કહે છે, ‘જો કોઈ કંપની આલ્કોહોલની સાથે સોડા બનાવે છે અને સોડા માત્ર પેપર પર જ અસ્તિત્વ ધરાવતી હોય તો એ ઇલીગલ છે. પ્રોડક્ટ વાસ્તવિક રીતે માર્કેટમાં એક્ઝિસ્ટ કરતી હોવી જોઈએ અને એનું ઉત્પાદન મોટા પાયે થવું જોઈએ. વિમલ ઇલાયચી કદાચ કોઈ નાના સ્ટોરમાં જ બનતી હોય અને એના નામે કરોડો રૂપિયાનું રાષ્ટ્રીય કૅમ્પેન ચલાવતી હોય તો એ સ્પષ્ટપણે સરોગેટ ઍડ્વર્ટાઇઝિંગની વ્યાખ્યામાં આવે છે. મુખ્ય પ્રશ્ન એ જ આવીને અટકે છે કે શું વિમલ ઇલાયચીની જાહેરાત ખરેખર ઇલાયચી વેચવાના હેતુથી કરવામાં આવે છે કે પછી તમાકુ કે પાનમસાલાની બ્રૅન્ડ-ઇમેજને મજબૂત કરવા માટે? જેનો જે જવાબ હોય એ એવિડન્સ સાથે કોર્ટમાં સાબિત પણ કરવાનો રહે.’


સ્ટાર્સનો અભિગમ
આ જાહેરાતોનો વિવાદ પહેલાં પણ થતો રહ્યો છે. આ મુદ્દો ચર્ચાયો ત્યારે શાહરુખ ખાને ભૂતકાળમાં આપેલો એક ટીવી-ઇન્ટરવ્યુ ફરી વાઇરલ થયો છે જેમાં તે કહે છે, ‘હું કોઈ પણ ઑથોરિટીને અપીલ કરીશ કે તમે આવી પ્રોડક્ટ પર જ પ્રતિબંધ મૂકી દો, આપણા દેશમાં એને વેચાવા જ ન દો; જો સ્મોકિંગ ખરાબ છે તો સિગારેટનું ઉત્પાદન બંધ કરો; જો સૉફ્ટ ડ્રિન્ક્સ ખરાબ લાગે છે તો એને બનાવવાની મંજૂરી ન આપો; મારું લોજિક એ છે કે તમે એને બંધ નથી કરતા કારણ કે એનાથી સરકારને રેવન્યુ મળે છે, તો પછી મારી આવક પર પણ રોક ન લગાવો; હું એક ઍક્ટર છું, મારું કામ ઍક્ટિંગ કરવાનું અને એમાંથી કમાણી કરવાનું છે; જો તમને લાગે છે કે કંઈક ખોટું છે તો એને મૂળમાંથી જ બંધ કરી દો, એમાં શું વાંધો છે?’

બીજી તરફ અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન જેવા કલાકારો એવું ભૂતકાળમાં કહી ચૂક્યા છે કે તેઓ સરોગેટ ઍડ્વર્ટાઇઝિંગના નિયમથી અજાણ હતા અને આ બાબત ધ્યાનમાં આવતાં જ તેમણે પાનમસાલાની બ્રૅન્ડ્સ સાથેના પોતાના કરારો રદ કરી દીધા હતા. ગ્રાહક સશક્તીકરણ સર્વે મુજબ ભારતમાં ૬૪ ટકા લોકો સરોગેટ જાહેરાતો જુએ છે અને ૮૪ ટકા લોકો સેલિબ્રિટીઝ દ્વારા ગુમરાહ થયા હોવાનું સ્વીકારે છે. જો પ્રેશરમાં આવ્યા વિના અત્યારે જે ઍક્શન લેવાનું શરૂ થયું છે એ કાયમ રહે તો હવે સેલિબ્રિટીઝ કાનૂની ડરથી ગેમિંગ, તમાકુ, શુગરી ડ્રિન્ક્સ જેવી હાનિકારક બ્રૅન્ડ્સ સાઇન કરતી અટકશે એવો વિશ્વાસ લોકોમાં જાગી રહ્યો છે.

પતંજલિ કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઐતિહાસિક હતો
૨૦૨૪ના મે મહિનામાં સુપ્રીમ કોર્ટનાં ન્યાયમૂર્તિ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે પતંજલિ આયુર્વેદ મામલે ભ્રામક જાહેરાતો રજૂ કરવા બદલ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની સાર્વજનિક માફી ફગાવી દઈને સમગ્ર દેશ માટે ક્રાન્તિકારી નિર્દેશો આપ્યા હતા. એમાં તેમણે કહ્યું હતું કે ટીવી કે રેડિયો માટે ‘બ્રૉડકાસ્ટ સેવા પોર્ટલ’ પર અને પ્રિન્ટ/ઇન્ટરનેટ માટે મંત્રાલયના પોર્ટલ પર જાહેરાત આપતાં પહેલાં સેલ્ફ-ડેક્લેરેશન અપલોડ કર્યા વગર જાહેરાત ટેલિકાસ્ટ કરી શકાશે નહીં. સબ-સ્ટાન્ડર્ડ ફૂડ, ભેળસેળ અને ભ્રામક જાહેરાતો સામે કોઈ પણ ફરિયાદની રાહ જોયા વગર FSSAIએ પોતાની મેળે Suo Moto અંતર્ગત સીધી જ કાનૂની કાર્યવાહી કરવી પડશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જાહેર જીવનમાં રહેલા લોકો જે પ્રોડક્ટ સ્વીકારે છે એનાથી સમાજ પર ઊંડી અસર પડે છે. તેથી ખોટી જાહેરાતો માટે બ્રૅન્ડ સાથે સેલિબ્રિટી અને ઇન્ફ્લુઅન્સર્સ પણ સમાન રીતે ગુનેગાર ગણાશે.

ફરિયાદ કરો
તમે  https://complaints.mahafda.in કે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટીના પોર્ટલ પર શંકાસ્પદ કે ભ્રામક જાહેરાતોની ઑનલાઇન સીધી ફરિયાદ કરી શકે છે.

ભ્રામક જાહેરાત બદલ સજા શું છે?
કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, 2019 અંતર્ગત પ્રોડક્ટનું ખોટું વર્ણન કરવું, ગુણવત્તા વિશે અતિશયોક્તિભરી ગૅરન્ટી આપવી, કાયદા હેઠળ મળતા ગ્રાહક-અધિકારોને પ્રોડક્ટની ખાસિયત તરીકે બતાવવી કે જોખમો છુપાવવા જેવી તમામ બાબતોનો સમાવેશ ભ્રામક જાહેરાતોમાં થાય છે. ભ્રામક જાહેરાતને પ્રમોટ કરતી કંપનીથી લઈને ઍડ-એજન્સી અને સેલિબ્રિટીઝ ગુનાને પાત્ર છે. તેમને પ્રથમ ગુના માટે ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. વારંવારના ગુના માટે ૫૦ લાખ રૂપિયા સુધીનો દંડ અને પાંચ વર્ષ સુધીની કેદ થઈ શકે છે અને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટી (CCPA) દ્વારા સેલિબ્રિટીઝ પર એકથી ૩ વર્ષ સુધી કોઈ પણ એન્ડોર્સમેન્ટ કરવા પર પ્રતિબંધ લાગી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 10:58 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK