આ મામલે બદલાપુર-વેસ્ટની પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. શ્રાવણીના પતિનું કોવિડકાળમાં મૃત્યુ થયું હતું.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગ (EOW)માં ફરજ બજાવતી ૩૬ વર્ષની મહિલા કૉન્સ્ટેબલ શ્રાવણી વારિંગેએ શુક્રવારે રાતે બદલાપુર-વેસ્ટમાં જ્યાં રહે છે એ વેદાંત નક્ષત્ર બિલ્ડિંગના ત્રીજા માળના ઘરની બાલ્કનીમાંથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. આ મામલે બદલાપુર-વેસ્ટની પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. શ્રાવણીના પતિનું કોવિડકાળમાં મૃત્યુ થયું હતું.
બદલાપુરના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર કિશોર શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે રાતે સાડાનવ વાગ્યે બદલાપુરના રમેશવાડી વિસ્તારમાં વેદાંત નક્ષત્ર બિલ્ડિંગના ત્રીજા માળની બાલ્કનીમાંથી પોલીસ-કોન્સ્ટેબલ શ્રાવણીએ ઝંપલાવ્યું હતું. એ સમયે તેને તાત્કાલિક બિલ્ડિંગના યુવાનો નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ડૉક્ટરે તેને મૃત્યુ પામેલી જાહેર કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રાવણી EOW ઑફિસથી ફરજ બજાવીને સાંજે ૮ વાગ્યે ઘરે આવી હતી. ઘરે આવ્યા બાદ તેણે ત્રીજા માળથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ ઘટનાની માહિતી એ વિસ્તારમાં ફેલાતાં હોબાળો મચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે શ્રાવણી છેલ્લા કેટલાક વખતથી માનસિક તાણમાં હતી એને કારણે હતાશામાં આ આત્યંતિક પગલું ભર્યું હોય એવી શક્યતા છે. ઘટના બાદ તેની ડેડ-બૉડી પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવી છે. તેણે આત્મહત્યા શા માટે કરી એની તપાસ ચાલી રહી છે.’

