ભિવંડીના ઈદગાહ રોડ નજીક આવેલા ખાડીકિનારા વિસ્તારમાંથી ગઈ કાલે સવારે એક મહિલાનું ધડથી કપાયેલું માથું મળી આવતાં ચકચાર મચી ગઈ હતી
પ્રતીકાત્મક તસવીર
ભિવંડીના ઈદગાહ રોડ નજીક આવેલા ખાડીકિનારા વિસ્તારમાંથી ગઈ કાલે સવારે એક મહિલાનું ધડથી કપાયેલું માથું મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. આ મુદ્દે ભોઈવાડા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી છે. મહિલાની ઓળખ કરવા તેમ જ મહિલાને કોણે મારી નાખી એની તપાસ હાથ ધરવામાં આવી છે. મહિલાનું માથું ખાડીકિનારે કપાયેલું મળી આવતાં સ્થાનિક લોકોમાં ભય પસર્યો છે.
ભોઈવાડાના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અશોક રત્નપારખીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે ઈદગાહ રોડ નજીક આવેલી ખાડીના કિનારે એક મહિલાનું ધડ વિનાનું માથું સ્થાનિક લોકોને દેખાતાં અમને ઘટનાની જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક ઘટનાસ્થળે ગયા ત્યારે એક મહિલાનું માત્ર માથું જ અમને મળ્યું હતું. ત્યાર બાદ મહિલાનું કપાયેલું માથું કબજે કરીને ફૉરેન્સિક વિભાગને મોકલી આપ્યું હતું. અમારી બીજી ટીમે ખાડીકિનારે તેમ જ અંદરના વિસ્તારોમાં મહિલાની ડેડ-બૉડી શોધવાની શરૂઆત કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર મહિલાની ઉંમર ૨૫થી ૩૦ વર્ષની વચ્ચે હોય એવી માહિતી અમને મળી છે. એ ઉપરાંત ધારદાર હથિયારથી તેનું ગળું કાપી નાખવામાં આવ્યું હોવાનું જણાયું છે.’

