તેમની પાસે કામ કરતા માણસે ૨૫ ગ્રાહકોને વેચેલા માલના પૈસા પોતાની પાસે જ રાખી લીધા
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈની APMCની મસાલા માર્કેટમાં મસાલા અને ડ્રાયફ્રૂટ્સનો વ્યવસાય કરતા ૪૧ વર્ષના કચ્છી વેપારી પાસે નોકરી કરતા ૩૮ વર્ષના સુનીલ રાવલે પંચાવન લાખ રૂપિયાનાં મરચાં ગ્રાહકોને વેચીને પૈસા તફડાવી લીધા હતા. આ મામલે APMC પોલીસે સુનીલ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. જાન્યુઆરી ૨૦૨૨થી જુલાઈ ૨૦૨૩ દરમ્યાન સુનીલે આશરે ૨૫ ગ્રાહકોને મરચાંનો માલ વેચ્યો હતો અને એના પૈસા પોતાની પાસે રાખીને છેતરપિંડી કરી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
APMC પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૨માં વેપારીએ સુનીલને નોકરીએ રાખ્યો હતો. ત્યારથી તેને મરચાંનો તમામ વેપાર સોંપવામાં આવ્યો હતો. એમાં હોલસેલ વેપારીઓ પાસેથી માલ લેવો, તેમને સમય પર પૈસા આપવા તેમ જ ગ્રાહકોને માલ વેચીને તેમની પાસેથી પૈસા વસૂલ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ દરમ્યાન સુનીલે કેટલાક વેપારીઓને માલ આપીને તેમની પાસેથી પૈસા લીધા હતા. જોકે તેણે માલિક પાસે જમા કરાવ્યા નહોતા. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેણે ૨૫ ગ્રાહકો પાસેથી માલના પૈસા તરીકે પંચાવન લાખ રૂપિયા સ્વીકાર્યા હતા, પણ માલિક પાસે જમા કરાવ્યા નહોતા. તેને પૈસા વિશે પૂછતાં કોઈ યોગ્ય જવાબ આપ્યો નહોતો. એટલે સુનીલે માલના પૈસા લઈને છેતરપિંડી કરી હોવાની ખાતરી થતાં માલિકે અમારી પાસે આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે તેમ જ જે-જે વેપારીઓ પાસેથી સુનીલે પૈસા લીધા હતા તેમને કેટલો માલ આપ્યો હતો એની બિલ સહિતની વધુ જાણકારી મેળવીને તપાસ કરવામાં આવી રહી છે.’


