૫૦ વર્ષના થયા ત્યારે યાદગીરીરૂપે ૫૦ ક્લાસિક અને વિન્ટેજ કાર ખરીદેલી. ૧૯૫૦ના સમયનાં મૉડલ્સ તેમણે ખરીદેલાં
કારોનું એક કબ્રસ્તાન
જર્મનીના મેટમૅન વિસ્તારમાં વિન્ટેજ કારોનું એક કબ્રસ્તાન છે. આ કબ્રસ્તાન કાર-કલેક્શનના શોખીન માઇકલ ફ્રોહલિવે બનાવ્યું છે. કરોડો રૂપિયાના આસામી એવા માઇકલે ૨૦૦૦ની સાલમાં જ્યારે તેઓ ૫૦ વર્ષના થયા ત્યારે યાદગીરીરૂપે ૫૦ ક્લાસિક અને વિન્ટેજ કાર ખરીદેલી. ૧૯૫૦ના સમયનાં મૉડલ્સ તેમણે ખરીદેલાં. એ પછી આ કારોમાંથી પ્રદૂષણ પેદા કરે એવા પાર્ટ્્સ હટાવીને કારના ઢાંચાને પોતાના ઘરની પાસે આવેલા એક જંગલમાં લાઇનસર ઊભા કરી દીધા. તેમણે આવું કેમ કરેલું એ તો ખબર નથી, પરંતુ આજે પચીસ વર્ષ પછી આ વિન્ટેજ કારો એક કબ્રસ્તાનમાં અડધી દટાયેલી હોય એવી અવસ્થામાં છે. આ કબ્રસ્તાનમાં જૅગ્વાર, રોલ્સ-રૉય્સ સિલ્વર ઘોસ્ટ, પૉર્શે ૩૫૬ જેવી લક્ઝરી કાર પણ છે. જો આ કારને રીસ્ટોર કરવામાં આવે તો એની સહિયારી કિંમત કરોડો રૂપિયામાં થઈ શકે એમ છે, પણ માઇકલભાઈને એવું નથી કરવું. જંગલમાં પાનખર વખતે પડતાં પાંદડાંઓ, વરસાદ અને બરફને કારણે આ કારો પર કાટ લાગી ગયો છે અને ક્યાંક-ક્યાંક મશરૂમ પણ ઊગવા લાગ્યાં છે. માઇકલને એમાં કોઈ વાંધો નથી. તેમનું કહેવું છે કે માણસો અને મશીનો એકસાથે બુઢ્ઢા થઈ રહ્યાં છે.


