ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા ગુજરાત ગયેલા મુલુંડના ગુજરાતી પરિવારના ઘરમાં ચોર ત્રાટક્યા
વર્ધમાનનગરની C વિંગમાં આવેલા ફ્લૅટમાં ચોરી થઈ હતી.
મુલુંડ-વેસ્ટના ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ પર આવેલા વર્ધમાનનગરની C વિંગમાં છઠ્ઠા માળે રહેતા ગુજરાતી પરિવારના ઘરેથી મંગળવારે રાતે માત્ર ૨૦ મિનિટમાં તસ્કરો આશરે ૧૨ લાખ રૂપિયાની માલમતા સેરવી ગયા હતા. આ મામલે મુલુંડ પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. તસ્કરો વિશેની માહિતી કાઢવા વર્ધમાનનગરમાં લાગેલા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવતાં તસ્કરો કારમાં ચોરી કરવા આવ્યા હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. વર્ધમાનનગર મુલુંડ પોલીસ-સ્ટેશનથી માત્ર ૬૦૦ મીટરની અંદર છે. આ પહેલાં પણ પોલીસ-સ્ટેશનના નજીકના વિસ્તારમાં ચોરીની ૩ ઘટના નોંધાઈ હતી જેમાં પોલીસ હજી સુધી આરોપીને શોધી શકી નથી.
પરિવારના એક સભ્યે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગામમાં ધજાનો કાર્યક્રમ હોવાથી આખો પરિવાર ૧૭ ઑક્ટોબરે ગુજરાત ગયો હતો ત્યારે બુધવારે સવારે એક પાડોશીએ ઘરનો દરવાજો તૂટેલો જોઈને અમને જાણ કરી હતી. ત્યાર બાદ એક સંબંધી દ્વારા તપાસ કરાવવામાં આવતાં તસ્કરો સેફ્ટી-ડોર તોડ્યા પછી મેઇન ડોરમાં લાગેલું તાળું તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા અને બેડરૂમનાં બન્ને કબાટો તોડીને આશરે ૧૨ લાખ રૂપિયાની માલમતા સેરવી ગયા હતા. આ મામલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવતાં પોલીસે અમારી ફરિયાદ નોંધી હતી. ચોરી કોણે કરી એ શોધવા માટે સોસાયટીના CCTV કૅમેરાનું ફુટેજ તપાસતાં ચોરો મંગળવારે સવારે ૪.૪૦ વાગ્યે આવ્યા હતા અને પાંચ વાગ્યાની આસપાસ ઘરમાંથી ચોરી કરીને નીકળી ગયા હતા એટલે માત્ર ૨૦ મિનિટમાં ચોરીને અંજામ આપીને ચોરો નીકળી ગયા હતા. ચોરો કારમાં ચોરી કરવા આવ્યા હોવાનું CCTV કૅમેરાનાં ફુટેજમાં જણાઈ આવ્યું હતું.’
ADVERTISEMENT
મુલુંડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘CCTV કૅમેરાનાં ફુટેજમાં આરોપીની ઓળખ અમે કરી લીધી છે જેના આધારે તેની તપાસ પણ શરૂ કરી દીધી છે. આ પહેલાં થયેલી ચોરીમાં પણ તેનો સહભાગ હોય એવી અમને શંકા છે. આરોપીની ધરપકડ થયા બાદ આગળની માહિતી બહાર આવશે.’


