પંડિત બાબુનંદને ૩ સદી પહેલાં ધનતેરસના દિવસે આરોગ્યના દેવનું પૂજન કરવાનો પ્રારંભ કરેલો, જે આજે પણ મનાવાય છે
આ નિમિત્તે ૩૨૫ વર્ષથીયે જૂની અષ્ટધાતુની મૂર્તિ સાર્વજનિક દર્શનાર્થે મૂકવામાં આવશે
મહાદેવની નગરી કાશીમાં આ ત્રયોદશી નિમિત્તે આરોગ્યનો અમૃત કળશ પણ છલકાશે. આરોગ્યનું વરદાન આપતા સ્વયં ભગવાન વિષ્ણુના અવતાર અને ભગવાન ધન્વંતરિની જયંતી આજે મનાવવામાં આવશે. આ નિમિત્તે ૩૨૫ વર્ષથીયે જૂની અષ્ટધાતુની મૂર્તિ સાર્વજનિક દર્શનાર્થે મૂકવામાં આવશે. ચાંદીના સિંહાસન પર બિરાજમાન અઢી ફુટની ધન્વંતરિ દેવની મૂર્તિનું વજન ૨૫ કિલોનું છે. તેમના એક હાથમાં અમૃત કળશ, બીજા હાથમાં શંખ, ત્રીજા હાથમાં ચક્ર અને ચોથા હાથમાં અમૃત કળશ છે.
સ્વર્ગીય શિવકુમાર શાસ્ત્રીનો પરિવાર પાંચ પેઢીથી ભગવાનની સેવા કરે છે. તેમના પૂર્વજ બાબા પંડિત બાબુનંદને ધન્વંતરિ જયંતીની ઉજવણીનો પ્રારંભ ૩૨૭ વર્ષ પહેલાં કર્યો હોવાનું મનાય છે. ગઈ કાલે એ મૂર્તિનો ઔષધીય વનસ્પતિઓ દ્વારા શૃંગાર કરવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે ષોડશોપચાર પૂજન પછી આરોગ્યના દેવનાં દર્શન ખૂલશે. પહેલાં ધન્વંતરિ દેવનાં દર્શન બે દિવસ માટે ખુલ્લાં રહેતાં હતાં, પરંતુ હવે એક જ દિવસ માટે દર્શન થાય છે અને રાતે ૧૦ વાગ્યે દર્શન બંધ થઈ જાય છે.

