વડા પ્રધાન : RSS વિશ્વનું સૌથી મોટું NGO, ૧૦૦ વર્ષથી રાષ્ટ્રસેવામાં સમર્પિત; કૉન્ગ્રેસ : RSSની દયાથી સત્તા ટકાવવા માટે લાલ કિલ્લાનો ઉપયોગ એ અયોગ્ય
તસવીર સૌજન્ય : એજન્સી
સ્વતંત્રતાદિનના ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પ્રશંસા કરી એ કૉન્ગ્રેસને ગમ્યું નથી અને આ બાબતને કૉન્ગ્રેસે સૌથી વધુ ચિંતાજનક ગણાવી હતી અને કહ્યું હતું કે આ બંધારણીય અને ધર્મનિરપેક્ષ પ્રજાસત્તાકની ભાવનાનો ભંગ છે. વડા પ્રધાનનો પોતાના ૭૫મા જન્મદિવસ પહેલાં સંઘને ખુશ કરવાનો પ્રયાસ છે.
વડા પ્રધાન થાકી ગયા હતા અને હવે ટૂંક સમયમાં રિટાયર પણ થઈ જશે એવી ટિપ્પણી કરીને જયરામ રમેશે RSSના પ્રમુખના એ નિવેદન તરફ ઇશારો કર્યો હતો જેમાં મોહન ભાગવતે કહ્યું હતું કે નેતાઓએ ૭૫ વર્ષની ઉંમરે યુવા નેતાઓને તક આપવી જોઈએ.
ADVERTISEMENT
આ મુદ્દે જયરામ રમેશે કહ્યું હતું કે ‘વડા પ્રધાન હવે RSSની દયા પર છે. તેમના કાર્યકાળના વિસ્તરણ માટે મોહન ભાગવતના કાર્યાલય પર આધાર રાખે છે. વ્યક્તિગત લાભ માટે સ્વતંત્રતાદિનનું આ રાજકીયકરણ આપણા લોકશાહી માટે નુકસાનકારક છે.’
શું કહ્યું હતું વડા પ્રધાને RSS વિશે?
આજે હું ખૂબ ગર્વ સાથે એક વાતનો ઉલ્લેખ કરવા માગું છું કે ૧૦૦ વર્ષ પહેલાં એક સંગઠનનો જન્મ થયો હતો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. રાષ્ટ્રની ૧૦૦ વર્ષની સેવા એ ખૂબ જ ગૌરવપૂર્ણ સુવર્ણ પૃષ્ઠ છે. વ્યક્તિગત વિકાસથી રાષ્ટ્રનિર્માણના સંકલ્પ સાથે ૧૦૦ વર્ષ સુધી ભારતમાતાના કલ્યાણના ધ્યેય સાથે, સ્વયંસેવકોએ માતૃભૂમિના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. સેવા, સમર્પણ, સંગઠન અને અજોડ શિસ્ત એ એની ઓળખ રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વનું સૌથી મોટું નૉન ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO) છે.

