સર્વપક્ષીય બેઠકની શરૂઆતમાં પહલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓના આત્માની શાંતિ માટે મૌન પાળવામાં આવ્યું હતું. બેઠકમાં હાજર તમામ પક્ષોએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી
પ્રતીકાત્મક તસવીર
પહલગામના આતંકવાદી હુમલામાં ૨૬ ટૂરિસ્ટ્સનાં મૃત્યુ થયાં હતાં એ પછીથી કેન્દ્ર સરકાર ઍક્શન મોડમાં આવી ગઈ છે. આની વચ્ચે દિલ્હીમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતા હેઠળ ગઈ કાલે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. સર્વપક્ષીય બેઠકની શરૂઆતમાં પહલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓના આત્માની શાંતિ માટે મૌન પાળવામાં આવ્યું હતું. બેઠકમાં હાજર તમામ પક્ષોએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી.
કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ સ્વીકાર્યું હતું કે સરકારની ભૂલ થઈ છે. તેમણે કહ્યું કે આ ઘટના કેવી રીતે બની અને ભૂલ ક્યાં થઈ એની ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી. અમારા અધિકારીઓએ ઘટના કેવી રીતે બની હતી એ જણાવ્યું હતું.
ADVERTISEMENT
બેઠક બાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘સર્વપક્ષીય બેઠકમાં બધાએ પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. દરેક ઍક્શન પર સરકારને અમારો સંપૂર્ણ સપોર્ટ છે.’
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ‘કાશ્મીરમાં શાંતિના પ્રયાસ પર ચર્ચા થઈ. જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ જાળવવા માટે તમામ પ્રયાસ કરવા જોઈએ. સરકારને કોઈ પણ ઍક્શન માટે સમર્થન છે.’
એ સિવાય આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું હતું કે તમામ પક્ષોએ સરકાર પાસે આતંકવાદી ઠેકાણાંઓનો નાશ કરવા માટે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
બેઠકમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ, વિદેશપ્રધાન એસ. જયશંકર, નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં રાજ્યસભામાં ગૃહના નેતા જે. પી. નડ્ડા, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાજર હતા.
અમિત શાહ અને એસ. જયશંકરે રાષ્ટ્રપતિને પહલગામ હુમલાની આપી માહિતી
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત સરકાર આક્રમક મૂડમાં છે. બુધવારે પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મોટા નિર્ણય લીધા બાદ ગુરુવારે ગૃહપ્રધાન અમિત શાહ અને વિદેશપ્રધાન એસ. જયશંકરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. અમિત શાહે પહલગામ હુમલા વિશેની તમામ માહિતી રાષ્ટ્રપતિ મુર્મુને આપી હતી. આ બેઠકમાં સુરક્ષા સ્થિતિની ગંભીરતા અને આગામી રણનીતિઓ પર પણ ચર્ચા કરાઈ હતી.
શ્રીનગરમાં આતંકવાદ સામે આક્રોશ
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ કરવા ગઈ કાલે શ્રીનગરમાં કાશ્મીરી પંડિતોએ રૅલી કાઢી હતી.
ગઈ કાલે શ્રીનગરમાં દલ લેકના શિકારાવાળાઓએ પણ આતંકવાદનો વિરોધ કરતો સંદેશ આપ્યો હતો.

