જ્યારે પણ પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારના સંબંધો તંગ બને એટલે સૌથી પહેલાં વેસ્ટર્ન કમાન્ડને અલર્ટ રહેવાની સૂચના આપી દેવાય છે
પ્રતીકાત્મક તસવીર
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી નેવીના વેસ્ટર્ન કમાન્ડને અને એની બધી જ વૉરશિપને અલર્ટ રહેવાની સૂચના અપાઈ ગઈ છે. મહત્ત્વની વૉરશિપને બધી જ રીતે તૈયાર રહેવા કહી દેવાયું છે.
વેસ્ટર્ન કમાન્ડ ઇન્ડિયન નેવીની બહુ જ મહત્ત્વની પાંખ રહી છે. જ્યારે પણ પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારના સંબંધો તંગ બને એટલે સૌથી પહેલાં વેસ્ટર્ન કમાન્ડને અલર્ટ રહેવાની સૂચના આપી દેવાય છે. એવી જ અલર્ટની સૂચના આ વખતે પણ આપી દેવામાં આવી છે.
ADVERTISEMENT
અલર્ટ મોડ પર રહેવાની સૂચનાઓ મળતાં જ નેવલ ડૉકની સુરક્ષા પર પણ વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સામાન્ય સંજોગોમાં બૅલાર્ડ પિયરમાં આવેલા નેવલ ડૉકનો દરવાજો એક બાજુ ખુલ્લો રાખવામાં આવતો હોય છે. બુધવારથી એ દરવાજો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, ગેટની બાજુમાં આવેલી કમ્પાઉન્ડ વૉલ પાસેની ૩ ચોકી પર રાઉન્ડ ધ ક્લૉક વેપન સાથે ગાર્ડ ચોકી કરતા જોવા મળી રહ્યા છે.
આક્રમણની તૈયારી : પહલગામ અટૅક પછી વાયુસેના ઍક્શનમાં, રફાલ અને સુખોઈથી કર્યો યુદ્ધાભ્યાસ
જમ્મુ-કાશ્મીરમાં પહલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે મોટી ઍક્શન લેવાની તૈયારીમાં છે. આ દરમ્યાન ગઈ કાલથી જ ભારતીય વાયુસેનાના ‘એક્સરસાઇઝ આક્રમણ’ હેઠળ સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે જેમાં પહાડી અને જમીની ટાર્ગેટ પર હવાઈહુમલાનો અભ્યાસ કરવામાં આવ્યો. આ યુદ્ધાભ્યાસમાં વાયુસેનાએ રફાલ, સુખોઈ સહિતનાં ફાઇટર વિમાનોની તાકાત બતાવી છે. હાલ સેન્ટ્રલ સેક્ટરમાં યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે. આ અભ્યાસમાં વાયુસેનાના પાઇલટ પહાડી અને જમીની ઠેકાણાંઓ પર હુમલાનો અભ્યાસ કરી રહ્યા છે. આ યુદ્ધાભ્યાસનું નામ ‘આક્રમણ’ રાખવામાં આવ્યું છે જે એના હેતુને સ્પષ્ટ રીતે દર્શાવે છે એટલે કે આ હુમલો કરવો અને હુમલાની ક્ષમતાને મજબૂત કરવાનો છે.
પૂર્વી સેક્ટરથી વાયુસેનાનાં અનેક ઉપકરણોને સેન્ટ્રલ સેક્ટર તરફ રવાનાં કરવામાં આવ્યાં હતાં જ્યાં આ ડ્રિલ હેઠળ લાંબી દૂરી સુધી જઈને દુશ્મનનાં ઠેકાણાંઓ પર સટીક બૉમ્બમારો કરવામાં આવ્યો હતો. પાઇલટે રિયલ વૉર પરિસ્થિતિમાં અભ્યાસ કર્યો છે જેનાથી તેમને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જવાબી કાર્યવાહી કરવાનો અનુભવ થઈ શકે.
પાકિસ્તાન પહેલાં જ ભારતે અરબી સાગરમાં બતાવી તાકાત, કર્યું મિસાઇલનું પરીક્ષણ
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર જવાબી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ભારતે પાકિસ્તાનવિરોધી પાંચ મોટા નિર્ણયો લીધા હતા. ત્યાર બાદ પાકિસ્તાને પણ કેટલાંક ભારતવિરોધી પગલાં ભર્યાં હતાં. ત્યાર બાદ હવે જાણે યુદ્ધની તૈયારી થઈ રહી હોય એવા સમાચારો પણ સામે આવી રહ્યા છે. પાકિસ્તાને એની લશ્કરી તૈયારીઓ વધારી દીધી છે અને સપાટીથી સપાટી પર પ્રહાર કરતા મિસાઇલનું પરીક્ષણ શરૂ કરી દીધું છે જેથી એ ભારતને બતાવી શકે કે એ યુદ્ધના મોરચે સામનો કરવા માટે તૈયાર છે. જોકે પાકિસ્તાન એનું પરીક્ષણ કરે એ પહેલાં જ ભારતીય નૌસેનાના યુદ્ધજહાજ INS સુરતે અરબી સમુદ્રમાં મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતા મિસાઇલ (MR-SAM) ઍર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ડિસ્ટ્રૉયરનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

