પાન પોતે તો ફાયદાકારક છે જ અને એમાં પ્યૉર તથા હેલ્ધી સામગ્રી નાખો તો એ વધુ ગુણકારી છે
પાન, ખારેક, વરિયાળી, ગુલકંદ, અજમો, છીણેલું કોપરું, જાયફળ, લવિંગ
પાન ખાવાના શોખીનોને કદાચ ખબર નહીં હોય કે પાનમાં સ્વાસ્થ્યને ફાયદો આપે એવી સામગ્રી નાખવામાં આવે તો શોખ માટે ખવાતું આ પાન ઘણા હેલ્થ-પ્રૉબ્લેમ્સ દૂર કરી શકે છે. ખાસ કરીને રાતનું ભોજન કર્યા બાદ નાઇટ-વૉક પર જતી વખતે પાન ખાવામાં આવે તો એ પેટની હેલ્થ માટે બહુ સારું માનવામાં આવે છે. આ વિશેની માહિતી ડાયટ ક્ષેત્રે ૧૭ કરતાં વધુ વર્ષનો અનુભવ ધરાવતાં ક્લિનિકલ ડાયટિશ્યન અને ડાયાબેટિક એજ્યુકેટર વિધિ શાહ પાસેથી તેમના જ શબ્દોમાં જાણીએ...
પાચન સુધારે
ADVERTISEMENT
સામાન્યપણે પાન બનાવવામાં નાગરવેલના પાનનો ઉપયોગ થતો હોય છે, પણ અત્યારે બિહારના મગધ વિસ્તારનાં પ્રખ્યાત મઘઈ પાન પણ બહુ જ પ્રચલિત છે. બન્નેના ગુણો સમાન જ હોય છે, પણ મુંબઈમાં નાગરવેલનાં પાન સૌથી વધુ ખવાય છે. એમાં રહેલું યુજેનોલ નામનું તત્ત્વ પાચનપ્રણાલીને સુધારે છે તેથી જ ભોજન પછી પાન ખાવાથી ખોરાક સારી રીતે પચી જાય છે. આ ઉપરાંત ગૅસ, ઍસિડિટી, અપચો અને કબજિયાતની સમસ્યામાં પાનનું સેવન કારગત સાબિત થાય છે.
હેલ્ધી માઉથ-ફ્રેશનર
પાનમાં ઍન્ટિ-બૅક્ટેરિયલ ગુણધર્મ હોય છે જે મોંમાં રહેલા બૅક્ટેરિયા સામે લડે છે અને મોઢામાંથી આવતી દુર્ગંધ અને બૅક્ટેરિયાને દૂર કરીને ઓરલ હેલ્થને સારી રાખવામાં મદદ કરે છે અને ફ્રેશ રાખે છે. એમાં ઍન્ટિ-માઇક્રોબ્યલ પ્રૉપર્ટીઝ હોવાથી ફંગલ અને બૅક્ટેરિયલ ઇન્ફેક્શન સામે લડવામાં પણ એ ઉપયોગી સાબિત થાય છે. અન્ય માઉથ-ફ્રેશનર્સ કરતાં પાનને સૌથી સારું અને હેલ્ધી માઉથ ફ્રેશનર કહેવાયું છે. આ ઉપરાંત એમાં અનેક પ્રકારનાં ફાઇટોકેમિકલ્સ જેમ કે પોલિફિનોલ્સ જેવાં ઍન્ટિઑક્સિડન્ટ્સ હોય છે જે શરીરની અંદર હાજર નુકસાનકારક બૅક્ટેરિયા સામે લડે છે.
ઍસિડિટીમાં કારગત
નાગરવેલ અને મઘઈનાં પાન ખાવાથી મોંમાં ઉત્પન્ન થતી લાળ જ્યારે પેટમાં જાય છે એ પેટમાં જમા થયેલા ઍસિડનું પ્રમાણ ઘટાડે છે અને ઍસિડિટીની સમસ્યામાં રાહત આપે છે. આ ઉપરાંત પાનની તાસીર ગરમ હોવાથી શરદી અને ઉધરસની સમસ્યામાં લાભકારી માનવામાં આવે છે. હેલ્ધી પાનમાં લવિંગ અને એલચી જેવી સામગ્રી ઉમેરવામાં આવે તો એ દાંત અને દાઢ સંબંધિત તકલીફોમાં પણ રાહત આપે છે.
હેલ્ધી પાન કેવું હોય?
અત્યારે પાનમાં અઢળક વરાઇટી આવી ગઈ છે કે વાત ન પૂછો. ચૉકલેટ, ડ્રાયફ્રૂટ અને હની જેવી ફ્લેવરનાં પાન ખાવાનું લોકો પસંદ કરી રહ્યા છે ત્યારે ઘણા લોકો પાનમસાલાવાળાં અને તમાકુવાળાં પાન ખાઈને પોતાના શોખ પૂરા કરી રહ્યા છે, પણ આ કોઈ હેલ્ધી પાન નથી. હેલ્ધી પાન એ છે જેમાં નખાતી તમામ સામગ્રી શરીર માટે ફાયદાકારક હોય. નાગરવેલનું પાન તો ફાયદો આપે જ છે, પણ એમાં કઈ સામગ્રી નખાય છે એ પણ મહત્ત્વનું છે.
વરિયાળી : વરિયાળી શરીરને ઠંડક આપવાની સાથે બ્લોટિંગ, ગૅસ અને અપચાની સમસ્યાને દૂર કરે છે. એમાં રહેલું પોટૅશિયમ બ્લડપ્રેશરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. શુગરકોટેડ કલરફુલ વરિયાળી પણ આવે છે, પણ એ કોઈ ફાયદો ન આપતી હોવાથી પ્યૉર લીલી વરિયાળી નાખવાનો આગ્રહ રાખવો.
ગુલકંદ : અત્યારે ફ્લેવર્ડ ગુલકંદનું વેચાણ વધી ગયું છે, પણ એ ખાવાનું ટાળવું જોઈએ. જો ઘરે ગુલાબનાં પત્તાં અને સાકરને મિક્સ કરીને ગુલકંદ બનાવીને સ્ટોર કરો છો તો એ બહુ સારી વાત છે અને પાન બનાવવામાં એનો જ ઉપયોગ કરવો. ગુલકંદ મોઢાનાં ચાંદાં અને ત્વચાની સમસ્યાઓ માટે ફાયદાકારક છે. એનું રોજ સેવન ઍસિડિટી અને કબજિયાત દૂર કરે છે અને જેને ભૂખ ન લાગતી હોય તેની ભૂખ વધારે છે. પણ હા, જો ડાયાબિટીઝ હોય તો આ ન ખાવું જોઈએ.
ખારેક : જો તમને ગુલકંદ ન ભાવે તો ખારેક સારો અને હેલ્ધી ઑપ્શન છે. ખારેકમાંથી આયર્ન મળશે. જેને આયર્નની કમી હોય તેણે પાનમાં ખારેકનો નાનો ટુકડો નાખીને ખાવું.
છીણેલું કોપરું : પાનમાં નખાતું છીણેલું કોપરું ગુડ ફૅટ છે અને હાર્ટનાં ફંક્શન્સને સરળ બનાવવામાં મદદ કરે છે. અત્યારે કોપરામાં પણ કલરવાળાં કોપરાં આવે છે, એ ખાવાથી બચવું જોઈએ.
લવિંગ : પાનમાં નખાતું લવિંગ દાઢ અને દાંતની તકલીફોને દૂર કરે છે અને મોઢાની દૂર્ગંધને દૂર કરે છે.
જાયફળ : જેને અનિદ્રાની સમસ્યા હોય એ લોકો પાનમાં જાયફળનો પાઉડર અથવા એને પાણીમાં ઘસીને એનાં ચાર-પાંચ ટીપાં નાખીને ખાય તો એ ફાયદાકારક ગણાય છે.
અજમો : ઘણા લોકોને પાચનસંબંધિત વધુ તકલીફ હોય તો ઘણા લોકો પાનમાં બે ચપટી અજમો પણ નાખે છે.
શું ન નાખવું?
ચૂનો, કાથો, સોપારી અને પાનમસાલાથી તો દૂર જ રહેવું જોઈએ. આ સાથે જેલી, મેન્થૉલ, ટૂટીફ્રૂટી અને ચેરી પણ હેલ્ધી ઑપ્શન્સ નથી. તેથી એની પાનમાંથી બાદબાકી કરવી જોઈએ. ચૂનો-કાથો પ્યૉર મળે તો બહુ જ થોડી માત્રામાં અઠવાડિયામાં એક વાર ખાઈ શકાય, પણ જો એ શરીરને સૂટ ન થાય તો તાત્કાલિક બંધ કરવું.
ઘરે જ બનાવો
આ બધાં જ ઇન્ગ્રીડિઅન્ટ્સ પ્યૉર હશે કે નહીં એની કોઈ ગૅરન્ટી નથી. તેથી ઘરે જ હેલ્ધી પાન બનાવીને ખાવું જોઈએ. રાતનું ભોજન કર્યાના અડધા કલાક બાદ એને ખાઈ શકાય. નાગરવેલનાં ઝાડ શોધીને એમાંથી પાન તોડવાં મુશ્કેલ છે, તેથી પાનવાળા પાસેથી ફ્રેશ પાન લઈ શકાય. પાણીમાં ધોઈને એમાં ગુલકંદ, વરિયાળી, લવિંગ, એલચી, કોપરું અને જાયફળનો પાઉડર નાખીને પૅક કરીને ખાઈ જવું. જો તમે ડેઇલી પાન ખાતા હો તો આ રીતે પાન બનાવીને ખાવું સૌથી વધુ હેલ્થ-બેનિફિટ આપે છે. ઘણા લોકો પાનમાં ડ્રાયફ્રૂટ્સ નાખે છે પણ ઍક્ચ્યુઅલી એ રાતે ખાવાની વસ્તુ નથી, એને સવારે અને બપોરે જ ખાવું.
સંકળાયેલી માન્યતા
ભોજન બાદ ખવાતાં પાન માઉથ-ફ્રેશનર અથવા મુખવાસ તો કહેવાય જ છે અને એ આપણા કલ્ચર સાથે પણ સંકળાયેલું છે. લોકો પાન તેમના શોખ માટે ખાતા હોય છે, પણ આ જ પાનને જો હેલ્ધી બનાવીને દવાની જેમ માઇન્ડફુલનેસથી ખાવામાં આવે તો પાચનસંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. પાન સાથે ઘણી ખોટી માન્યતાઓ પણ સંકળાયેલી છે કે એમાં વપરાતો ચૂનો કૅલ્શિયમનો સારો સ્રોત છે, એમાં નખાતો કાથો મોઢા અને ગળાની હેલ્થ માટે સારો કહેવાય અને સોપારી પણ બ્લડ-થિનિંગનું કામ કરે છે. આ બધી જ માન્યતાઓ એક મિથ છે. એ પૂર્ણપણે સાચી નથી. પહેલી વાત તો એ છે કે માર્કેટમાં અત્યારે ભેળસેળિયો ચૂનો મળે છે. પ્યૉર ચૂનો શોધવો બહુ જ મુશ્કેલ છે. ચૂનો શુદ્ધ હોય તો પણ એનું બહુ જ ઓછું અને મર્યાદિત સેવન કરવાની સલાહ આયુર્વેદ આપે છે, પણ પાનના ગલ્લા પર મળતા પાનમાં નખાતો ચૂનો હેલ્થ માટે કેટલો સારો છે એનો અંદાજ લગાવવો ખરેખર મુશ્કેલ છે. એને ઍક્ટિવેટ કરવા કાથો પણ ઉમેરવામાં આવે છે. પાન અને કાથાનું દરરોજ સેવન કરવાથી મોઢામાં અલ્સર અને ઇરિટેશનની સમસ્યા ઊભી કરી શકે છે અને કૅન્સર જેવી ગંભીર બીમારીને નોતરી શકે છે. રહી વાત સોપારીની તો સોપારીનું સેવન શરીરને ફાયદા ઓછા અને નુકસાન વધુ આપે છે. ઘણા લોકો બ્લડ-થિનિંગના પર્યાય તરીકે પાનમાં સોપારી ખાય છે, પણ સોપારી શરીર માટે ગરમ હોવાથી હું એના સેવનની સલાહ આપતી નથી. પાનમાં જો આ ત્રણેય ઇન્ગ્રીડિઅન્ટ્સ હોય તો હું એ પાનને હેલ્ધી કહીશ નહીં. આ પાયાવિહોણી માન્યતાઓ છે, એનો વિશ્વાસ અને અનુસરણ કરવું નહીં.
શું કહે છે આયુર્વેદ?
આયુર્વેદિક દૃષ્ટિકોણથી હેલ્ધી પાન કેવું હોવું જોઈએ એ વિશે જણાવતાં ૧૮ વર્ષનો અનુભવ ધરાવતાં આયુર્વેદ એક્સપર્ટ ડૉ. શ્વેતાબા જાડેજા કહે છે, ‘આયુર્વેદમાં કઈ વસ્તુ શેની સાથે ખાઓ છો એના ગુણ અને ફાયદા અલગ-અલગ હોય છે. નાગરવેલનું પાન કફ દોષને દૂર કરે છે. જમીને જે કફ વધે છે એને ઓછો કરવા માટે રાત્રે પાન ખાઈએ છીએ. હેલ્ધી પાનમાં લવિંગ, છીણેલું કોપરું, ખડી સાકર, વરિયાળી હોય. ચૂનાને આયુર્વેદમાં હાડકાના સ્વાસ્થ્ય માટે સારો કહેવાયો છે, તો એને એક ચપટી કરતાં પણ ઓછી માત્રામાં ખાઈ શકાય પણ ત્યારે જ જ્યારે એ પ્યૉર હોય. દરરોજ ખાવા કરતાં એને બ્રેક આપવો જરૂરી છે. પાનમાં પણ અલગ-અલગ વરાઇટી આવે છે. એમાં નાગરવેલનું પાન સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આખો દિવસ કામ કરીને રાત્રે લાગેલા થાકને આ પાન દૂર કરે છે. આયુર્વેદમાં એને તંદ્રા નિદ્રાની સમસ્યાને દૂર કરવાનું કહેવાય. અમુક લોકોને કાથો અને ચૂનો ખાવાથી જીભ તતડી જતી હોય છે, તેથી એ ખાઓ ત્યારે બૉડીમાં શું ચેન્જ આવે છે એ જોવાનું અને જો નકારાત્મક ચેન્જ આવતા હોય તો એને તાત્કાલિક બંધ કરી દેવાનું હિતાવહ રહેશે. ગરમીની સીઝનમાં ગુલકદ રિફ્રેશિંગ ફીલ કરાવે અને એનો ગુણ ઠંડો હોય છે તેથી શરીરને ઠંડક આપશે.’

