૪૬ લાખ રૂપિયાના ૨૩૪ સ્માર્ટફોનના પાર્સલને કારણે આગ વધુ ભડકી હતી
ફ્યુઅલ લીકેજ અને સ્પાર્કને કારણે આગ લાગી
ફ્યુઅલ લીકેજ અને સ્પાર્કને કારણે આગ લાગી અને પછી ફોનની બૅટરીઓ ફાટતાં પળવારમાં બધું સ્વાહા થઈ ગયુ
આંધ્ર પ્રદેશના કુર્નૂલથી બૅન્ગલોર જઈ રહેલી પ્રાઇવેટ બસમાં શુક્રવારે આગ લાગવાથી ૨૦ લોકોનાં મૃત્યુ પછી આ ઘટના વિશેની તપાસ ચાલી રહી છે એમાં ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. રિપોર્ટ કહે છે કે બસની અંદર ૨૩૪ સ્માર્ટફોનનું કન્સાઇન્મેન્ટ હતું જેને કારણે આગની જ્વાળાઓ વધુ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગ લાગી ત્યારે વહેલી સવારનો સમય હતો અને મોટા ભાગના મુસાફરો ઊંઘમાં હતા. ફૉરેન્સિક એક્સપર્ટ્સનું માનવું છે કે સ્માર્ટફોનની બૅટરીઓમાં થયેલા ધમાકાને પગલે બસમાં આગ વધુ તેજ ગતિએ ફેલાઈ હતી. આ પાર્સલ મંગનાથ નામના હૈદરાબાદસ્થિત બિઝનેસમૅનનું હતું જે બૅન્ગલોરમાં ઈ-કૉમર્સ કંપની માટે હતું. આ પાર્સલની કિંમત લગભગ ૪૬ લાખ રૂપિયા જેટલી હતી. આ ઘટનાને નજરે જોનારા લોકોનું કહેવું હતું કે ફોનની બૅટરીઓ ફાટવાનો તડાતડ અવાજ આવી રહ્યો હતો. આંધ્ર પ્રદેશ ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર જનરલ પી. વેન્કટરમણે કહ્યું હતું કે ‘આગની શરૂઆત બસના આગળના ભાગમાં ફ્યુઅલ લીકેજને કારણે થઈ હોઈ શકે. આ ઉપરાંત સ્માર્ટફોનના ધડાકા અને બસમાં ઍર-કન્ડિશનિંગ માટે જે ઇલેક્ટ્રિકલ બૅટરીઝ હતી એને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી.’


