એકથી વધુ લગ્ન કર્યાં તો ૧૦ વર્ષની જેલ થશે અને સરકારી નોકરી નહીં મળે
હિમંતા બિસ્વા સરમા
આસામ વિધાનસભામાં ગઈ કાલે આસામ પ્રોહિબિશન ઑફ પોલિગામી બિલ, ૨૦૨૫ રજૂ કરવામાં આવ્યું હતું. એના પર વિસ્તૃત ચર્ચા પછી ખરડો પાસ થઈ ગયો હતો. આ બિલ છઠ્ઠા શેડ્યુલ ક્ષેત્રો અને શેડ્યુલ ટ્રાઇબ વર્ગ પર લાગુ નહીં પડે. આ બિલ અનુસાર એક કાનૂની લગ્નમાંથી છૂટા થયા પહેલાં બીજાં લગ્ન કરવાનો અપરાધ હશે. એની ૭ વર્ષની કેદ સુધીની સજા છે. પહેલાં લગ્ન છુપાવીને બીજાં લગ્ન કરવા પર ૧૦ વર્ષ સુધીની સજા થશે. આ ગુનો જેટલી પણ વાર દોહરાવવામાં આવશે એટલી વાર બમણી સજા થતી રહેશે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે ‘બહુવિવાહ પર પ્રતિબંધ એ મહિલાઓને સશક્ત કરવાની દિશાનું મહત્ત્વનું પગલું છે. હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ તમામ ધર્મના લોકો માટે આ કાયદો સમાન રહેશે.’
એકથી વધુ લગ્ન કરનાર જ નહીં, કરાવનારને પણ સજા થશે.


