કામ કરવા માટે ૩૮ કન્વીનરોની નિમણૂક કરવામાં આવશે. BSRTCમાં કુલ ૨૪૯૯ મંદિરો અને મઠો નોંધાયેલાં છે.
પ્રતીકાત્મક તસવીર
બિહાર સ્ટેટ રજિસ્ટર્ડ ટ્રસ્ટ કાઉન્સિલ (BSRTC) દ્વારા એના સંબંધિત વિસ્તારોમાં તમામ રજિસ્ટર્ડ મંદિરો અને મઠોના મુખ્ય પૂજારીઓ સાથે સંકલનમાં કામ કરવા માટે ૩૮ કન્વીનરોની નિમણૂક કરવામાં આવશે. BSRTCમાં કુલ ૨૪૯૯ મંદિરો અને મઠો નોંધાયેલાં છે.
આ સંદર્ભમાં BSRTCના ચૅરમૅન રણબીર નંદને જણાવ્યું હતું કે ‘કાઉન્સિલે રાજ્યભરમાં નોંધાયેલાં મંદિરો અને મઠો સાથે સંકલન કરીને સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે કામ કરવા તમામ જિલ્લાઓમાં કન્વીનરોની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે. દરેક જિલ્લામાં એક કન્વીનર પસંદ કરવાની પ્રક્રિયા એક કે બે દિવસમાં શરૂ થશે અને ફક્ત મહંતો (મુખ્ય પૂજારીઓ)માંથી કન્વીનરોની પસંદગી કરવામાં આવશે. કાઉન્સિલ આગામી મહિનાઓમાં રાજગીર ખાતે સનાતન ધર્મના પ્રચાર પર આંતરરાષ્ટ્રીય સંમેલન યોજવાની પણ તૈયારી કરી રહી છે.’ બિહાર સરકારના કાયદા વિભાગ હેઠળ આવતી આ કાઉન્સિલ રાજ્યમાં નોંધાયેલાં મંદિરો, મઠો અને ટ્રસ્ટોની સંપત્તિનો રેકૉર્ડ જાળવે છે અને એમની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ પણ કરે છે.
ADVERTISEMENT
મંદિરોમાં અખાડા સ્થપાશે
કન્વીનરો ખાતરી કરશે કે બધાં નોંધાયેલાં ધાર્મિક સ્થળો અખાડાઓ માટે એક સમર્પિત જગ્યા બનાવે. કાઉન્સિલનો મત છે કે મંદિરો અને મઠોએ પણ સામાજિક પ્રવૃત્તિઓ અને સામાજિક સુધારાનાં પગલાં લેવાં જોઈએ. આપણા તહેવારો, પૂજાઓ અને મૂલ્યો અને સનાતન ધર્મનું મહત્ત્વ ફેલાવવાની જરૂર છે.
દર પૂર્ણિમાએ કથા અને ભગવતી પૂજા
કન્વીનરોની કામગીરી વિશે બોલતાં રણબીર નંદને કહ્યું હતું કે તેઓ એ પણ સુનિશ્ચિત કરશે કે તેમના સંબંધિત જિલ્લાઓમાં બધાં નોંધાયેલાં મંદિરો અને મઠો દર મહિને અનુક્રમે પૂર્ણિમાના દિવસે સત્યનારાયણની કથા અને ભગવતી પૂજા કરે. તેઓ ખાતરી કરશે કે બધાં નોંધાયેલાં મંદિરો અને મઠો આ બે પૂજાઓના મહત્ત્વ વિશે જનતામાં સંદેશ ફેલાવે. લોકોને દર મહિને તેમનાં ઘરોમાં આ પૂજાઓ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવા જોઈએ.
ધાર્મિક કૅલેન્ડર બનાવવામાં આવશે
કાઉન્સિલે એક ધાર્મિક કૅલેન્ડર પણ શરૂ કરવાનું નક્કી કર્યું છે જેમાં સનાતન ધર્મના તમામ તહેવારો, પૂજાઓ અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓને પ્રકાશિત કરવામાં આવશે. આ કૅલેન્ડરો રાજ્યભરના લોકોમાં નોંધાયેલાં મંદિરો અને મઠો દ્વારા વહેંચવામાં આવશે.


