કહ્યું કે ૫૦-૫૦ ટકા વળતર ચૂકવવાનો નિર્દેશ આપીશું, પછી તમે બધા એકબીજા સાથે લડતા રહેજો
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે ખાડા અને મૅનહોલ સંબંધિત મૃત્યુમાં વળતરની ચુકવણીની જવાબદારીમાં ફેરબદલ કરવા બદલ રાજ્ય પ્રશાસનની ટીકા કરી હતી અને ચેતવણી આપી હતી કે જો તેઓ ઉકેલ લાવવામાં નિષ્ફળ જાય તો કોર્ટ દ્વારા તમામ સંબંધિત એજન્સીઓને સરખા ભાગે વળતર આપવાની ફરજ પાડવામાં આવશે.
જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે અને સંદેશ પાટીલની બેન્ચે નોંધ્યું હતું કે ‘અધિકારીઓ રસ્તામાં પડેલા ખાડાની જવાબદારી લેવાને બદલે એકબીજાને દોષી ઠેરવે છે. અમે તમને ૫૦-૫૦ ટકા વળતર ચૂકવવાનો નિર્દેશ આપીશું. પછી તમે બધા એકબીજા સાથે લડતા રહો અને એકબીજા પાસેથી પૈસા વસૂલતા રહો.’
ADVERTISEMENT
ઑગસ્ટમાં વિક્રોલીમાં એક બાઇકરના મૃત્યુ સંબંધિત કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે આ નિર્દેશ કર્યો હતો. ખાડાથી બચવાનો પ્રયાસ કરતી વખતે બાઇકરે જીવ ગુમાવ્યો હતો.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના વકીલે દાવો કર્યો હતો કે રસ્તો મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) હેઠળ છે તો MMRDAએ જવાબમાં કહ્યું કે એણે આ રસ્તો પહેલેથી જ BMCને સોંપી દીધો છે.
કોર્ટ ૨૮ સપ્ટેમ્બરે ડોમ્બિવલીમાં ખુલ્લા નાળામાં વહી ગયેલા ૧૩ વર્ષના છોકરાના મૃત્યુના મુદ્દા પર પણ કાર્યવાહી કરી રહી હતી. એ કિસ્સામાં પણ કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC) અને MMRDA વચ્ચે અધિકારક્ષેત્ર પર વિવાદ થયો હતો.


