કેન્દ્ર સરકારે મંજૂરી આપી, રાજ્યોને નવી ગાઇડલાઇન્સ ત્રણ મહિનામાં અમલમાં મૂકવાની સૂચના
પ્રતીકાત્મક તસવીર
ઓલા, ઉબર, ઇનડ્રાઇવ અથવા રૅપિડો જેવી કૅબ-રાઇડ્સ હવે પીક અવર્સ વખતે બમણું ભાડું વસૂલ કરી શકશે. કેન્દ્ર સરકારે આવી કૅબ-સર્વિસ કંપનીઓ વિશે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં ભાડું વસૂલવાની મર્યાદા વધારી દેવામાં આવી છે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયના જણાવ્યા અનુસાર હવે આ કૅબ ઍગ્રિગેટર્સ પીક સમય દરમ્યાન બેઝ ફેરના બમણા ચાર્જ વસૂલ કરી શકે છે, પહેલાં આ મર્યાદા ૧.૫ ગણી હતી. નવી માર્ગદર્શિકાનો હેતુ મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવાનો અને ડ્રાઇવરોનાં હિતોનું રક્ષણ કરવાનો છે. આ નવા નિયમોમાં ઘણા મહત્ત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે જે કૅબ ઍગ્રિગેટર્સ, ડ્રાઇવરો અને મુસાફરો એમ ત્રણેયને અસર કરશે.
નૉન-પીક અવર્સમાં ઓછું ભાડું
ADVERTISEMENT
નૉન-પીક અવર્સમાં પણ એક નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે, જેના હેઠળ બેઝ ફેરના પચાસ ટકા પર લઘુતમ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. આ માર્ગદર્શિકા લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આગામી ત્રણ મહિનામાં એનો અમલ કરવા જણાવ્યું છે. આનાથી પીક અવર્સ દરમ્યાન મુસાફરોનાં ખિસ્સાં પર અસર થશે અને ત્યારે કૅબ ઍગ્રિગેટર્સને તેમના સંચાલન માટે વધુ સુગમતા મળશે.
રાઇડ રદ તો દંડ
જો કોઈ ડ્રાઇવર રાઇડ સ્વીકાર્યા પછી માન્ય કારણ વગર એને રદ કરે છે તો તેને કુલ ભાડાના દસ ટકા સુધીનો દંડ કરવામાં આવશે, જેની મહત્તમ મર્યાદા ૧૦૦ રૂપિયા રહેશે. આ રકમ યુઝર અને કૅબ-કંપની વચ્ચે વહેંચવામાં આવશે. આ જ નિયમ મુસાફરોને પણ લાગુ પડશે. જો તેઓ કોઈ નક્કર કારણ વગર બુકિંગ રદ કરે છે તો તેમને પણ આ ફી ચૂકવવી પડશે.
ડ્રાઇવરો માટે વીમો જરૂરી
સરકારે તમામ ઍગ્રિગેટર્સને તેમના ડ્રાઇવરોને ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયાનો આરોગ્ય વીમો અને દસ લાખ રૂપિયાનો ટર્મ વીમો આપવાનો નિર્દેશ આપ્યો છે. આનાથી ડ્રાઇવરને સવારી દરમ્યાન કંઈક થાય તો નાણાકીય સુરક્ષા પણ મળશે.
ડ્રાઇવરો માટે તાલીમ જરૂરી
ડ્રાઇવરોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે હવે દરેક ડ્રાઇવરે વર્ષમાં એક વાર રિફ્રેશર તાલીમ લેવી પડશે. ઉપરાંત જે ડ્રાઇવરોનું રેટિંગ સૌથી ઓછું પાંચ ટકા છે તેમને દરેક ક્વૉર્ટરમાં તાલીમ લેવાની જરૂર પડશે. જો તેઓ આ નહીં કરે તો તેમને સેવાઓ પૂરી પાડવાથી રોકી શકાય છે. રાજ્યોને આ માર્ગદર્શિકા લાગુ કરવા માટે આગામી ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

