દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમના પ્રધાનોએ શરાબનીતિ કૌભાંડમાં કથિત રીતે ૨૦૨૬ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી
શરાબ કૌભાંડમાં ૨૦૨૬ કરોડ રૂપિયાની તોતિંગ છેતરપિંડી કરી હોવાનો દાવો
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમના પ્રધાનોએ શરાબનીતિ કૌભાંડમાં કથિત રીતે ૨૦૨૬ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી એમ કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયા (CAG)ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ શરાબનીતિમાં પારદર્શકતાનો અભાવ હતો અને લાઇસન્સીઓને ફાયદો પહોંચાડવા માટે ગેરકાયદે નિર્ણયો લેવામાં આવ્યા હતા. CAGના રિપોર્ટના કેટલાક અંશો ગઈ કાલે જાહેરમાં આવ્યા હતા. આ રિપોર્ટના અંશોને કારણે વિધાનસભાની ચૂંટણીમાં BJP અને કૉન્ગ્રેસને અરવિંદ કેજરીવાલ સામે આક્ષેપ કરવાનો વધુ દારૂગોળો પ્રાપ્ત થયો છે. પાંચમી ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) સરકારની વિવાદાસ્પદ શરાબનીતિ વિશે CAG ગિરીશ ચંદ્ર મુર્મુનાં આઘાતજનક તારણો પાંચમી ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે શાસક પક્ષ માટે આંચકાસમાન છે. દિલ્હી વિધાનસભામાં વિપક્ષ BJP અને કૉન્ગ્રેસે આ કૌભાંડને ‘લિકરગેટ’ નામ આપ્યું છે.