શિયાળુ સત્રમાં પંજાબ-હરિયાણાના પાટનગર અને કેન્દ્રશાસિત પ્રદેશ પર સરકાર બિલ રજૂ કરશે એવી વાતથી રાજકીય હોબાળો, જોકે પછી ગૃહમંત્રાલયે સ્પષ્ટતા કરી કે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી
પંજાબના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ભગવંત માન
કેન્દ્ર સરકાર સંસદના આગામી શિયાળુ સત્રમાં ચંડીગઢને બંધારણની કલમ ૨૪૦ હેઠળ સમાવવા માટે એક બિલ રજૂ કરવાની યોજના બનાવી રહી હોવાના દાવાઓ વચ્ચે ગૃહમંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે શિયાળુ સત્રમાં આ બાબતે કોઈ બિલ લાવવાનું આયોજન નથી.
આ સંદર્ભમાં ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે ‘કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢ માટે કેન્દ્ર સરકાર દ્વારા કાયદો બનાવવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો પ્રસ્તાવ હાલમાં કેન્દ્ર સરકાર સ્તરે વિચારણા હેઠળ છે. આ પ્રસ્તાવ પર કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ પ્રસ્તાવ ચંડીગઢની શાસનવ્યવસ્થા અથવા ચંડીગઢ સાથે પંજાબ કે હરિયાણાના પરંપરાગત સંબંધોને કોઈ પણ રીતે બદલતો નથી. ચંડીગઢનાં હિતોને ધ્યાનમાં રાખીને તમામ હિસ્સેદારો સાથે પર્યાપ્ત પરામર્શ કર્યા પછી જ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ મુદ્દા પર ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કેન્દ્ર સરકારનો સંસદના આગામી શિયાળુ સત્રમાં આ અંગે બિલ રજૂ કરવાનો કોઈ ઇરાદો નથી.’
ADVERTISEMENT
બંધારણના અનુચ્છેદ ૨૪૦ હેઠળ રાષ્ટ્રપતિને કેન્દ્રશાસિત પ્રદેશ માટે સીધા નિયમો અને કાયદા બનાવવાનો અધિકાર છે. જો કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલું બિલ પસાર થઈ જાય તો એ ચંડીગઢમાં સ્વતંત્ર મુખ્ય સચિવની જેમ સ્વતંત્ર વહીવટકર્તાની નિમણૂકનો માર્ગ મોકળો કરશે, જે અગાઉ તેમની પાસે હતો.
અગાઉ સંસદના બુલેટિનમાં જણાવાયું હતું કે કેન્દ્ર પહેલી ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા આગામી શિયાળુ સત્રમાં બંધારણ (131મો સુધારો) બિલ 2025 રજૂ કરવાની યોજના ધરાવે છે. આ બિલમાં ચંડીગઢને બંધારણની કલમ ૨૪૦ હેઠળ લાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જે રાષ્ટ્રપતિને કેન્દ્રશાસિત પ્રદેશ માટે સીધા નિયમો બનાવવાની સત્તા આપે છે. હાલમાં પંજાબના રાજ્યપાલ ચંડીગઢના વહીવટકર્તા છે, જે પંજાબ અને હરિયાણાની સંયુક્ત રાજધાની છે.
ચંડીગઢમાં હાલની સ્થિતિ શું છે?
હાલમાં પંજાબના રાજ્યપાલ કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢના પ્રશાસક છે. અગાઉ ૧૯૬૬ની પહેલી નવેમ્બરથી જ્યારે પંજાબનું પુનર્ગઠન થયું, ચંડીગઢનું સંચાલન મુખ્ય સચિવ દ્વારા સ્વતંત્ર રીતે કરવામાં આવતું હતું. જોકે ૧૯૮૪ની પહેલી જૂનથી ચંડીગઢનું સંચાલન પંજાબના રાજ્યપાલ દ્વારા કરવામાં આવ્યું છે અને મુખ્ય સચિવનું પદ કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસકના સલાહકારમાં બદલી દેવામાં આવ્યું છે. ઑગસ્ટ ૨૦૧૬માં કેન્દ્ર સરકારે જૂની વ્યવસ્થાને પુનઃ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો અને ભૂતપૂર્વ ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી કે. જે. અલ્ફોન્સને સ્વતંત્ર પ્રશાસક તરીકે નિયુક્ત કર્યા હતા.
વિરોધનો વંટોળ
ચંડીગઢનો ઉલ્લેખ ધરાવતા સંસદ બુલેટિનનો BJP સહિત પંજાબના તમામ મુખ્ય રાજકીય પક્ષો તરફથી જોરદાર વિરોધ થયો હતો.
ભગવંત માને શું કહ્યું?
પંજાબના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ભગવંત માને કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર પંજાબની રાજધાની છીનવી લેવાનું કાવતરું કરી રહી છે. ચંડીગઢ બનાવવા માટે અમારાં ગામડાંઓનો નાશ કરવામાં આવ્યો હતો અને એના પર ફક્ત પંજાબનો જ અધિકાર છે. અમે હાર નહીં માનીએ અને જરૂરી પગલાં લઈશું.’
સુખબીર સિંહ બાદલે શું કહ્યું?
ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલે કહ્યું હતું કે ‘આ પંજાબવિરોધી બિલ છે અને સંઘીય માળખા પર સ્પષ્ટ હુમલો છે. આ મુદ્દે દરેક મોરચે લડવામાં આવશે. ચંડીગઢ પર પંજાબનો અધિકાર છે.’
સુનીલ જાખડે શું કહ્યું?
પંજાબ BJPના વડા સુનીલ જાખડે કહ્યું હતું કે ‘ચંડીગઢ પંજાબનો અભિન્ન ભાગ છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે વાત કરવામાં આવશે. એક પંજાબી તરીકે હું તમને ખાતરી આપું છું કે અમારા માટે પંજાબ હંમેશાં પ્રથમ આવે છે.’


