ખાતર અને રૅર અર્થ મિનરલ્સ પણ આપશેઃ ચીનના વિદેશપ્રધાનની બે દિવસની ભારતની મુલાકાતમાં અનેક બાબતે સહમતી સધાઈ
પ્રતીકાત્મક તસવીર
ચીનના વિદેશપ્રધાન વાંગ યી બે દિવસની ભારતની મુલાકાત પર હતા. આ બે દિવસમાં તેમણે વિદેશપ્રધાન એસ. જયશંકર, નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર અજિત ડોભાલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી.
ચીની વિદેશપ્રધાનની આ મુલાકાત દરમ્યાન અનેક બાબતે સહમતી સધાઈ હતી. તેમણે કહ્યું હતું કે ભારત અને ચીને ભાગીદાર તરીકે કામ કરવું જોઈએ.
ADVERTISEMENT
ભારત માટે રૅર અર્થ મિનરલ્સ અને ખાતરના સપ્લાયને ફરી સરળ બનાવવા માટે પ્રતિબંધો હળવા કરવા પણ ચીન સંમત થયું છે. વાંગે સોમવારે જયશંકર સાથેની વાતચીત દરમ્યાન આ ખાતરી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ચીને ભારતની ત્રણ મુખ્ય ચિંતાઓને દૂર કરવાનું વચન આપ્યું હતું. વિદેશપ્રધાન વાંગ યીએ વિદેશપ્રધાન જયશંકરને ખાતરી આપી હતી કે ચીન ખાતર, રૅર અર્થ મિનરલ્સ ઉપરાંત ટનલ બોરિંગ મશીનોની ભારતની જરૂરિયાતોને પણ પૂરી કરશે.
ટનલ બોરિંગ મશીનના અભાવે ભારતમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું મહારાષ્ટ્રમાં કામ અટકી પડ્યું છે.
ભારત એના આર્થિક વિકાસને વેગ આપવા માટે રૅર અર્થ મિનરલ્સના સતત પુરવઠા પર નજર રાખી રહ્યું છે. ચીન વૈશ્વિક રૅર અર્થ મિનરલ્સ માઇનિંગમાં લગભગ ૭૦ ટકા હિસ્સો ધરાવે છે.
ચીન અને ભારત વચ્ચેના વિચારભેદ વિવાદ ન બનવા જોઈએ : જયશંકર
વાંગ સાથેની બેઠકમાં ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે ‘ચીન અને ભારત વચ્ચેના વિચારભેદ વિવાદ ન બનવા જોઈએ અને બન્ને વચ્ચે થતી સ્પર્ધા સંઘર્ષમાં ન બદલાવી જોઈએ. ભારત અને ચીને મુશ્કેલ સમય પછી જોડાણમાં આગળ વધવા માટે નિષ્પક્ષ અને રચનાત્મક અભિગમ અપનાવવો પડશે. બન્ને દેશોએ પરસ્પર શાંતિ સ્થાપવા માટે સૈનિકોને સરહદો પરથી પાછા ખેંચવાની પ્રક્રિયાને સતત આગળ વધારવી ખૂબ જરૂરી છે.’
ચીનના વિદેશપ્રધાને મુખ્યત્વે નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર અજિત ડોભાલ સાથે સરહદ પ્રશ્ન પર ખાસ પ્રતિનિધિઓની વાતચીત પણ કરી હતી. મંગળવારે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા.

