આગામી ૩ દિવસ પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, તામિલનાડુ માટે ભારે: તોફાની ચક્રવાત માટે રાજ્યો સુસજ્જ: કાલે સાંજે કે રાતે આંધ્ર પ્રદેશના તટ પર ચક્રવાત ટકરાય એવી સંભાવના
ગઈ કાલે કલકત્તામાં અચાનક પવન સાથે ભારે વરસાદની શરૂઆત થઈ હતી, ગઈ કાલે ઓડિશામાં પુરીના દરિયાકિનારે લોકોને દરિયામાં અંદર ન જવાની ચેતવણી આપતા લાઇફગાર્ડ્સ.
ભારતીય મોસમ વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર ચક્રવાતી તોફાનમાં પરિણમે એવી પૂરી સંભાવના છે, જેનાથી ગંભીર સ્તરે અસર થઈ શકે છે. આગામી ૨૪ કલાકમાં ચક્રવાત મોન્થા આંધ્ર પ્રદેશના તટ પર અથડાય એવી સંભાવના છે. આગામી ૨૪ કલાકમાં અને ૨૮ ઑક્ટોબરની સાંજે ૫.૩૦થી ૧૧.૩૦ની વચ્ચે એ આંધ્ર પ્રદેશના મછલીપટનમ અને કલિંગપટનમની વચ્ચે કાકીનાડાની આસપાસ ટકરાશે. આ દરમ્યાન પવનનો વેગ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક સુધીનો થઈ શકે છે. આગામી ૩ દિવસ આંધ્ર પ્રદેશ ઉપરાંત ઓડિશા, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને છત્તીસગઢમાં ભારે વરસાદ થાય એવી શક્યતા છે. તોફાન પહેલાંથી જ જરૂરી તૈયારીઓ આદરી દેવામાં આવી છે.
આ વખતે મોન્થા નામ થાઇલૅન્ડે સૂચવ્યું છે. થાઇ ભાષામાં મોન્થાનો અર્થ સુગંધિત અથવા તો સુંદર ફૂલ થાય છે.


