નીતિ આયોગના ભૂતપૂર્વ CEO અમિતાભ કાંતે કહ્યું કે સુપ્રીમ કોર્ટે માણસના જીવવાના અધિકારની સામે ફટાકડા ફોડવાના અધિકારની પસંદગી કરી
ગઈ કાલે હવાના પ્રદૂષણને કન્ટ્રોલમાં લેવા માટે કર્તવ્ય પથ સહિત દિલ્હીમાં ઠેર-ઠેર સ્મોગ ગનથી સ્પ્રે કરવામાં આવ્યો હતો.
સોમવારે રાતે દિવાળીની ઉજવણીમાં થયેલી જોરદાર આતશબાજી પછી મંગળવારે સવારે ધુમાડાએ દિલ્હીના આકાશને ઘેરી લીધું હતું. દિલ્હીની ઍર ક્વૉલિટી ‘ખતરનાક’ શ્રેણીને પણ પાર કરી ગઈ છે. ઍર ક્વૉલિટી માપતાં દિલ્હીનાં ૩૮ સેન્ટરમાંથી ૩૬ સેન્ટરોમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) રેડ ઝોનમાં પહોંચી ગયો હતો. સૌથી વધુ AQI ૧૦૦૦ને પાર કરી ગયો હતો. ફટાકડાના ધુમાડાને કારણે નીકળેલા સૂક્ષ્મ કણો મોસમી પ્રદૂષણની સાથે મળતાં હવાની ગુણવત્તા ભયજનક રીતે નીચી ઊતરી હતી. સેન્ટ્રલ દિલ્હીના મંદિર માર્ગ અને લોધી રોડ પર મંગળવારે સવારે AQI ૧૩૦૦ સુધી પહોંચી ગયો હતો. ઝેરીલા ધુમાડાને કારણે દિલ્હીનાં ઐતિહાસિક સ્મારકો પણ દેખાતાં બંધ થઈ ગયાં હતાં.
જીવવાના અધિકારનું શું? : અમિતાભ કાંત
ADVERTISEMENT
દિવાળી શરૂ થયા પહેલાં જ સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો અને કહ્યું હતું કે દિલ્હીવાસીઓ દિવાળીમાં ગ્રીન ફટાકડા ફોડી શકશે. જોકે આ નિર્ણય વિશે ભારત સરકારની થિન્ક ટૅન્ક નૅશનલ ઇન્સ્ટિટ્યુશન ફૉર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા (NITI- નીતિ) આયોગના ભૂતપૂર્વ CEO અમિતાભ કાંતે કહ્યું હતું કે ‘દિલ્હીની હવાની ગુણવત્તા ખૂબ ખરાબ સ્થિતિમાં છે. પ્રદૂષણ નિયંત્રણના સતત અને કડક નિયમો જ દિલ્હીને સ્વાસ્થ્ય અને પર્યાવરણીય મુસીબતોથી બચાવી શકે છે. સુપ્રીમ કોર્ટે જીવવા અને શ્વાસ લેવાના અધિકારની સામે ફટાકડા ફોડવાના અધિકારને પ્રાથમિકતા આપી છે.’

